વિશ્વવ્યાપી ટામેટાંમાં એટલાં બધાં પોષક તત્ત્વો છે કે ટામેટાંને માનવી માટે અતિ ઉત્તમ ફળ માં મૂકી શકાય છે. એ અનિદ્રા, મીઠી પેશાબ, સંધિવા, પથરી, અજીર્ણ તથા આંતરડા ના ઝેરી તત્વોનો નાશ કરી પ્રસન્નતા આપી શરીરનું લોહી સુધારે છે. કેન્સરની હૉસ્પિટલોમાં ટામેટા વધુમાં વધુ વપરાય છે. કારણ કે ટામેટા આ રોગને રોકે છે. ફળ અને શાકભાજી માં સ્થાન પામેલા ટમેટા મૂળ અમેરિકાના ગણાય છે.
આયુર્વેદનાં પુસ્તકમાં ટામેટાંને પરદેશી ફળ વર્ણવ્યું છે. છતાં તેના ભારોભાર વખાણ કર્યા છે. ટામેટાંને લોહી શુદ્ધ કરનાર રસાયણ તરીકે વર્ણવ્યા છે પાંડુરોગ પર અજબ ઔષધીયુક્ત ફળ છે. ટામેટાથી હરસ, મંદાગ્નિ, રક્તવિકાર, તેમજ સ્કર્વી રોગ (દાંતોમાં લોહીનું આવવું) મટાડવા નો ગુણ છે. એનાથી યકૃત વિકાર, જીર્ણજવર વગેરે મટે છે. પાચનશક્તિ સુધરે છે. ટામેટા કાચાં ખાવાથી તેમજ તેનો રસ બનાવીને પીવાથી હિતકારી છે.
ટામેટાંમાં અનેક પ્રકારના રોગોનો સામનો લડવાની તાકાત છે. આ શક્તિવર્ધક ટામેટાં બધી જ ઋતુમાં મળે છે. ભોજનના થાળમાં એને કાયમ સ્થાન અપાવું જોઈએ.ટમેટાનું કચુંબર, ટામેટાંનો રસ, ટામેટાનું સૂપ, એમ વિવિધ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. ટામેટાંમાં સાકર, મધ, ખજૂર કે ગોળ નાખવાથી પણ વિવિધ રસાસ્વાદ માણી શકાય છે. ટામેટાંમાં ખનીજક્ષારો, લોહ, કેલ્શિયમ, ફોસ્ફેટ, સાઈટ્રિક એસિડ છે. શરીર પોષક અને શરીર સંવર્ધક દ્રવ્યોની જરૂર પડતી હોય તેવા લોકોને આહારમાં રોજ ટામેટા નો ઉપયોગ કરવો જોઈએ.
ટામેટાંમાં રહેલું વિટામિન ‘બી’ તથા રેસા મળને વેગ આપે છે. ટામેટા લીવર, ગુદા, અને બીજા અંગો પર મહત્ત્વનું કામ કરે છે અને આંતરડાંને વ્યવસ્થિત કરે છે. છ પ્રકારના વિટામિન પૈકી પાંચ વિટામિન ટામેટામાં છે. પાકો ટામેટાંમાં વિટામિન ‘એ’, ‘બી’ અને ‘સી’ ઘણાં પ્રમાણમાં છે. તેથી એ બાળક, યુવાન કે વૃદ્ધ બધાને માટે હિતકારી છે.જેના સાંધા જકડાઈ ગયા હોય, તેવા દર્દીએ સવાર, બપોર, સાંજ અને રાત્રે ૪ વખત એક ગ્લાસ ટામેટાંનો રસ પીવો, એનાથી સાંધાનું લોહી છૂટું પડે છે. અને સાંધાનો દુખાવો દૂર થાય છે.
ટામેટાંનો રસ પીવાથી લીવર અને કમળાનું દર્દ મટે છે. પાંડુરોગમાં ટામેટાંનો રસ નવું જીવન બક્ષે છે. કબજિયાત, અજીર્ણ, પથરી, સંધિવાનું દર્દ ટામેટાંના રસ થી મટે છે. ટામેટાંનો રસ સવાર-સાંજ ભોજન પછી પીવાથી આંતરડાંની બીમારી દૂર થાય છે. એ લોહીની ખરાબી દૂર કરી શરીરના ઝેરી તત્વોનો નાશ કરે છે. અનિદ્રા ના રોગમાં ટામેટા ગુણકારી છે. શરીરની અંદર રોગજન્ય જીવાણુઓનો નાશ કરવા માટે ટામેટા જ એક અદ્ભુત ફળ ગણાય છે. ટામેટાંનો રસ જઠર અને આંતરડાને સાફ કરીને જંતુમુક્ત બનાવે છે. ટામેટાનું સૂપ જીર્ણજ્વર માં પણ આપી શકાય છે.
ટામેટાના રસમાં હિંગ નો વઘાર કરવાથી , તે રસ કૃમિનો નાશ કરે છે. પાકાં ટામેટાંનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણવાર પિવડાવવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. રાત્રે સૂતા પહેલાં ટામેટાંનો રસ અથવા ટામેટાંના કટકા લેવાથી મજાની નીંદર આવે છે. પાકાં ટામેટાના રસમાં ફૂદીનો, આદુ, ધાણા(કોથમીર) અને સિંધવ મેળવી, ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચિ પેદા થાય છે
ટામેટાંના રસ સાથે ગાજર અને પાલક ની ભાજી મેળવી તેને એકરસ કરી પીવાથી આંતરડાની બીમારી મટે છે. મધુપ્રમેહમાં ટામેટાં અને કોબી નો રસ લેવાથી દર્દ મટે છે. ઉલટી કે ઉબકા આવતા હોય તો ટામેટાંનો રસ અને લીંબુનો રસ ભેગા કરી પીવાથી દર્દ મટી જાય છે. સગર્ભા સ્ત્રીઓ માટે તેમજ પ્રસૂતિ થયા બાદ શારીરિક અને માનસિક શક્તિ વધારવા માટે ટામેટાનો રસ ઉત્તમ છે. સ્ત્રી ના વિવિધ રોગો માટે પણ તેનો રસ રામબાણ છે. પોષકતત્વોથી ભરપૂર ટામેટા નો ઉપયોગ વિશ્વમાં પ્રથમ નંબરે છે. બીજો નંબર બટાકા નો આવે છે.
ટામેટાંનો રસ અને વિપાકમાં ખાટાં, રુચિકર, અગ્નિ પ્રદીપક, પાચક, સારક અને રક્તશોધક છે. અગ્નિમાંદ્ય, ઉદરશૂળ, મેદવૃદ્ધિ અને લોહીવિકાર માં તે હિતાવહ છે. ટામેટાના રસના સેવનથી ૨ક્તકણો વધે છે. અને શરીરની ફિકાશ દૂર થાય છે. ટામેટામાં વિટામિન ‘સી’ હોવાથી એ રક્તપિત્ત મટાડે છે. સારક હોવાથી એ કબજિયાતને દૂર કરે છે. ટામેટાંના રસથી બમણું કોપરેલ લઈ બંનેને એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી ખસ ખુજલી મટે છે. માલિશ પછી સહેજ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ.
ટામેટા ઉત્તમ વાયુનાશક છે. તે રોકાઇ ગયેલાં અને અટકી ગયેલા વાયુનું અનુલોમન કરે છે. ટામેટા હૃદયને તૃપ્ત કરનાર, લઘુ, ઉષ્ણ સ્નિગ્ધ છે. લોહી તથા ઉપયોગી પિત્ત તત્ત્વની ટામેટા વૃદ્ધિ કરે છે. વાત- કફ પ્રકૃતિ વાળા માટે ટામેટાં ખૂબ જ ફાયદાકારક છે.