ઊભી રીંગણી ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં થાય છે. એનો છોડ લગભગ બે ફૂટ જેટલો હોય છે. એનાં પાન ખૂણાવાળા હોય છે. ઊભી રીંગણીના ફળ ગોળ હોય છે. તેમાં પુષ્કળ બીજ હોય છે. દેવામાં એનું પંચાંગ વપરાય છે. ચોમાસામાં પાણી વાળી જગ્યામાં ઊભી રીંગણી ઊગી નીકળે છે. એનાં ફૂલ જાંબુડીયા રંગના હોય છે.
ઊભી રીંગણી કફઘ્ન, વાતનાશક છે. તેનાથી પેટનો દુખાવો, મરડો તથા પેશાબની તકલીફ મટે છે. કફ, ખાંસી, દમ, વાયુ, જવર વગેરેમાં સારા લાભ કરે છે. શ્વાસની તકલીફ વાળા દર્દીઓને મોટી ભોરીંગણી ઉપર જીરુ, આમળકંટીનું ચૂર્ણ સાથે આપવાથી શ્વાસ નિયમસર થાય છે. એના મૂળ આસોપાલવનાં પાનમાં વાટી તેનો ઉપયોગ ફોલ્લા વાળા ભાગ ઉપર કરવાથી તે ફોલ્લા ફૂટી વાળો નીકળે છે. એનો કાઢો પીપર સાથે લેવાથી ખાંસીમાં ઘણી રાહત થાય છે.
ઊભી રીંગણી, બેઠી રીંગણી, ભારંગ, ભોંયકોળુ, હળદર, વજ, ઉપલેટ, કાળી મૂસળી, હરડે, લીમડાની ગળો, અતિવિષની કળી, લવિંગ અને જાવંત્રી એ બધી ચીજો દરેક પાંચ પાંચ ગ્રામ લેવી પછી તેમાં અરડૂસીનાં પાન ૨૫૦ ગ્રામ જેટલા લેવા, ૨૫૦ ગ્રામ ઘી લઈ ત્રણ પાણીમાં એનું ધૃત તૈયાર કરી શકાય.આ રીતે બનાવેલું ધૃત જવર, કાસ, શ્વાસ, કમળો, જઠરાગ્નિ મંદ પડવું, પાંડુરોગ તથા અર્શ જેવા વ્યાધિમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ પ્રયોગ કરતી વેળા દૂધનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઊભી રીંગણી જઠરાગ્નિ દીપાવે છે. મોઢાની બેસ્વાદ તથા ઉબકા બંધ કરે છે. એ પિત્ત નો બગાડ તથા પાંસળીના વ્યાધિમાં પણ ઘણી રાહત કરે છે. કાનના ચસકા પણ એની ધુમાડાથી મટે છે. ઊભી રીંગણી ના પાન વાટી ચામડીનાં દરદમાં લેપ કરવાથી ઘણી રાહત રહે છે. આદુના રસ સાથે એનો રસ લેવાથી ઉલટી મટે છે. ઊભી રીંગણીના મૂળનું ચૂર્ણ પીપર સાથે મધ માં ભેળવી આપવાથી દમમાં ઘણી રાહત રહે છે.
ઊભી રીંગણી, દાંત મૂળ,ઘોડાવજ, સેકટા ની છાલ, તુલસીના પાન, સૂંઠ, મરી, પીપર અને સિંધાલૂણ એ દરેક વસ્તુ દસ દસ ગ્રામ લઈ ખાંડી તેમાં તલનું તેલ ૩૫૦ ગ્રામ લઈ તેને બે લિટર પાણીમાં નાખીને ઉકાળવું. પાણી બળી જાય પછી તેને ઉતારી લેવું. આ રીતે બનાવેલું તેલ નાક માંથી આવતી દુર્ગધ, પરુ વગેરે મટાડવા ખૂબ જ ઉપયોગી નીવડે છે.
ભોરીંગણી, કળથી, દેવદાર તથા પીપર દરેક પંદર ગ્રામ લેવી, સૂંઠ, ઉપલેટા ના મૂળ એ દરેક દસ દસ ગ્રામ તથા બેઠી રીંગણી ૨૦ ગ્રામ લઈ તેનો રીતસરનો ઉકાળો બનાવવો. આ રીતે બનાવાયેલા ઉકાળાના સેવનથી સૂકી ખાંસી, દમ, શ્લેષ્મ, જીર્ણ તથા છાતીના દર્દોમાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.