શીતળા એક ભયંકર રોગ છે. ખાસ કરીને બાળકોને જ થાય છે. શીતળા નો પ્રકોપ ફેલાય છે ત્યારે તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. સમગ્ર ચિકિત્સા વિજ્ઞાન અસહાય બની જાય છે. પાંચ દશકા પહેલાંના સમયમાં ગામડાંઓમાં તેને દૈવી પ્રકોપ માનવામાં આવતો અને રોગની સારવાર દેવ દેવીઓનાં પૂજન, પાઠ, ધૂપ, દીપ વગેરે ધાર્મિક ક્રિયાઓ થી કરવામાં આવતી.
અત્યારે આ રોગની રસીની શોધ થયેલ હોવાથી તે રસી બાળકોને આપવાથી તેમને શીતળાનો રોગ થતો નથી, ઓરી અછબડા. એ શીતળાનો જ પ્રકાર છે.આયુર્વેદમાં શીતળાના રોગ માટે લીમડા નો અકસીર ઔષધ ગણવામાં આવ્યું છે. રોગ ની જુદી જુદી સ્થિતિ પ્રમાણે લીમડાનાં પાન, બીજ, છાલનું સેવન કરવા સૂચવેલ છે.શીતળા નો પ્રકોપ ચાલતો હોય ત્યારે લીમડાનું સેવન ફાયદાકારક છે. તેમાં લીમડાના પાનનો રસ પીવો અથવા લીમડાની છાલ નો ઉકાળો પીવો.
લીમડાની લીંબોળીના તેલના પાંચ-સાત ટીપાં ખોરાકમાં ઉપયોગ કરવો,લીંબોળીના તેલની શરીર પર માલીશ કરવી તેનાથી શીતળા નીકળતા નથી અને જો નીકળે તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નથી. શીતળાનો રોગ ન થાય તે માટે આયુર્વેદમાં નીચે મુજબ લીમડાનું સેવન કરવા જણાવેલ છે.લીમડાનાં લાલ રંગનાં કુમળાં પાન નંગ – ૭, મરી નંગ – ૭ સાથે નરણા કોઠે સવારે મહિના સુધી લેવાથી ૧ વર્ષ સુધી શીતળાનો રોગ થતો નથી.લીમડાનાં લાલ રંગનાં કુમળાં પાન ૨૦ ગ્રામ જેટલાં ૧૫ દિવસ સુધી સતત સવારે ચાવીને ખાવાથી ૬ મહિના સુધી શીતળાનો રોગ થતો નથી.
શીતળાની ફોલ્લીઓ (દાણા) શરીર પર ઉપસી આવી હોય તો દર્દીની સેવા સાવધાનીથી અને ધીરજથી કરવી. શીતળાના રોગીના ઓરડામાં દરરોજ તાજાં લીમડાનાં લીલા પાનવાળી ડાળી લટકાવવી, દરદીની પાસે પણ રાખવી. ઓરડાના બારણા ઉપર આવી ડાળીઓનું તોરણ બાંધવું જોઈએ. શીતળાનો રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે દર્દીને શરીરે બળતરા – વેદના થતી હોય છે. આવા દર્દીને લીમડાનાં તાજા પાનની પથારીમાં સુવડાવવાથી લાભ થાય છે. દાહ, બળતરા શાંત થાય છે. લીમડાનાં પાન વિલાઈ જાય ચીમળાઈ જાય સુકાઈ જાય ત્યારે નવા પાન પાથરવા.
શીતળાની ફોલ્લીઓ, ચાઠાં, ઘા, ઉપર માખી ન બેસે તેનું ખાસ ધ્યાન રાખવું. શીતળાના રોગ ની સારવાર કરનાર નર્સોએ લીમડાના પાનની ચેમ્બર બનાવી તેમાંથી હવા પસાર કરી દર્દીને તે હવા મળે તેવી સગવડ કરવી જોઈએ. આ હવાથી માખીઓ આપો આપ ઉડી જશે. શીતળાના રોગીને અતિશય બળતરા થાય ત્યારે લીમડાનાં કુમળાં પાન અતિશય ઝીણાં લસોટીને પાણીમાં નાખી, ગાળી લઈ, તેમાં વલોણી ફેરવી જે ફીણ ઉત્પન્ન થાય તે ફીણને દરદીના શરીર ઉપર ચોપડવાથી બળતરા તરત જ ઓછી થઈ જાય છે. મટી જાય છે.
શીતળાના દરદીને વારંવાર તરસ લાગે ત્યારે તેને મટાડવા લીમડાની છાલ ને સળગાવી તેના અંગારાને પાણીમાં ડુબાડી બૂઝાવી દેવા અને તે પાણીને ગાળી દરદીને જરૂર મુજબ પીવડાવવાથી તેને તરસ શાંત થાય છે આ પ્રયોગથી તરસ શાંત ન થાય તો પ00 મી.લી. પાણીમાં ૧૦ થી ૧૫ ગ્રામ જેટલાં લીમડાનાં કુમળા પાન નાખી બરાબર ઉકળવા દેવાં. અડધું પાણી બાકી રહે તેને ગાળી લઈ દરદીને પીવડાવવાથી તેની તરસ જરૂરથી શાંત થઈ જશે. આ પ્રયોગ શીતળાના તાવને ઓછો કરે છે તેમજ શીતળા ની ઝેરી અસર વેગને પણ ઘટાડે છે. આ પાણી પીવાથી શીતળાના દાણા ઝડપથી સુકાઈ જાય છે.
શીતળાનો રોગ નરમ પડે અને શીતળા ના દાણા સુકાવા માંડે ત્યારે દર્દીને લીમડાનાં પાન નાખી ઉકાળેલા પાણી વડે સ્નાન કરાવવું જોઈએ, સ્નાન બાદ લીંબોળીના તેલની હળવા હાથે માલીશ કરવી. શીતળાનો રોગ મટી ગયા પછી ચામડી પર તેના દાણા ની જગાએ ખાડા પડી જાય છે (ચાઠાં પડી જાય છે.) અને ચામડીનો રંગ કાળો પડી જાય છે તેથી ચહેરો તથા ચામડીનો દેખાવ બગડી જાય છે. આ વખતે ચાઠાં વાળી જગા પર લીંબોળીનું તેલ ચોપડવું અથવા લીંબોળી ના બીજ ને પાણી સાથે લસોટી મલમ બનાવી ચોપડવાથી સારું પરિણામ મળે છે. ચાઠા ના ખાડા પુરાઈ જાય છે તેમજ ચામડીના રંગની કાળાશ ધીમે ધીમે ઘટવા માંડે છે અને કાળો રંગ દૂર થાય છે.
શીતળાના દર્દીઓને ઘણી વાર માથાના વાળ ખરી પડે છે, તેમણે લીંબોળીના તેલની લાંબા સમય સુધી માથા પર માલિશ કરવાથી વાળ ફરીથી ઊગવા માંડે છે અને માથામાં ઠંડક ઉત્પન્ન થાય છે, માથું ગરમ રહેતું નથી.લીમડાની લીંબોળીનાં બીજ, હળદર અને બહેડાં ૧૦, ૧૦ ગ્રામ લઈ ઠંડા પાણીમાં લસોટી જરૂરી બીજુ પાણી ઉમેરી ગાળી લઈ ૧૫ થી ૨૦ગ્રામ દિવસમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.