તાંદળજાની ભાજીનું શાક બનાવાય તે સૌ કોઈ જાણે છે. આ ભાજી બારેમાસ તથા પાણીના કિનારે થાય છે. તે સ્વાદે સારી કંઈક તૂરી, મધુરી તથા ખારાશવાળી હોય છે. તાંદળજો ગુણમાં રેચક, શોષક, સારક, શીતળ અને પિત્તશામક હોય છે. હવે અમે તમને જણાવીશું તાંદળજાથી સ્વાસ્થને થતાં અનેક ફાયદાઓ વિશે.
તાંદળજાનો ઉપયોગ દવા તરીકે તો થાય છે પણ દર્દીને ખોરાક રૂપે પણ આપવામાં આવે છે. એનાથી કોઢ, વાતરક્ત અને ચામડીના રોગોમાં એની ભાજીના ખોરાકથી ચળ મટી શકે છે. એનાથી શરીરની ગરમી ઓછી થાય છે. તાંદળજાના સેવનથી ઝાડો સાફ આવે છે. એનાથી વાયુ કે કફ થતો નથી. તાંદળજો પેશાબ વધારે છે.
તાંદળજો ઊનવા તથા બળતરા થતી હોય ત્યારે લેવાથી ઘણી રાહત થાય છે. પિત્ત વિકાર, લોહી વિકાર, તથા કફમાં પણ તે ઉપયોગી છે. તાંદળજો રક્તશુદ્ધિ કરે છે. તાંદળજાનો બે તોલા રસ સાકર સાથે પીવાથી ખસ મટે છે. એ પચવામાં ઘણી હલકી છે. ગર્ભને સ્થિર રાખવા માટે તેના મૂળને ચોખાના પાણીમાં નાખી ને પીવાય છે. ગર્ભિણી અને સુવાવડી ને થતાં રક્તસ્ત્રાવ વખતે પણ ચોખાના ઓસામણમાં તેનાં મૂળ ફાયદો કરે છે.
કમળાનાં દર્દમાં તરસ, દાહ, ઊલટીની પીડા વખતે તેને બાફીને પેટ પર મૂકતાં ઝાડો સાફ ઊતરે છે. ગુલાબના તેલ સાથે તેનો રસ ચોળવાથી આધાશીશીમાં રાહત થાય છે. તેનો લેપ ખૂજલી તથા જખમો પર વપરાય છે, મોઢું આવી ગયું હોય ત્યારે એના કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.
તાંદળજો ખરતા વાળને અટકાવે છે. તો ચાલો હવે આપણે જાણીએ તાંદળજાના પ્રયોગો. રસવંતી અને નાગકેસર એ બંનેને પીસી તેની વટાણા જેવડી ગોળીને તાંદળજાની જડના રસના પાંચ ટીપાં નાંખીને તૈયાર કરવી. આ ગોળી દુખાતા હરસ માટે ઘણી ઉપયોગી છે. આની એક થી બે ગોળી દિવસમાં બે ત્રણ વખત તાંદળજાના રસ સાથે લઈ શકાય.
તાંદળજાની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારી માટે પણ ગુણકારી છે. તેના રેસામાં ક્ષાર, દ્રવ્ય હોય છે, જે આંતરડા સાથે ચોંટેલા મળને સાફ કરી તેને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની સમસ્યા ઓછી થાય છે, પાચનતંત્ર સુધરે છે.
તાંદળજાનાં પાન, સાટોડીનાં પાન અને કાળા ભાંગરાનાં પાન એ તમામને વાટી તેનો લેપ કરવો. આનો લેપનો શેક કરવાથી આવી ગયેલું ગળું મટી જાય છે. એનાં પાન સાથે સોનાગેરુ વાટીને લગાડવાથી દાહમાં રાહત થાય છે. ગર્ભાશયની પીડા રક્તસ્ત્રાવ માટે કાંટાવાળી ચોલાઈ વધુ ઉત્તમ ગણાય છે.
કોઈ ઝેરી દવા ખવાય જાય અને ગરમી જણાય તો તાંદળજાનાં પાન બાફીને ખાવાથી એનું ઝેર દૂર કરી શરીરમાં ઠંડક થાય છે. ઘણી વખત શરીરમાં ગરમીને લીધે ત્વચા પર લાલ રંગની ફોલ્લીઓ થઈ હોય ત્યારે જો આ બાફેલી તાંદળજાની ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.
તાંદળજામાં ઓછી કેલરી હોવાથી એક વખત સેવન કરવાથી ફક્ત 13 ટકા જેટલી જ કેલરી જ મળે છે. જેથી તેને ડાયેટ કરનારાઓ પોતાના ખોરાકમાં પસંદ કરે છે. આ ઉપરાંત ડાયાબિટિસના દર્દીઓ માટે પણ તે ગુણકારી છે. બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં સમાયેલુ હોવાથી તે સ્નાયુઓને મજબૂત કરે છે.
પેટની ગરમી, ઍસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે. પગમાં ચીરા પડ્યા હોય, પગમાં બળતરા થતી હોય તેઓ જો તાંદળજાની ભાજી ખાય તો બે દિવસમાં રાહત મળે છે.
ઘણી વખત મહિલાઓને વધુ માસિક ની સમસ્યા થતી હોય છે. આ માટે જો તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે તેનું સેવન કરવામાં આવે તો ઘણો લાભ થાય છે. માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો એ માતાનું ધાવણ વધારે છે. તાંદળજાની ભાજીના સેવનથી દ્રષ્ટિ સુધરે છે. તેમાં વિટામિન એ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.
નાના બાળકોને કબજિયાતની તકલીફ થાય તો તેને બે-ત્રણ ચમચા તાંદળજાની ભાજીનો રસ પીવડાવવો. એનિમિકથી પીડાતી વ્યક્તિઓએ તાંદળજાની ભાજીનું સેવન નિયમિત કરવું. તાંદળજામાં સમાયેલ લાઇસિન નામનો એક દુર્લભ એસિડ હોય છે જે શરીર દ્વારા ઉત્પાદિત થઇ શકતો નથી. આ એમિનો એસિડ કેલ્શિયમની ક્ષમતામાં સુધારો કરે છે અને વાળની જડને મજબૂત કરે છે, તેમજ તેનો કુદરતી રંગ જાળવી રાખે છે.