કચૂરાનાં પાન હળદરનાં પાન જેવા હોય છે. એનો છોડ આશરે બે ફૂટ જેટલો ઊંચો થાય છે. એનાં છોડની નીચે આંબા હળદર જેવા કંદ થાય છે. એ કંદ કાપીને કાતરી કરી સૂકવવામાં આવે છે. પછી તેનો ઉપયોગ દવામાં કરાય છે. તે અંદરથી થોડી પીળાશ પડતા રંગની હોય છે. સ્વાદે કડવાશ પડતી હોય છે. કચૂરાની બે જાત હોય છે.
લોહીની શુધ્ધિ કરવા માટે કચૂરનો ઉપયોગ થાય છે એને કેટલીક દવાઓ સાથે મેળવવામાં આવે છે. તે શોધક ગુણ ધરાવે છે. ચામડીના રોગો મટાડવા માટે તે ઉત્તમ ગુણકર્તા છે. અર્શમાં પણ તે ઉપયોગી છે. એ દિલ, દિમાગને કૌવત આપનાર છે. એનાથી ઊલટી બંધ થાય છે. બાળકોનાં આંતરડાંનાં વ્યાધિમાં પણ એ ઘણી રાહત આપે છે. એ પુરુષત્વમાં વધારો કરે છે તથા મોઢામાં રાખવાથી દાંત મજબૂત રહે છે. એનાથી ખાંસી મટે છે.
શરદીમા સોજો ચઢ્યો હોય ત્યારે તાજા કચૂરાનો લેપ કરવામાં આવે છે. કચૂરાનાં તાજા પાનથી ચામડીનાં ડાઘા મટે છે. જીવજંતુ તથા કીડીઓના કરડ માટે તથા ઝેરી જંતુઓના ઝેર ઉતારવા માટે વપરાય છે. સુવાવડી સ્ત્રીને તેનો ક્વાથ પીવડાવવામાં આવે છે.
સૂંઠ, દેવદાર, ધમાસો, કરિયાતું, કચૂરો, કડુ, મોથ, ભોરીંગણીનો કવાથ કરી તેમાં મધ અને પીપર મેળવી આપવાથી સુવાવડીનો તાવ તથા જીર્ણજ્વર મટે છે. કચૂરો દીપન પાચન હોવાથી ગૃહિણી માટે ઉત્તમ છે. વાયુ, અને કફથી શરીર દુઃખે ત્યારે કચૂરો, તજ, પીપરનો કવાથ મધ સાથે આપવાથી પણ ઘણી રાહત રહે છે.
પ્રમેહમાં કચૂરો લેવાથી પેશાબ છૂટથી આવે છે. એનાથી તણખ મટે છે. પેટનાં દર્દો માટે પણ એ ઉત્તમ છે. કચૂરો, એલચી, તમાલપત્ર, તજ, સુંઠ, પીપર, મરી, ટંકણખાર, વચ્છનાગ વગેરે બારીક વાટી ભાંગરાના રસમાં ત્રણ સપ્તાહ સુધી મિક્સ કરીને પછી તેની નાની નાની ગોળી બનાવવી.
આ ગોળીનો ઉપયોગ એસિડિટી, ઊલટી, શૂળ, હેડકી, ક્ષય તથા પિત્તરોગમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. 20-25 મિલીલીટર કચૂરાના મુળના ઉકાળામાં 500 મિલિગ્રામ કાળા મરી, 1 ગ્રામ આલ્કોહોલ પાવડર અને 5 ગ્રામ ખાંડ મિક્સ કરી તેનુ સેવન કરવાથી શ્વસન માર્ગની અવ્યવસ્થા ઓછી થાય છે.
કચૂરો, સૂંઠ, પિત્ત પાપડો, ભોરીંગણીનું મૂળ, મોથ, કડુ, કરિયાતું, ધસારો, ગાયો દેવદાર વગેરેને લઈ તેને ખાંડી લેવું. એ બધાને પાણીમાં નાખી ઉકાળવું અને તેનો કવાથ બનાવવો. આ રીતે બનાવાયેલો કવાથ પીવાથી અનેક જાતના રોગમા રાહત થાય છે. એનાથી કબજિયાત રહેતો નથી. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. બળ વધારવા પણ તે ઉપયોગી નીવડે છે.
કચુરો ૩૦ ગ્રામ, ત્રિકુટ, ત્રિફળા, તજ, એલચી, નસોતર વાવડીંગ, મંડૂર, નાગરમોથ, નાગકેસર એ દરેક ચીજો ૨૦ ૨૦ ગ્રામ લઈ એનું બારીક ચૂર્ણ બનાવવું. ઘી ૩૦ ગ્રામ, દૂધ ૬૫ ગ્રામ લઈ તેમાં ઉપર બનાવેલું ચૂર્ણ નાખી માવો બનાવવો. તેમાં ૨૦૦ ગ્રામ સાકર તથા ૧૦૦ ગ્રામ મધની ચાસણી બનાવી શકાય. એને એટલા જ વજનમાં ઘી તથા બમણા વજનમાં દૂધ લઈ વાસણમાં ચૂર્ણ તથા માવો નાખી પાક બનાવવો.
આ રીતે બનાવાયેલો પાક તાવ, બરોલ, ઉધરસ તથા દમ ઉપર તથા શોધક તરીકે તમામ ચામડીનાં દોષ પર ઉપયોગી નીવડે છે. 500 મિલિગ્રામ કચૂરાના પાવડરના સેવનથી ભૂખ વધે છે અને પેટનો દુખાવો ઓછો થાય છે. કચુરાના પાનનો 2-5 મિલી જેટલો રસ લેવાથી જલોદરમાં ફાયદો થાય છે .