તલ ચોમાસુ પાક છે. તે એકલા વવાય છે, તેમજ કપાસ, બાજરી, તુવેર, મગફળી વગેરેમાંથી ગમે તેની સાથે મિશ્ર પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર સૂકા અને ગરમ પ્રદેશોમાં થાય છે. પોચી-ભરભરી ગોરાડું જમીન તેને માફક આવે છે. તલના વાવેતર અને ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રસ્થાન છે.
તલના છોડ આશરે બે બે હાથ ઊંચા થાય છે. તેનો છોડ લીલો અને લીસો હોય છે. તેના પાન ચીકણાં અને ફૂલ રતાશ પડતાં સફેદ હોય છે. કાળા, ધોળા અને રાતા એમ ત્રણ પ્રકારના તલ થાય છે, તલ પૌષ્ટિક છે.
આયુર્વેદ આહાર કે ઔષધોમાં કાળા તલને જ અગ્રસ્થાન આપે છે. ધોળા તલને મધ્યમ અને રાતા તલ ને હિન ગુણવાળા ગણ્યા છે. ધોળા તલ ને સાકરની ચાસણી સાથે મેળવી તેની રેવડી બનાવે છે. તલને અધકચરા ખાંડી તેનું કચરિયું બનાવાય છે,તે ખૂબ પૌષ્ટિક ગણાય છે. શેકેલા તલ મુખવાસ તરીકે પણ વપરાય છે. વળી રસોઈના સ્વાદ અને આકર્ષક દેખાવ માટે પણ કેટલીક વાનગીઓમાં તલનો ઉપયોગ કરાય છે.
સવારના પહોરમાં મુઠ્ઠી-બે મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી શરીરને બળ અને પોષણ મળે છે અને દાંત એવા મજબૂત બને છે કે છેવટ સુધી હલતા નથી, દુખતા નથી કે પડતા નથી તેમ જ દૂઝતા હરસનો નાશ પામે છે. તલમાં ચૂનાનું પ્રમાણ ખૂબ છે. એ નાના બાળકોને માટે સારા ગણાય છે. દરરોજ તલની ચીકી કે તલસાંકળી બાળકોને આપવાથી બાળકો હસ્તપુષ્ટ થાય છે.
તલ રસમાં તીખા, કડવા, મધુર અને તૂરા આ છે. છ રસ પૈકી ચાર રસ તલ તેલમાં છે તલ વિપાકમાં તીખાં, સ્વાદિષ્ટ, ચીકણા, ગરમ, કફ-પિત્ત ને કરનારા, બળ આપનાર, વાળ માટે હિતકારી, સ્પર્શમાં ઠંડા, ત્વચા માટે હિતકર, ધાવણને વધારનારા, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, બુદ્ધિપ્રદ, દાંત માટે હિતકર, મળને બાંધનારા, અલ્પ મૂત્ર કરનારા અને વાયુનો નાશ કરનારા છે.
તલ અને તલ ના તેલ ના ફાયદા
તલમાં જૂનો ગોળ મેળવીને તલપાપડી મળને વધારનાર, વીર્યની વૃદ્ધિ કરનાર, વાયુને હરનાર, કફ તથા પિત્તને કરનાર, પુષ્ટિ આપનાર, ભારે અને મૂત્રના અધિકપણાને મટાડનાર છે. રાત્રે પથારીમાં પેશાબ કરવાની ટેવવાળા બાળકોને કાળા તલ અને મૂળા ખવડાવાય છે.
બાળકો પથારીમાં રાત્રે પેશાબ કરતા હોય તો તેમને રોજ મુઠી ભરીને કાળાં તલ ખવડાવવા પેશાબ અટકી અટકીને થવું વધુ થવો અને બળતરા સાથે થવો ઈત્યાદિમાં પણ તલ ખાવાથી ફાયદો કરે છે. શિયાળામાં ફાટેલા હાથ, પગ, ગાલ અને હોઠ પર તલ નું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.
દાઝેલા ભાગ પર તલ ને વાટીને ધોયેલા ઘી અને કપૂર સાથે લેપ કરવાથી કે તલનું તેલ ચોપડવાથી આશ્ચર્યજનક ફાયદો થાય છે. શરીરના કોઈપણ ભાગમાં થતા ભયંકર દાહબળતરામાં દૂધમાં તલ વાટી ને આછો લેપ કરવાથી ત્વરિત શાંતિ થાય છે.
તલનું તેલ શરીરના બારીક સ્ત્રોતોમાં પ્રસરી જાય છે. તે બીજા દ્રવ્યો કરતાં જલદી પચી જાય છે અને શરીરને નિરોગી રાખે છે. તલનું તેલ પચ્યા વિના આખા શરીરમાં વ્યાપી જાય છે તેથી જ આયુર્વેદમાં મુખ્યત્વે તલના તેલનો જ ઉપયોગ કરાય છે. તેલ પાતળા ઝાડાને બાંધે છે અને ખસેલા ઝાડાને બહાર કાઢે છે જેથી તેલમાં જાડા ને રોકવાનો તથા ઝાડો લગાડવાનો એવા પરસ્પર વિરોધી ગુણો છે. તેલ ખાધા કરતા માલિશ કરવાથી આઠગણુ ગુણ કરે છે.
તલનું તેલ મળે ત્યાં સુધી સિંગ તેલ વાપરવું. સીંગતેલ તલના તેલના મળતા ગુણો ધરાવે છે પરંતુ તે તલના તેલ કરતા ગુણમાં ઉતરતું છે. મગફળીનું તેલ ખાંસી કરનારું ગણાય છે. ચરક તલના તેલને બળવર્ધક. ચામડી માટે હિતકર, ગરમ, સ્થિરતા આપનારું અને યોનિનું શોધન કરનારું ગણે છે.
કાળા વાટેલા તલ એક ભાગ, સાકર બે ભાગ અને બકરીનું દૂધ ચાર ભાગ એકત્ર કરી પીવાથી રક્તાતિસાર મટે છે. થોડા તલ અને સાકર વાટી મધમાં ચટાડવાથી બાળકોના લોહીના ઝાડા મટે છે. તલ નાગકેસર અને સાકરનું ચૂર્ણ ખાવાથી હરસમાં ફાયદો થાય છે.
એક તોલો કાળા તલનો કલ્ક કરી. દસ-પંદર તોલા બકરીના દૂધમાં મેળવી તેમાં અડધો તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસ-મસામાં પડતું લોહી તરત જ બંધ થાય છે. તલ વાટી માખણમાં મેળવી ને ખાવાથી દૂઝતા હરસ મટે છે.
કાળા તલ ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત થાય છે, શરીર પુષ્ટ થાય છે અને દુઝતા હરસ નાશ પામે છે. તલ અને વાવડીંગ દૂધમાં વાટીને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે. તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં પીસી,લેપ કરવાથી ખીલમાં ફાયદો થાય છે.
તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી હલતા દાંત મજબૂત બને છે અને પાયોરિયા મટે છે. દાંત દુખતા હોય તો હિંગ અથવા કાળીજીરી ના કલ્ક માં તેલ કકડાવી તેનો કોગળો ભરાય છે અથવા પોતું મુકાય છે.
હિંગ, ચીકણી કે સંચળ નાખીને ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટમાં દુખતું હોય કે આફરો ચડ્યો હોય તો મટે છે. મરી કે અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ જતું હોય તો ખુલે છે.
મીણ અને સિંધવ મેળવીને ગરમ કરેલું તેલ ઘસવાથી વાઢીયા મટે છે. રાય, અજમો, સુંઠ, લસણ કે હિંગ નાખીને ગરમ કરેલું તેલ ચોપડવાથી અને શેક કરવાથી દુખતા સાંધા મટે છે.
તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી એક મહિનામાં ફીકી ચામડી ચમકતી થાય છે, ચામડી ની સુંદરતા વધે છે, મેદ ઓછું થાય છે અને ચળ વગેરે મટે છે. હિંગ અને સૂંઠ નાખેલા સહેજ ગરમ તેલની માલિશ કરવાથી કેડનો દુખાવો, સાંધાનો દુખાવો, અંગનું જકડાઈ જવું, લકવો વગેરે વાયુના રોગો મટે છે.
તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલના કાનમાં ટીપાં પાડવાથી કાનનો દુખાવો અને કાનના સણકા મટે છે. તલનું તેલ ચૂનાના નીતર્યા પાણીમાં મેળવીને ચોપડવાથી અગ્નિદગ્ધ ઘા મટે છે. દાઝેલા ભાગ પર માત્ર કકડાવેલું તલનું તેલ ચોપડવાથી ચમત્કારી ફાયદો થાય છે.
તલનું તેલ અને પાણી ગરમ કરી સહેજ ગરમ પાણીપીવાથી ધતુરાનુ ઝેર ઉતરે છે. તલનું તેલ, ખાંડેલા તલ, ગોળ અને આકડાનું દૂધ સરખે ભાગે લઈ એકત્ર કરી ખાવાથી હડકવાના ઝેરમાં ફાયદો થાય છે. તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.
તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે. યંગ દેખાવું હોય તો એનો ઇલાજ છે તલનું તેલ, રેગ્યુલર ડાયટમાં તલના તેલનો ઉમેરો કરવાથી વાતાવરણમાં રહેલાં હાનિકારક કિરણોથી ત્વચાને બચાવી શકાય છે. વિટામિન ઈથી ભરપૂર તલનું તેલ ત્વચાને યંગ રાખવામાં મદદરૂપ થાય છે.