આયુર્વેદમાં ‘શીમળા’ને શાલ્મ્લી, મોચા, તુલિની, પિચ્છિલા, સ્થિરાયુઃ વગેરે સંસ્કૃત નામોથી ઓળખવામાં આવે છે. આ બધા જ નામો ખૂબ જ યથાર્થ છે. જેમ કે, શીમળાનું વૃક્ષ આશરે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જેટલું સ્થિર અને દીર્ઘ આયુષ્ય ભોગવે છે. એટલે ખરા અર્થમાં એ ‘સ્થિરાયુઃ’ છે. આ શીમળો કેટલાક વિશિષ્ટ ઔષધિય ગુણો અને ઉપયોગો ધરાવે છે.
શીમળાના મૂળ, છાલ, કંટક, પાન, ફૂલ, ગુંદર વગેરે તમામ અંગો ઔષધ તરીકે ઉપયોગી છે. દરેક ગામ-શહેરમાં શીમળાના વૃક્ષો ઉછેરવા જોઈએ.આયુર્વેદ પ્રમાણે શીમળો સ્વાદમાં મધુર અને તૂરો, ઠંડો, પચવામાં હળવો, ચીકાશયુક્ત, પુષ્ટિકર, બળપ્રદ, વીર્યવૃદ્ધિકર, રસાયન તથા રક્તસંગ્રાહી છે.
તે પિત્ત, રક્તદોષ અને રક્તસ્ત્રાવને મટાડનાર છે. તેનો ગુંદર (મોચરસ) ખૂબ જ તૂરો, શીતળ, પુષ્ટિકર, ધાતુવર્ધક, કફકર અને વાયુનાશક છે. મોચરસ મરડો, ઝાડા, રક્તસ્ત્રાવ અને શરીરની ગરમીનો નાશ કરનાર છે.
શુક્રવૃધ્ધિ માટે ઉપયોગી :
શીમળાના એકથી બે વર્ષના વૃક્ષના મૂળ-કંદને ‘સેમલ મુશળી’ કહે છે. આ કંદ કાળી મુશળીની જેમ ખૂબ જ પૌષ્ટિક અને વીર્યવર્ધક હોય છે. એટલે તેને આ નામ આપવામાં આવ્યું છે. રોજ સવાર-સાંજ આશરે દસ-દસ ગ્રામ જેટલા આ કંદને વાટીને દૂધ સાથે તેનું સેવન કરવાથી શુક્રવૃદ્ધિ થાય છે અથવા આ કંદોને સૂક્વીને તેનું ચૂર્ણ બનાવી અડધી-અડધી ચમચી સવાર-સાંજ દૂધ સાથે પણ લઈ શકાય.
આયુર્વેદના મુશળી, સાલમ વગેરે ઔષધો ખૂબ જ મોંઘા હોય છે. તેના બદલે પ્રમાણમાં ઘણા સસ્તા અને એટલા જ પૌષ્ટિક આ કંદોનો ઉપયોગ કરી શકાય. કંદ ન મળે તો શીમળાની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે. છાલ પણ ઘણી પૌષ્ટિક છે.
ખીલ માટે ની ઉત્તમ દવા:
શીમળાનું વૃક્ષ નાનું હોય તો તેના પર કાંટા વિશેષ પ્રમાણમાં હોય છે, પરંતુ વૃક્ષની વય વધતા આ કાંટાઓ ધીમે-ધીમે ઓછા થઈ જાય છે. શીમળાના આ કંટકો ખીલનું ઉત્તમ ઔષધ છે. જે બઝારમાં મળી રહે છે. કંટકો લાવી તેને ખાંડીને બારીક ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણમાં એટલી જ મસૂરની દાળનું ચૂર્ણ ઉમેરવું. આ મિશ્રણમાં થોડું દૂધ મેળવીને તેનો લેપ ચહેરા પર કરવાથી ખીલ ધીમે-ધીમે ઓછા થઈ જાય છે. આ લેપ પંદર મિનિટ સુધી રહેવા દઈ પછી ચહેરો ધોઈ લેવો.
રક્તસ્ત્રાવ માટે ઉપયોગી :
શીમળો રક્તાતિસાર (લોહીના ઝાડા કે મરડો), લોહીવા, શરીરનાં આંતરિક માર્ગોમાં થતાં રક્તસ્ત્રાવ વગેરેને મટાડનાર છે. રક્તસ્ત્રાવને અટકાવવાનો ગુણ એના સર્વ અંગોમાં છે. તેના પાનને વાટીને ગરમ પાણીમાં મૂકી આખી રાત રાખીને, સવારે એ પાણી સાકર નાંખીને પીવાથી લોહીના ઝાડા-મરડો મટે છે અથવા તેનો ગુંદર(મોચરસ) અડધી-અડધી ચમચી જેટલો દિવસમાં ચાર વખત સાકર મેળવીને પીવાથી પણ રક્તાતિસાર મટે છે.
શીમળાના ફૂલનું શાક બનાવીને ખાવાથી લોહીવા મટે છે. શાક બનાવવું સુગમ્ય ન હોય તો ફૂલોનો રસ કાઢી, થોડી સાકર મેળવીને પી શકાય છે. સૂકા ફૂલનું ચૂર્ણ પણ ઉપયોગમાં લઈ શકાય. ગમે તેટલું કષ્ટ સાધ્ય પ્રદર-લોહીવા હોય તો પણ તે ફૂલોના આ ઉપચારથી મટે છે.
શીમળાના બીજોમાં એક સ્થિર તેલ હોય છે. મોચરસમાં ૮-૯% ખનીજ પદાર્થો તથા કેટેકોલ ટેનિન, ટેનિક એસિડ તથા ગેલિક એસિડ હોય છે. શીમળાના વૃક્ષો સમગ્ર ભારતમાં થાય છે. તેના વૃક્ષો ખૂબ જ મોટા, ઘટાદાર અને આશરે સો-દોઢ સો ફૂટ ઊંચા થાય છે. વૃક્ષના સર્વાંગે શંકુ આકારના મજબૂત કાંટા હોય છે. વસંત ઋતુમાં લાલ રંગના મોટા પુષ્પો અને ચૈત્ર માસમાં તેને ફળો આવે છે. શીમળાના વૃક્ષમાંથી વિશેષ પ્રકારનો ગુંદર નીકળે છે. જેને મોચરસ કહે છે.