રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ . . .

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખોરાક, ઊંઘ અને ચાલવું એ જીવનના અગત્યના પાસા છે. સારું સ્વાસ્થ્ય યોગ્ય આહાર અને કસરત પર આધારિત છે.વર્તમાન યુગમાં માનવીનું જીવન બેઠાડું થઇ ગયું છે અને બેઠાડું જીવન લાંબાગાળે અનેક રોગને નોતરે છે. શરીર સ્થુળ થાય છે, વજન વધે છે, સ્નાયુઓ, માંસપેશીઓ અક્કડ બની જાય છે. ભર યુવાનીમાં યુવાનો ચુસ્ત થવાને બદલે સુસ્ત થઇ જાય છે. પરિસ્થિતિ ટાળવાનો એક અક્સીર ઇલાજ છે. અને છે નિયમિત વોકિંગ.

ચાલવા માટેની જગ્યા ચોખ્ખી અને શુદ્ધ હવાવાળી હોવી જોઈએ. ચાલવું એ હળવી કસરત છે. ચાલવા માટેનો સૌથી સારો સમય સવારનો છે. સવારના સમયે હવા ચોખ્ખી હોય છે. તન-મન રાતના આરામ પછી તાજા થયેલા હોય છે. ઉપરાંત, સવારના સમયે હવામાં પોલ્યુશન ઓછું હોય છે. સવારે સમય ન મળે તો સાંજના ચાલવાની પણ મજા છે. ચાલવાથી અનેક રોગ દૂર થાય છે.

ચાલવાના સમયે ધ્યાન માં રાખવા જેવી બાબતો :

સ્વાસ્થ્ય સુધારવા માટે ચાલવાનું શરૂ કરો ત્યારે ઘ્યાન રાખો કે તેમાંથી શરીરના બીજા અવયવને નુકસાન ના થાય.એવા બૂટ-મોજા પહેરીને ચાલવા જાવ જે આરામદાયક હોય. બને તો કોટન મોજા પહેરો. તેનાથી પરસેવો ચૂસાઈ જશે.

ચાલવા જતાં થોડા ઢીલા કપડાં પહેરવા. ગરમીમાં સુતરાઉ કપડાં પહેરો. સાંજે ચાલવા જાવ તો અંધારામાં જલદી નજરે ચડે તેવાં રંગ પહેરવાના પસંદ કરો.પહેલાં ૫ મિનિટ થોડું ધીમું ચાલો. મસલ્સને થોડા વોર્મઅપ થવા દો. તેનાથી મસ્ક્યુલર ઇન્જરી થતાં અટકશે.

તે જ પ્રમાણે હાર્ટ અને મસલ્સને ઓછો શ્રમ પડે તે માટે ચાલવાના અંત સમયે પણ ચાલ ધીમી પાડી દો.જો ચાલતાં ચાલતાં હાંફી જાવ તો ઝડપ થોડી ઓછી કરો.

ચાલવાના ફાયદા:

લાંબું જીવન:

રોજ એકથી દોઢ કિલોમીટર જેટલું ચાલનારી વ્યક્તિનું અન્ય ન ચાલતી વ્યક્તિઓ કરતાં મૃત્યુનું રિસ્ક લગભગ અડધું હોય છે એવું જપાનના વૈજ્ઞાનિકોએ તારવ્યું છે. પાછલી ઉંમરમાં નિયમિત ચાલવાનું રાખતી પ્રૌઢ વ્યક્તિઓને લાંબું અને સ્વસ્થ જીવન મળે છે.

મૂડ સુધારે, સ્ટ્રેસ ઘટાડે:

આજકાલ મોટા ભાગના રોગોનું મૂળ સ્ટ્રેસ છે. ચાલવાથી શરીરમાં નૅચરલી જ એન્ડોર્ફિન કેમિકલ પેદા થાય છે. આને કારણે મૂડ સુધરે છે. નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે. સ્ટ્રેસ ઘટવાને કારણે જીવનમાં રુચિ વધે છે.

વજન ઉતારવામાં મદદ કરે:

જો તમે ઑલરેડી જાડા થઈ ગયા છો તો નિયમિત ચાલવાની આદત તમને વધારાની ચરબી ઉતારવામાં મદદ કરી શકે છે. ડાયટ કન્ટ્રોલની સાથે નિયમિત વૉકિંગ એક્સરસાઇઝ કરવામાં આવે તો વધારાની ચરબી ઓગળે છે, સ્નાયુઓ સ્ટ્રૉન્ગ થાય છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન:

સામાન્ય રીતે ૩૫થી ૪૫ વર્ષની વચ્ચે શારીરિક સ્ટ્રેસ કે મેન્ટલ સ્ટ્રેસને કારણે શરૂ થતી ઇન્દ્રિય ઉત્થાનની તકલીફમાં ચાલવાથી ખૂબ ફાયદો થાય છે. રોજ બે કિલોમીટર ચાલવાથી પુરુષોમાં ઇન્દ્રિય ઉત્થાનની સમસ્યા નિવારી શકાય છે.

પાચનતંત્રની તકલીફોથી છુટકારો:

પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે. ભૂખ લાગે એ માટે રોજ સવારે કે સાંજે ૪૫ મિનિટ ચાલવું જોઈએ. પાચન યોગ્ય ન થતું હોય તો જમ્યા પછી ઓછામાં ઓછું ૧૦૦ ડગલાં જેટલું ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની પ્રાથમિક તકલીફો જેવી કે અપચન, વાયુ, ઍસિડિટી, કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે.

વજન વધતું અટકાવે:

રોજિંદી ક્રિયાઓ ઉપરાંત રોજ ૨૦૦૦ પગલાં ચાલવામાં આવે તો એ તમને મેદસ્વી થતાં અટકાવે છે એવું યુનિવર્સિટી ઑફ કોલોરાડોના સેન્ટર ફૉર હ્યુમન ન્યુટ્રિશનના રિસર્ચરોએ તારવ્યું છે. ડાયટ કન્ટ્રોલ ન પણ હોય ત્યારે વધારાની કૅલરીને બાળવા માટે એટલાં ડગલાં વધુ ચાલવું જોઈએ. આ માટે વૈજ્ઞાનિકોએ ૨૦૦ કૅલરી બાળવા માટે ૧૦૦૦ ડગલાં ચાલવું જોઈએ એવું કહ્યું છે.

કૅન્સરનું રિસ્ક ઘટે:

જ્યારથી કૅન્સરનો રોગ શોધાયો છે ત્યારથી ચાલ્યા આવતાં સંશોધનોમાં વૉકિંગ અથવા તો એક્સરસાઇઝને કૅન્સરને નાથવા માટે અગત્યનું પરિબળ ગણવામાં આવ્યું છે. બ્રેસ્ટ કૅન્સર, કોલોન કૅન્સર, પ્ર્રોસ્ટેટ કૅન્સર, ફેફસાંનું કૅન્સર તેમ જ હાડકાંના કૅન્સરનું રિસ્ક નિયમિત ચાલવાથી ઘટે છે. જેમને કૅન્સર થઈ ચૂક્યું છે તેમના માટે ટ્રીટમેન્ટરૂપે પણ ચાલવાનું ફાયદાકારક ગણાય છે.

હાર્ટડિસીઝ અને સ્ટ્રોક રિસ્ક ઘટે:

ચાલવાથી લોહીના ભ્રમણ પર સીધી અસર પડે છે. શરીરમાં રક્તભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધરે છે. હૃદયમાં રક્તસંચાર નિયમિત થવાથી હૃદયની ધબકવાની ગતિ રિધમમાં આવે છે. રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. આને કારણે હાર્ટડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે. જેમને હાર્ટ ડિસીઝ ઑલરેડી છે તેમને પણ હૃદયની કાર્યક્ષમતા સુધારવામાં મદદ થાય છે.

ડાયાબિટીસ ઘટે:

મધુપ્રમેહ અને મેદસ્વિતાને સીધું લેણું છે. વજન વધવાથી શરીરમાં ચરબી વધે છે. ચરબીને કારણે શરીરની ચયાપચયની ક્રિયામાં અડચણો ઊભી થાય છે.મેદસ્વી લોકોને ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધારે રહે છે. ચાલવાથી વજન ઘટે છે અને વધારે વજન ન હોય તો કન્ટ્રોલમાં રહે છે.જેમને ડાયાબિટીઝ થયેલો છે તેમને રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવાથી લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે છે.

બ્રેઇન-પાવર વધે:

રોજ સોળ મિનિટમાં એક માઇલની ઝડપે લગભગ ૪૫ મિનિટ જેટલું ચાલવામાં આવે તો એનાથી વિચારવાની ક્ષમતા સુધરે છે. વૈજ્ઞાનિકોએ ૬૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં ચાલવાથી મગજની ક્ષમતાઓમાં પૉઝિટિવ ફેર પડે છે એવું નોંધ્યું છે. યુવાનીથી માંડીને પ્રૌઢાવસ્થા સુધી નિયમિત ચાલવાથી બુદ્ધિશક્તિ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે. ઉંમર વધવાને કારણે મગજ ધીમું પડવા લાગે છે એને ચાલવાથી નિવારી શકાય છે.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top