હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ જેમ જેમ કહેવાતો વિકાસ વધતો જાય છે તેમ તેમ ‘અસ્વસ્થ જીવન શૈલી’ અને ‘માનસિક તાણને’ કારણે ઉદભવતા રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. વિકાસ વધવાની સાથોસાથ માણસની જીવનશૈલી બગડતી જાય છે. અસ્વસ્થ (બિન આરોગ્યપ્રદ) થતી જાય છે. પહેલાના જમાનામાં માણસ ને એક યા બીજા કારણે ચાલવાની તથા રોજિંદા કામથી એટલી કસરત મળી જતી હતી કે એની તંદુરસ્તી જળવાઇ રહેતી હતી.

કામ અને સમાજના સંબંધોમાં માનસિક તાણનું પ્રમાણ પણ ઓછું રહેતું હતું, માણસ કુદરતના સાનિધ્યમાં કુદરત સાથે તાલ મેળવીને જીવન જીવતો હતો. જેમાં ઉદ્યોગીકરણ થતું ગયું તેમ તેમ માણસે કુદરતનું સાનિધ્ય ગુમાવવા માંડ્યો મશીનો અને ઉપકરણોથી ઘેરાઈને શ્રમ કરવાનું બંધ કરી દીધું, કુદરતી ખોરાકનો ત્યાગ કરી બિન કુદરતી આહાર વધુને વધુ લેવા માંડ્યા, પૈસા વધતા ખોરાકમાં વધુ મોંઘા એવા તૈલી આહારનું પ્રમાણ પણ વધવા માંડ્યું, ખોરાક અસંતુલિત થઈ ગયો.

શહેરી જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યા, માનસિક શાંતિ ઘટવા લાગી, માનસિક શાંતિ મેળવવા વધુને વધુ ભોગ તથા વ્યસનો તરફ માણસ ખેંચાતો ગયો. ધંધાની હરીફાઇમાં ટકી રહેવા માટે અને ખોટા રસ્તાઓ અપનાવતો થઇ ગયો ઝઘડા, ઈર્ષ્યા સ્વાર્થ, અને તિરસ્કાર વધતા ગયા આ બધાનું પરિણામ એ આવ્યું કે માણસમાં જાતજાતના રોગો પણ વધતાં ગયા માણસની જીવનશૈલી બિન આરોગ્યપ્રદ થવાથી હૃદયરોગ, ડાયાબિટીસ,હાઈબ્લડપ્રેશર અને મનોશારીરિક બીમારીઓનું પ્રમાણ વધવા લાગ્યું.

મુંબઈમાં રહેતા એક મધ્યમ વર્ગના માણસની જીવનશૈલી જુઓ તો આ વાત વધુ સારી રીતે સમજાશે, સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન પકડવા અને મોડામાં મોડું સાત વાગ્યે ઉઠવું પડે પણ આગલા દિવસે ઉજાગરો થયો હોવાથી સાતને બદલે સાડા સાત વાગ્યે ઉઠયો, ઉઠતાની સાથે તૈયાર થવાની ધમાધમ શરૂ થઈ ગઈ, ઉતાવળે ઉતાવળે શૌચક્રિયા પતાવી, શરીર પર પાણી રેડી,મોમાં જેમ તેમ બે ચાર પુરી અને થોડોક ચેવડો ઠાંસીને ભાગમભાગ માણસ સ્ટેશને પહોંચ્યો, દુર્ભાગ્યે આટલી ઉતાવળ કરવા છતાં આઠની ટ્રેન ના પકડી શકાય, અને 15 20 મિનિટ ગુસ્સા અને હતાશામાં વીતાવ્યા. પછી બીજી ટ્રેન આવી જે રોજની જેમ જ ઠાંસોઠાંસ ભરાયેલી હતી. આ ટ્રેનમાં માંડ માંડ લટકીને જવા માટે પગ ટેકવવા ની જગ્યા મળી આ રીતે હેરાન થતાં થતાં માણસ ઓફિસે પહોંચ્યો ત્યારે એના બોસ ધૂંવાપુંવા થતા બેઠા હતા. જેણે આ માણસને સખત શબ્દોમાં ખખડાવી નાખ્યો અને વારંવાર મોડું થશે તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી.

હજી તો આ દિવસની શરૂઆત હતી. ગુસ્સા અને હતાશાના કારણે માણસનું ધ્યાન પૂરું કામ પર ન લાગ્યું અને દિવસમાં બીજી એક બે વાર ઠપકો સાંભળવાનો વારો આવ્યો, પરિણામે ટેન્શનમાં ને ટેન્શનમાં આજે થોડી વધુ સિગરેટ પીવાઈ ગઈ. બપોરે જમતી વખતે ટીફિન ના ઠંડા પરાઠા અને શાક ખાધુ સાંજે ફરી પાછી ટ્રેનની ભાગદોડ વગેરેનો ભોગ બની રાત્રે થાક્યોપાક્યો માણસ ઘેર પહોંચ્યો ત્યાં એની પત્ની જુદા-જુદા ખરીદીના અને સામાજિક કામો સાથે તૈયાર બેઠી હતી જે કામ ઘણા દિવસથી રહી જતા હતા આ જોઈને માણસ મન પરનો કાબૂ ગુમાવી બેઠો અને પત્ની સાથે મોટો ઝઘડો થયો.

તેનો છોકરો તો માણસ સવારે ઘરેથી નીકળ્યો ત્યારે ઊંઘતો હતો અને રાત્રે પાછો ઘરે આવ્યો ત્યારે પણ ઊંઘતો જ હતો રાત્રે થેપલા, શાક, દાળ, ભાત ખાઇને મૂડ વગર માણસ પથારીમાં પડ્યો અને કાલની ચિંતામાં વિચારોમાં પાસા ઘસતો ઘસતો બારેક વાગે સૂઈ ગયો.

શહેરના ઘણા બધા લોકોનું આવુ હોય છે. રોજે-રોજ અને કલાકે કલાકે માનસિકતા, અનિયમિતતા, ઉજાગરા, અસંતુલિત આહાર, વ્યસન, બેઠાડુ બિનકસરતી જીવન, અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. આ જીવનશૈલી એમના આરોગ્ય માટે ખતરારૂપ છે એવું જાણતાં કે માનતા જ નથી. માણસના ખોરાકનો વિચાર કરીએ તો પહેલાના યુગમાં માણસ માત્ર કુદરતી ફળ-શાકભાજી વગેરેનો વપરાશ ખાવામાં કરતો હતો.

ધીમે ધીમે અનાજ કઠોળની ખેતી થતી ગઈ અને રાંધેલો ખોરાક લેવાનું શરૂ થયું પરંતુ રાંધેલા ખોરાકની સાથે દિવસભર અન્ય કુદરતી ખોરાકો વગેરે લેવાનું ચાલુ જ રહેતો ધીમે ધીમે માણસના ખોરાકમાંથી કુદરતી તત્વ ઘટતા ગયા મિલમાં પોલિશ કરેલા ચોખા અને રિફાઇન્ડ લોટ વધુ ને વધુ વપરાશમાં આવતા ગયા શાક અને ફળો મોંઘા થવાથી અને બધી જગ્યાએ મળતા ન હોવાથી એનો વપરાશ ઘટ્યો કાચા શાકભાજી ને બદલે ભરપૂર તેલ મસાલા વાળા ખોરાક લોકો પસંદ કરવા લાગ્યા.

જે વસ્તુ વધુ તેલ અને વધારે મીઠાવાળી હોય એ બધી વસ્તુઓ ફરસાણ,નમકીન કે અન્ય કોઈના નામે ખૂબ જ પ્રચલિત થઈ ગઈ, લોકોને પણ સાદા ખોરાકને બદલે મસાલેદાર તળેલા ખોરાક વધુ પસંદ પડવા લાગ્યા, આમ આજનો આપણો ખોરાક અસંતુલિત બની ગયો.

ભૂખ લાગી છે માટે ખાવું છે એવું નહીં પણ સ્વાદ સારો છે માટે ખાવું છે આવી વૃત્તિ વધતી ગઈ. પરિણામે શરીરમાં જરૂર હોય કે ન હોય ભાવતી વસ્તુ મળે કે તરત પેટમાં પધરાવી, એવી ટેવ બહુ વ્યાપક થઈ ગઈ. ખાદ્ય પદાર્થની જાહેરાત નાના બાળકથી મોટા સુધી ઘણાને લલચાવનારી અકળાવનારી થઈ પડી અને ફેશનેબલ ખાદ્ય પદાર્થો તેલ, ઘી, બટર, ચીઝ થી ભરપુર ખાદ્ય પદાર્થો સામાન્ય વપરાશમાં વધુને વધુ પ્રમાણમાં આવવા લાગ્યા.

આખી દુનિયામાં ભારતીય પ્રજા અને એમાં પણ ગુજરાતીઓ એમની બિન સ્વાસ્થ્યપ્રદ ખોરાક ની તેઓ તથા જિનેટિક બંધારણને કારણે આજે હૃદયરોગ જેવી બીમારીનો ભોગ થઈ જાય છે. આજે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘણા લોકો શરીરની જરૂરિયાત કરતાં વધુ ખાય છે, પરિણામે પેટ વધે છે કે આખું શરીર વધે છે.

ખોરાકમાં ચરબી યુક્ત પદાર્થો તેલ, ઘી વગેરે ખૂબ વધુ પ્રમાણમાં વપરાય છે મીઠા એટલે કે નમક નો વપરાશ વધુ થયો છે ઘણા લોકો શરીરની જરૂર કરતાં દોઢ થી બે ગણું મીઠું રોજ પેટમાં પધરાવતા હોય છે. તાજા શાકભાજી, ફળો અને કઠોળ જેવા રેસાવાળાં યુક્ત પદાર્થોનો વપરાશ ઘટ્યો છે.

આપણાં મોટા ભાગનાં કુટુંબોમાં નાસ્તા તરીકે હંમેશા તળેલી ચીજવસ્તુઓ ની બોલબાલા રહી છે, તળ્યા વગરના નાસ્તાઓ એટલા વધુ ઘીથી ચોપડવામાં આવે છે કે એમાં ચરબીનું પ્રમાણ તળેલા નાસ્તા જેટલું જ થઈ જાય છે. મોણ નાખીને બનાવેલી રોટલી ભરપૂર ઘી થી ચોપડવામાં આવે ત્યારે એમાં અને તળેલાં ઢેબરાં કે પુરીમાં ખાસ કોઇ ફરક રહેતો નથી. ખોરાકના બધા પરિવર્તનો નું પરિણામ આધુનિક રોગો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ દર્શાવે છે કે ખોરાકમાં ચરબીનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ તેમ હૃદયરોગ, કેન્સર, જાડાપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે રોગો વધતા જાય છે. હજી આજે પણ જે દેશોમાં જે વસ્તીમાં પ્રાકૃતિક ખોરાક, ફળો, શાકભાજી, કંદમૂળ અને અનાજ કઠોળ વધુ વપરાય છે ત્યાં અન્ય દેશોના લોકો કરતાં આ બધા રોગોનું પ્રમાણ ઘણું ઓછું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે ભારતની પુખ્તવયની વ્યક્તિઓને રોજ 20 ગ્રામ જેટલી ચરબી ખોરાકમાં મળે તો એ પૂરતી છે, જ્યારે ખોરાકમાં કુલ ચરબીનું પ્રમાણ આનાથી વધુ વધી જાય ત્યારે લાંબે ગાળે હૃદયરોગ કેન્સર વગેરે રોગો ઉદભવે છે અનાજ કઠોળ વગેરે માં રહેલી અદ્રશ્ય ચરબી ઉપરાંત બીજી 15 થી 20 ગ્રામ ચરબી ખાવામાં આવે તો પૂરું થઈ જાય. દુર્ભાગ્ય મોટાભાગના શહેરી ગુજરાતીઓ રોજની 20 ગ્રામને બદલે 60 થી 100 ગ્રામ જેટલી દ્રશ્યની ચરબી પોતાના પેટમાં પધરાવે છે અને હૃદયરોગને આમંત્રણ આપે છે.

અનેક વૈજ્ઞાનિક અભ્યાસો થી હવે નિશ્ચિત પણે એવું કહી શકાય એમ છે કે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બિમારી માટે કારણભૂત એથેરોસ્ક્લેરોસીસ તરીકે ઓળખાતી ધમનીઓ કઠણ અને સાંકડી થવાની પ્રક્રિયા માણસના જનીનિક બંધારણ ઉપરાંત તેના ખોરાક, કસરત, માનસિક તાણ અને અન્ય નિરાશાજનક લાગણી ઉપર ઘણો મોટો આધાર રાખે છે.

હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી ધમની જ્યારે કઠણ અને સાંકડી થઇ જાય ત્યારે હૃદયને લોહીનો પુરવઠો ઓછો પડવા લાગે છે અને માણસ હાર્ટ એટેકનો શિકાર બને છે.કોરોનરી ધમની અને અન્ય રક્તવાહિનીઓ સાંકડી અને કઠણ થઈ જવાથી પ્રક્રિયા તબીબી ભાષામાં એથેરોસ્ક્લેરોસીસ શરીરની ઘણી બધી રક્તવાહિનીઓને અસર કરે છે અને તેને પરિણામે હૃદય રોગ ઉપરાંત પેરાલિસિસ કે બીજા ઘણા રોગ થઈ શકે છે આજની તારીખે Atherosclerosis પરિણામે ઉદભવતા રોગો વિકસિત દેશોના નાગરિકો ના મરણ નું મુખ્ય કારણ છે 150 થી વધુ મૃત્યુનું કારણ એથેરોસ્ક્લેરોસીસ છે.

આપણું દુર્ભાગ્ય એટલું જ છે કે જીવન પદ્ધતિ હાનિકારક છે જે ખોરાક વ્યસન, વ્યવહાર,વિહાર વગેરે હાનિકારક છે એવું સાબિત થઈ ગયું છે એની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચતી જ નથી અને જેટલી જાણકારી પહોંચે છે એ અંગેની વૈકલ્પિક વ્યવસ્થાની જાણ લોકોને નથી હોતી, અને ઘણીવાર આ બધું જાણતા હોવા છતાં એની ગંભીરતા અંગેની સમજણ ન હોવાથી અથવા બેદરકારીને કારણે લોકો હાનિકારક જીવન પદ્ધતિ જલ્દી બદલતા જ નથી, અને પરિણામે વધુ ને વધુ લોકો જીવનશૈલીથી થતા રોગોનો ભોગ બનતા જાય છે.

મોટા શહેરોમાં રહેનારા મોટાભાગના લોકો રોજે-રોજ અથવા એકાંતરે પોતાના સમાજના અમુક માણસને હાર્ટ એટેક આવ્યો અને અમુકને હાઈ બ્લડ પ્રેશરને કારણે લકવું (પેરાલિસિસ) થઇ ગયો એવા સમાચાર સાંભળતા મળે છે આવા કેટલાય એટેક પેરેલિસિસ થી પીડાતા દર્દીઓની ખબર પૂછવા હોંશે હોંશે જાય છે, પરંતુ સમાજમાં આટલા બધા લોકોને એક જ જાતની બીમારી કેમ વધુ પ્રમાણમાં લાગુ પડી જાય છે? અને આવી બીમારી પોતાના કુટુંબમાં કોઈને ન થાય એ માટે શું કાળજી લેવી જોઈએ? એવા પ્રશ્નો ભાગ્યે જ કોઈને ઉદ્ભવે છે હૃદય રોગ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ યોગ્ય કાળજી લઈને થતી જ અટકાવી શકાય છે એવી જાણ ભાગ્યે જ કોઈને હોય છે. અરે, એટેક આવી ગયા પછી કે હાઈબ્લડ-પ્રેશરનો નિદાન થયા પછી પણ રાખવી જોઇતી કાળજી મોટાભાગના દર્દીઓ રાખતા નથી અને પછી જ્યારે મૃત્યુ કે પેરાલીસીસ જેવી ઘટના ઉદભવે ત્યારે રડવા સિવાય બીજું કશું બાકી રહેતું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top