રસસિંદૂર એ મિશ્રિત ધાતુથી બનેલું છે. બજારમાં મળતો રસસિંદૂર પાતળો, ઘેરો, રાતો, ચળકતો હોય છે. તે ભારે વજનદાર હોય છે. તે રંગે રાતો-કાળો હોય છે. તેને સળગાવવાથી આસમાની રંગની રોશની પ્રગટે છે. રસસિંદૂર ગુણમાં પૌષ્ટિક તથા વાજીકર છે. તો ચાલો હવે આપણે જાણીએ રસસિંદૂરના ઉપયોગ વિશે.
રસસિંદૂરને વાતહર તથા દવા સાથે મેળવી પીવાથી મગજના કોઈ પણ રોગ ઉત્પન્ન થયા હોય તે દૂર કરે છે. રસસિંદૂર પૌષ્ટિક ગુણ ધરાવે છે જેથી ક્ષય, ઉધરસ, નબળાઈ વગેરે મટાડવા ઉપયોગમાં લેવાય છે. કયારેક લોહીવિકારથી શરીર નબળું પડી જાય ત્યારે પણ રસસિંદૂ આપવાથી સારો લાભ થાય છે. રસસિંદૂર કફનો નાશ કરે છે. એ વાજીકર ગુણ ધરાવતું હોવાથી શરીરની નબળાઈ અને ક્ષીણતા મટાડે છે.
અતિસાર મટાડવા અફીણ, લવિંગ તથા ભાંગને રસસિંદૂર સાથે આપવું. મંદાગ્નિ માટે સંચળ તથા અજમા સાથે આપવું. શક્તિ મેળવવા રસસિંદૂર સાથે તથા કૃમિ મટાડવા પિત્તપાપડો તથા જૂના ગોળ સાથે આપી શકાય. ઉલટી મટાડવા માટે ભાંગ તથા અજમોદ સાથે વીર્યની વૃદ્ધિ કરવા લવિંગ સાથે તથા કેસર તથા નાગરવેલનાં પાનની બીડી માં પણ રસસિંદૂર આપી શકાય.
દરેક પ્રકારના જીર્ણ તથા તીક્ષ્ણ જ્વરમાં લવિંગ, હરડે તથા સંચળ માં ભેળવીને રસસિંદૂર આપવું. કબજિયાત મટાડવા સંચળ અને ત્રિફળામાં લઈ શકાય. પિત્ત વિકાર દૂર કરવા તથા પ્રમેહ મટાડવા ત્રિફળાના કાઢામાં રસસિંદૂર લઈ શકાય. મૂત્રકૃચ્છ મટાડવા માટે શિલાજિત, એલચી, ધાણા તથા સાકરમાં મેળવીને રસસિંદૂર લઈ શકાય છે. ચાલો હવે આપણે જાણીએ રસસિંદૂરના પ્રયોગો.
રસસિંદૂર, નાગભસ્મ, લોહભસ્મ, અભ્રકભરમ એ બધી વસ્તુ 10 ગ્રામ લઈ તેમાં ધતૂરાનાં બીજ ત્રણ 30 ગ્રામ નાખી મિક્સ કરવું. પછી જેઠીમધ નાંખવું ત્યાર બાદ શેરડીનો રસ અને દૂધ નાંખવું અને નાની નાની ગોળી તૈયાર કરવી. આ ગોળી બળ આપે છે. શક્તિ અને શરીરની ક્રાંતિ વધારે છે. રસસિંદૂર 20 ગ્રામ, અભકભર્સ 20 ગ્રામ, લોહભસ્મ 10 ગ્રામ, સુવર્ણભસ્મ 5 ગ્રામ એ તમામને કુંવારપાઠાના રસમાં મિક્સ કરી ને ગોળી બનાવવી. આ ગોળી ઉધરસ, અપસ્માર, મગજની નબળાઈ તથા વાત ના રોગમાં વપરાય છે.
રસસિંદૂર, રૌમ્યભસ્મ, લંગભસ્મ, અર્ભકભસ્મ દરેક 10 ગ્રામ લઈ નાગરમોથ તથા ત્રિફળાના ઉકાળામાં નાંખવું. આ દવા તમામ પ્રકારના પ્રમેહના રોગમાં વપરાય છે. રસસિંદૂર 10 ગ્રામ, અભ્રકભસ્મ અને લોહભસ્મ 15 ગ્રામ, સોના ભસ્મ 5 ગ્રામ એ તમામને મિક્સ કરી બાવળના ગુંદરમાં ભેળવીને ગોળી બનાવવી.
પક્ષીઘાત થાય ત્યારે રસસિંદૂર ની ગોળી લેવી ઉત્તમ છે. રસસિંદૂર ઉત્તમ વાયુનાશક ઔષધ છે. એમાં આવતાં અનેક જીવનીય દ્રવ્યોના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને સ્ફૂર્તિ વધે છે. પાચનતંત્ર સુધરે છે. રસસિંદૂર રક્તવર્ધક તથા હૃદયોત્તેજક હોવાથી રુધિરાભિસરણ ક્રિયાને વ્યવસ્થિત કરે છે.
રસસિંદૂર, લોહભસ્મ, મક્ષિકા ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વચ્છનાગ, શુદ્ધ તાલ, હરડે, સૂંઠ, મરી, પીપર, કાકડાશીંગી, અરણી ની છાલ અને શુદ્ધ ટંકણ સરખે ભાગે લઈ બધાને મેળવી ગોરખમુંડી અને નગોડ પાનના રસના 2-2 ટીપા નાંખી ૨૪૦ મિલી ગ્રામની ગોળી બનાવવી. આ ગોળી કોઈપણ પ્રકારના દુખાવામાં વપરાય છે.
રસસિંદૂર, મરી, નાગરમોથ, સુગંધીવાળો, ટંકણખાર, જવખાર અને શુદ્ધ વછનાગ દરેક સરખે વજને લઈ અરડૂસીના રસમાં મિક્સ કરી નાની નાની ગોળી બનાવી છાંયડે સુકવવી. આ ગોળી સસણી, શ્વાસ, દમ જેવા રોગોમાં આપવામાં આવે છે. આંખની પાપણની કિનારીએ નાની ફોડલી થાય અને તેમાંથી પાણી નીકળ્યા કરે છે. તેના પર રસસિંદૂરનો મલમ લગાડવાથી ફાયદો થાય છે. પાપણનાં મૂળમાં કીટ હોય છે. તેનો પણ રસસિંદૂરથી નાશ થાય છે.