રાયણનાં ઝાડો મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં વધુ થાય છે. સામાન્ય રીતે ઉનાળામાં આવતી રાયણને ઘણા અમદાવાદી રાયણ તરીકે ઓળખે છે. તેનાં વૃક્ષો મોટા અને ખૂબ જ સુંદર હોય છે. ઉનાળામાં તેનાં ફળ આવે છે. તે પાકે છે ત્યારે પીળા રંગના થાય છે. ખાવામાં તે ખૂબ જ મધુર હોય છે, તેનાં ફળને સૂકવી રાખ્યા પછી પણ તે ખૂબ જ સારા લાગે છે.
દવામાં એની છાલ, ફળ તથા બીજ ઉપરાંત તેનું તેલ વપરાય છે. આ ફળમાં ૭૦ ટકા શર્કરા હોય છે. તેનાં પાન થોડા પાતળા થાય છે. તેના પર શિયાળામાં મોર આવે છે. રાયણ મા વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉપરાંત કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ બધા પોષક સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે
રાયણ ના ફળ લીંબોળી જેવા ઝૂમખામાં થાય છે. તેની અંદરની છાલમાં દૂધ જેવો રસ રહેલો હોય છે, તે થોડો ચીકણો હોય છે. તેનાં બીજને ભાંગતા એક રાતા બદામી રંગનું બીજ નીકળે છે, તે બીજનું તેલ કાઢવામાં આવે છે. બંગાળ બાજુ થતી રાયણ કરતાં ગુજરાતમાં થતી રાયમ ઉત્તમ પ્રકારની છે.
રાયણ ના ગુણમાં ત્રિદોષહર, સ્નિગ્ધ, ધાતુવર્ધક છે. તે મીઠી, શીતળ છે. તેનાથી તરસ મટે છે. મૂચ્છ, ભ્રાંતિ, ક્ષય તથા રક્તદોષ મટે છે. પાકી રાયણ ખાવાથી તે મીઠી મધુરી લાગે છે. સુકાયેલી રાયણ પણ સૂકા મેવા તરીકે વપરાય છે. એનાં ફળ ઝાડ પરથી ઉતાર્યા પછી એક બે દિવસ રહેવા દેવા.
રાયણ નાં ફળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે ગરમીને મટાડે છે. શરીરને મજબૂત બનાવે છે. તેનાં પાન તથા છાલ વાટીને લગાડવાથી ગૂમડાં મટે છે. તેની છાલનો કાઢો સારો માનવામાં આવે છે. તેનાં બીજનું તેલ પૌષ્ટિક છે. તેનાં ઝાડ પરની ગાંઠો લાવી શેકી તેનો રસ કાઢી તેમાં મધ અને પીપર નાખી પીવાથી અપસ્માર મટે છે.
દાઢમાં દુઃખાવો ઊપડ્યો હોય ત્યારે તેનું દૂધ ભરવાથી પીડા ઓછી થાય છે. તેનાં ફળ ખાવાથી પ્રમેહ, ક્ષય, ત્રિદોષ તથા રક્તવિકારમાં લાભ આપે છે. એનું કાચું ફળ તૂરું હોય છે. તેનાં બીજનું તેલ દવામાં પણ વપરાય છે. એનાં ફળમાંથી બનાવેલા નાની લાડુડી ખાવાથી કફ, પિત્ત, વાયુ જેવાં દર્દો મટે છે. તાવ મદ, સન્નિપાત તથા રક્તપિત્ત પણ મટે છે.
ઠળિયા વગરના રાયણ ૧૦૦ ગ્રામ જેટલા લઈ તેને ઘીમાં તળવા, પછી તેમાં ધોળી મૂસળી, કાળી મૂસળી, કવચાનાં બીજ, એખરો, ગોખરું, ગુંદાના ઠળિયા, સૂંઠ, ધોળા મરી, જાયફળ, જાવંત્રી, એલચી, તજ, લવિંગ, બાવળનો ગુંદર એ દરેક ચીજો અઢી અઢી ગ્રામ લઈ તેની નાની ગોળી બનાવવી. આ ગોળી ખાવાથી કફ, પિત્ત, વાયુનાં દર્દ મટે છે.
રાયણનું મૂળ, તેનાં ઝાડની અંતરછાલ, બીજનો મગજ, દરેક ૧૦ ગ્રામ, હળદર, દેવદાર, મજીઠ, સરસવ, તલ, નાળિયેરનું તેલ, એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનું તેલ શરીરે ચોપડવાથી શૂળ મટે છે. વાત વ્યાધિમાં પણ ઘણો લાભ થાય છે. તેનાથી બળ વધે છે. માથું ભારે લાગતું હોય અથવા બેચેની લાગતી. હોય ત્યારે રાયણ ફાયદો કરે છે. ખાંસી તથા પેશાબના માર્ગના જખમને ફાયદો કરે છે.
જો ચહેરા પર કોઈ પ્રકારનાં દાગ છે, તો પછી રાયણના પાનને દૂધ સાથે પીસી લો અને રાત્રે સુતા પહેલા તેની પેસ્ટ ચહેરા પર લગાવો. સવારે તેને હળવા પાણીથી ધોઈ લો. બે અઠવાડિયામાં ચહેરાની ફોલ્લીઓ ઓછી થવા લાગશે, અને ચહેરો પણ સુધરશે.આ એક એવું ફળ છે જે શરીરને ચરબીયુક્ત બનાવે છે, તેથી આ પલ્પનું ફળ નબળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. આ ફળ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે સાથે જ શરીરમાં ઠંડક પ્રદાન કરે છે.