મૂળા ભારત માં ખૂબ જાણીતા છે અને ભારતમાં સર્વત્ર થાય છે. મહારાષ્ટ્રમાં મૂળા વધુ પ્રમાણમાં થાય છે. પ્રાચીનકાળથી મૂળાનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળાને સારા નિતારવાળી, પોચી અને ખાતરવાળી જમીન વધુ માફક આવે છે. મૂળાનાં બીને માખણ લગાવીને વાવવામાં આવે તો મૂળા કોમળ થાય છે. મૂળા પણ ગાજરની જેમ જમીનની અંદર કંદરૂપે થાય છે અને તેના પણ ગાજર જેટલી ઊંચાઈના છોડ (એકથી દોઢ ફૂટ) થાય છે.
મારવાડી મૂળા પ્રમાણમાં ઘણા મોટા, ખાવામાં તીખાશ વગરના અને સરળતાથી ચાવી શકાય તેવા હોય છે. જાપાનીઝ મૂળા બે ફૂટ લાંબા અને ત્રણ ઘેરાવા જેટલા જાડા થાય છે. મૂળા ખાસ કરીને શિયાળાની ઋતુમાં થાય છે. કેટલાક સ્થળે તો બધી ઋતુઓમાં મળે છે. મૂળા કાચા ખવાય છે. મૂળાનું અને તેનાં પાનનું શાક પણ થાય છે.
ખોરાકની મધ્યમાં કાચા મૂળા ખાવાથી રુચિ વધે છે. મૂળાનાં ગોળ કટકા કરી, સહેજ મીઠું ભભરાવી, શિયાળામાં સવારે રોટલા ભાખરી સાથે ખાવામાં આવે છે. ગાંઠિયા સાથે મૂળા સ્વાદિષ્ટ લાગે છે. કુમળા મૂળાનું કચુંબર ભોજન સાથે ખાવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. મૂળામાં જવરનાશક ગુણ રહેલો છે, બરોળવાળા માટે પણ મૂળા ફાયદાકારક છે.
શિયાળામાં મૂળા દીપન, પાચન અને પોષણ આપનાર છે. મૂળાનાં પાન વધારે પ્રમાણમાં ખાવાથી પેશાબની છૂટ રહે છે અને દસ્ત પણ સાફ આવે છે. હરસ ના દરદીને મૂળાનાં પાન અથવા તેનો રસ આપવાથી ફાયદો મળે છે. મૂળાના કંદ કરતાં તેનાં પાનના રસમાં ગુણ વધુ છે. પાચનમાં હલકાં, રુચિ પેદા કરનારાં અને ગરમ છે. એ કાચાં ખાવાથી પિત્ત વધારે છે. પરંતુ તેનાં પાનનું શાક કરીને ખાવાથી તે વધુ ગુણકારી બને છે.
નાના મૂળા તીખા, ગરમ, રુચિ ઉત્પન્ન કરનાર, હલકા, પાચક, ત્રણેય દોષને હરનાર અને સ્વરને સારો કરનાર છે. એ તાવ, શ્વાસ, નાકના રોગ, કંઠના રોગ અને નેત્રના રોગને મટાડનાર છે. મોટા મૂળા રુક્ષ, ગરમ, ભારે અને ત્રણેય દોષને ઉત્પન્ન કરનાર છે. પણ એને તેલ કે ઘીમાં પકવ્યા હોય તો ત્રણેય દોષનો નાશ કરનાર છે.
કુમળા મૂળા દોષહરનાર છે. પાકા અને ઘરડા મૂળા ત્રિદોષકારક છે. સામાન્ય રીતે મૂળા ઉષ્ણવીર્ય, રુચિકર અને અગ્નિપ્રદીપક છે. એ ઉદરકૃમિદન, કફ વાત મટાડનાર છે અને અર્શના રોગમાં ફાયદાકારક છે. મૂળાનાં પાનનો રસ મૂત્રલ, સારક તેમ જ પથરી અને રકતપિત્તનાશક છે. તેનાં ફૂલ કફ-પિત્ત હરનાર છે.
મોગરી થોડીક ઉષ્ણ અને કફ તથા વાયુને દૂર કરનાર છે. મૂળાના બી પણ મૂત્રલ, રેચક અને પથરીને ઓગાળીને બહાર કાઢવામાં ઉપયોગી છે. કુમળા મૂળા સાકર મેળવીને ખાવાથી અથવા તેનાં પાનના રસમાં સાકર મેળવીને પીવાથી અમ્લપિત્ત મટે છે. સૂકા મૂળાનો સહેજ ગરમ ઉકાળો પાંચથી દસ તોલા એક-એક કલાકે પિવડાવવાથી હેડકી મટે છે.
મૂળાના રસમાં લીંબુનો રસ મેળવીને પીવાથી ભોજન પછી પેટમાં થતો દુખાવો કે ગેસ મટે છે. કુમળા મૂળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચૂર્ણ મેળવીને પીવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઊલટી કે ઝડા મટે છે. અગ્નિમાંદ્ય, અરુચિ, જૂની કબજ્યિાત, અર્શ, આફરો, કષ્ટાર્તવ (સ્ત્રીઓના માસિક ધર્મમાં કષ્ટ થવું), મૂત્રકૃચ્છ, પથરી, કફવાતજવર, શ્વાસ, હેડકી અને સોજો એ બધા રોગોમાં મૂળા લાભકારક છે.
આફરો, અપચો અને વાયુની ઉધરસ પર મૂળાનું શાક હિતકારી છે. શીતપિત્તના જીર્ણ રોગીને, મૂળાનો અર્ક આપવો ગુણકારી છે. જીર્ણ મળાવરોધમાં મૂળાનું શાક રોજ ખાવાથી ફાયદો થાય છે. તેનાં પાનનો રસ ઉદરશૂળ, અને આફરામાં હિતાવહ છે. મૂળાનાં બીનું ચૂર્ણ પીઠ પર થતી વાયુની પીડા પર લાભદાયક છે. મૂળાનાં બીને અઘેડાના રસમાં પીસીને લેપ કરવાથી કરોળિયા મટે છે. મૂળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટે છે. મૂળાનાં પાનનો અઢીથી પાંચ તોલા રસ પિવડાવવાથી પણ સોજો જલદીથી ઊતરે છે.