ખસ હાથની આંગળીઓ વચ્ચેના ભાગમાં વધુ જોવા મળે છે. ખસના જૂ જેવા જંતુ ચામડીના સૌથી ઉપલા પડને ખોતરીને ત્યાં દર જેવું બનાવી તેની અંદર સંતાઈ રહે છે. અને એમાંથી નર જંતુ બહાર નીકળી આખા શરીરની ચામડી પર ફરે છે. માદા જંતુ દરમાં જ રહી રોજ થોડા થોડા ઈંડા મુકે છે.
જો કે બિલોરી કાચમાં આપણને આ દર સફેદ કે રાખોડી, વાંકી-ચૂંકી દોરી જેવા દેખાય છે. પણ જો આ ભાગ ખંજવાળી નાખીએ તો દર દેખાતુ નથી. આમ ખસના જંતુ નવા-નવા દર બનાવી ખસનો ફેલાવો કરે છે. લીમડાનાં તાજાં પાનની 20 ગ્રામ ચટણી બનાવી એક શેર પાણીમાં નાખવી. પાણી બળીને પોણો શેર જેટલું થાય તેટલું ઉકાળવું; પછી ઠરી જાય એટલે તેને ગાળીને તેમાં 20થી 30 ટીપાં આકડાનું દૂધ મેળવવું. આ મિશ્રણ રૂ વડે ખસવાળા ભાગ ઉપર ઘસવું.
ગળપણ અને ખટાશ સંપૂર્ણ બંધ કરવાં. મીઠું ઓછું ખાવું અથવા તો બંધ કરવું. મરી અને ગંધક બારીક વાટી, ઘીમાં ખૂબ ખરલ કરી શરીરે ચોપડવાથી અને તડકામાં બેસવાથી ખસ મટે છે. નસોતર ને પાણીમાં પલાળી સૂતી વખતે તેનું પાણી પીવાથી સવારે પેટ સાફ આવે છે અને લોહી શુદ્ધ થઈ ખસ મટે છે. તાંદળજાની ભાજી ના રસમાં સાકર મેળવીને પીવાથી પણ ખસ મટે છે.
તુવેરનાં પાન બાળી દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે. ખંજવાળ આવતી હોય તે ભાગો પર તલનું તેલ સહેજ લઈ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. ખસ થઈ હોય તો પીપળાની છાલ તલના તેલમાં ઉકાળી, ચામડી પર તેની માલિશ કરવી. ખસના દર્દીને પીપળાની છાલનો ઉકાળો પિવડાવવાથી રાહત થાય છે.
સુતરાઉ કાપડનો ટુકડો ખંજવાળ વાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો કપડું મૂકી, સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાયસીસ કે દરાજ જેવા વ્યાધિ પણ કાબૂમાં આવે છે. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે.
આકડાનું પાન તોડવાથી નીકળતું દૂધ ખસ પર દિવસમાં બે વખત ચોપડતા રહેવાથી તે મટે છે. દૂધ ચોપડતાં પહેલાં ખસવાળો ભાગ કપડાથી બરાબર સાફ કરવો. કાચા પપૈયામાંથી કે પપૈયાના ઝાડ પરથી દૂધ મેળવી દિવસમાં ત્રણ-ચાર વખત દર ચારેક કલાકને અંતરે ચોપડવાથી ખસ મટે છે.
સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે ચંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરાની સૂકી છાલનું ચૂર્ણ પણ વાપરી શકાય છે. તલના તેલમાં એનાથી ત્રીજા ભાગનું આમળાનું ચૂર્ણ મેળવી, દિવસમાં દર ચારેક કલાકે માલિશ કરતા રહેવાથી ખંજવાળ મટે છે. તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે.
સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી, ખંજવાળવાળા ભાગ પર દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે લગાડતા રહેવાથી થોડા જ દિવસોમાં ખંજવાળ મટે છે. ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો રસ ઘસવાથી તે મટે છે. રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે. આકડાના દૂધમાં સહેજ મધ નાખી, હલાવી, મિશ્ર કરી દરરોજ એક વાર દરાજ પર ઘસવાથી ખંજવાળ મટી જાય છે.
સૂકાં આમળાં બાળીને બનાવેલી રાખ તલના તેલમાં મેળવી, ખંજવાળ વાળા ભાગ પર દિવસમાં બે વખત નિયમિત લગાવતા રહેવાથી ખંજવાળ મટી જાય છે. ખંજવાળનું પ્રમાણ વધુ હોય તો દિવસમાં ત્રણ-ચાર વખત પણ લગાડી શકાય. લીંબોળીના તેલની માલિશ કરવાથી ખંજવાળ ઓછી થઈ જાય છે. આમળાં બાળી, તલના તેલમાં ભેળવી કરી ચોપડવાથી ખસ પણ મટે છે.
આંબાહળદર તથા કાળીજીરીને પાણીમાં ઘૂંટીને તેનો મલમ બનાવીને ખસ-ખૂજલીવાળા ભાગમાં લગાડવાથી ખૂજલી મટે છે. આવા રોગવાળા દર્દીએ ગળપણ અને ખટાશ બંધ કરવાં. મીઠાનો ઉપયોગ ઓછો કરવો. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
ટમેટાંના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખૂજલી મટે છે. આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી ખૂજલી મટે છે. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી – દાદર મટે છે.
રક્તચંદન, બબુલત્વક, દુરાલભા, કાંચનારત્વક, આમલકી, ચંદન, ખદીરત્વકમાંથી તેલ બનાવવામાં આવે છે. આ તેલ બળતરા, ખંજવાળ, ખસ, ખરજવું, દાદર જેવા ચામડીના રોગો મટાડે છે. ચામડીની બળતરા દૂર કરી આ તેલ ચામડીને મુલાયમ રેશમ જેવી સુંવાળી બનાવે છે. આ તેલ ચામડીની ઉષ્ણતા, દાહને દૂર કરી ચામડી ઉજળી બનાવે છે.