કેફીન એ કદાચ વિશ્વમાં સૌથી વધારે વપરાતો પદાર્થ છે. ચા, કોફી, કોલા, કોકો, ચોકલેટ વગેરેમાં કેફીન અને થીયોબ્રોમીન નામના ઉત્તેજક પદાર્થ હોય છે જે શરીરના અનેક તંત્ર પર જાત જાતની અસર કરી શકે છે. કેફીન મગજ, ચિંતા, વિચાર અને ઊંઘ પર અસર કરે છે.
મગજને ઉત્તેજિત અને સક્રિય કરવાનું, વિચારો ઝડપી બનાવવાનું, કંટાળા અને થાકનો અનુભવ ઘટાડવાનું કામ આ પદાર્થ કરે છે. મગજને ઉત્તેજિત કરવા ઉપરાંત, હૃદયના ધબકારા વધારવાનું, હાથ-પગમાં ધ્રુજારી કરવાનું, વધુ પેશાબ બનાવવાનું, ઊંઘ ઉડાડી દેવાનું, એસિડિટી, પથરી વગેરે રોગો વધારી દેવાનું કામ પણ કેફીન કરી શકે છે.
બાળકોમાં વર્તણૂક-સંબંધિત તકલીફો અને બીમારી માટે કોકો-કોલા જેવાં પીણાં જવાબદાર જણાયાં છે. ચિંતાતુર સ્વભાવ અને વર્તણૂક પણ ઘણી વખત કેફીનને આધારે હોય છે. કાયમ ચિંતામાં ખોવાયેલા લોકો ઉપરના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે માત્ર કોફીનો વપરાશ બંધ કરવાથી ઘણા લોકોની ચિંતા ઘટી જાય છે.
ચિંતાતૂર વ્યકિતની કામ કરવાની ક્ષમતા ચા-કોફીના સેવનથી વધારે ઘટી જાય છે. વૃદ્ધોની ઊંઘ ઊડાડી દેવાનું કામ કેફીન કરે છે. ઊંઘ મોડી આવે અને ઊંઘમાંથી વારંવાર ઉઠવું પડે એવું કેફીનના સેવનથી થાય છે. યુવાનોમાં આ અસર ઓછી જોવા મળે છે પરંતુ ઉમરની સાથે કેફીનની અસર વધતી જાય છે. કેફીનની બ્લડપ્રેશર પર પણ ઘણી અસર પડે છે.
ચા, કોફી, કોકો-કોલા, ચોકલેટ વગેરેમાં આવતા આ પદાર્થના વપરાશથી ઉપરનું બ્લડપ્રેશર ૫ થી ૧૫ મિ.મિ. મર્ક્યુરી જેટલું અને નીચેનું બ્લડપ્રેશર ૫ થી ૧૦ મિ.મિ. મર્ક્યુરી જેટલું વધે છે. એક વખત કેફીન શરીરમાં જાય પછી અડધાથી એક કલાકમાં એની મહત્તમ અસર દેખાય છે અને પછી પાંચ કલાકમાં આ અસર અડધી થઇ જાય છે.
જો વસ્તીનો દરેક સભ્ય કેફીનનું સેવન છોડી દે તો આખી વસ્તીના સરેરાશ બ્લડપ્રેશરમાં ૨ થી મિ.મિ. મર્ક્યુરી જેટલો ઘટાડો થાય. અને સરેરાશ ૪ બ્લડપ્રેશરમાં થતો આટલો ઘટાડો, આશરે ૯ થી ૧૪% હૃદયરોગના હુમલા અને ૧૭ થી ૨૪% પેરાલિસિસના હુમલાને આવતા અટકાવી શકે છે. બ્લડ પ્રેશર ઘટાડવાની બધી દવાઓના વપરાશ પછી પણ આટલો ઘટાડો શકય નથી જે માત્ર કેફીનનો વપરાશ બંધ કરવાથી થઇ શકે છે.!
કેફીનની હૃદય પર પણ ખરાબ અસર થાય છે. કેફીનના સેવનથી હૃદયના ધબકારા વધી જાય અને હૃદયમાંથી વધુ લોહીનું પંપીંગ થાય છે. ટૂંકમાં કેફીનયુકત પીણાં હૃદયની કામગીરી વધારી દે છે. આ ઉપરાંત, કોફીમાં રહેલ કાફેસ્ટોલ નામનાં દ્રવ્યો લિવર પર વિપરીત અસર કરે છે અને પરિણામે કોલેસ્ટેરોલના ચયાપચયમાં વિક્ષેપ આવે છે.
દિવસમાં પાંચ થી છ કપ ઉકાળેલી કોફી પીનાર વ્યકિતના શરીરમાં નુકસનાકારક કોલેસ્ટેરોલનું પ્રમાણ ૯ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં નુકસાનકારક કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો એને હૃદયરોગ થવાની શકયતામાં વધારો થાય છે. કેફીનની હાડકાં પર પણ અસર પડે છે.
ચા, કોફી અને કોલ્ડ્રીંકનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવાની પ્રવૃત્તિ ઝડપી બને છે. જેમ વધુ કડક ચા-કોફી હોય તેમ એસિડિટી થવાની શક્યતા વધુ રહે છે. કેફીન કાઢી નાંખેલ કોફીથી પણ આવી અસર થાય છે. કોલ્ડ્રીંક પોતે જ ખૂબ એસિડિક હોય છે અને કાર્બોનેટેડ હોવાથી એસિડિટી કરવાની શક્યતા વધારી દે છે.
સગર્ભાવસ્થા દરમ્યાન કેફીનના સેવનની બાળકો પર ખરાબ અસર પડે છે. સગર્ભાવસ્થા દરમ્યાન જો કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આવનાર બાળક ખોડખાંપણ ધરાવતું આવી શકે છે. રોજના પાંચ કપથી વધુ કોફી પીનાર સગર્ભા સ્ત્રીને કસુવાવડ થવાની, અધૂરા માસે બાળક જન્મવાની, અને ઓછા વજનવાળું બાળક આવવાની શક્યતા વધી જાય છે.
માત્ર કોફી જ નહીં પરંતુ કેફીન ધરાવતા દરેક પદાર્થ સગર્ભાવસ્થા દરમિયાન લેવાથી બાળકને નુકસાન થઈ શકે છે. સ્તનપાન દરમ્યાન કેફીનનું સેવન બાળકમાં એલર્જી કરી શકે છે. જો સ્તનપાન કરાવતી માતા કોકો પાવડર કે ચોકલેટ ખાય તો એના દૂધ વાટે બાળકના શરીરમાં પણ થીયોબ્રોમીન જઈ શકે છે જેને કારણે બાળકોમાં એલર્જીક લક્ષણો આવી શકે છે.
કોકો પાવડર અને ચોકલેટમાં હિસ્ટામીન અને ટાઇરેમાઇન નામના તત્વ હોય છે જે અમુક સંવેદનશીલ વ્યક્તિઓમાં એલર્જી કરી શકે. કેફીનના સેવન થી કેન્સર થઈ શકે છે. કોફી અને કેફીનના વધુ પડતા સેવનથી મૂત્રાશયનું કેન્સર થઈ શકે છે. નિવૃત્તિ પછી ચા-કોફીનું સેવન કરવાથી હાડકા નબળા પડવાની તકલીફ થાય છે.