ઘરગથ્થુ તથા શાસ્ત્રીય દવા તરીકે કાળીપાટનો ઉપયોગ સર્વત્ર મળે છે. એ બે જાતની હોય છે. બંગાળમાં વૈદ્યો આકનાદી નામથી એને ઓળખે છે. મહારાષ્ટ્રમાં પહાડવેલ તરીકે જાણીતી છે. ગુજરાતમાં એને કરંડિયું કહે છે. કોઈ લઘુપાઠા પણ કહે છે.
ડુંગરાળ પ્રદેશમાં એનાં વેલા થાય છે. ચોમાસામાં જથ્થાબંધ જોવામાં મળે છે. એનાં પાન વેવડી અથવા ગાળોનાં પાન જેવા કાંઈક ગોળાકાર જોવા મળે છે. તેને મરી જેવડાં નાના, રાતા અને પીલુડી જેવા ફળ હોય છે. કાળીપાટની જડ લાંબી અને તથા પાતળી પણ પહોળાઈમાં આશરે અડધા ઈંચના વ્યાસની હોય છે. તે જડ ઘેરા ભૂરા રંગની તથા વાંકીચૂકી ગાંઠ વાળી હોય છે. છાલ નરમ હલકી તથા સહેજ ખોભણવાળી હોય છે. કાળીપાટ સ્વાદે કડવી, સુગંધીદાર તથા ગરમ છે.
એનાં પાનનો રસ કાઢી અથવા તો લાકડું ઘસીને સોજા પર લગાવતાં સોજો મટે છે. મંદાગ્નિ, જ્વર, પથરીમાં તે વપરાય છે. એનાં મૂળ અને પાન દવામાં વપરાય છે. બને ત્યાં સુધી એનાં તાજા પાનનો રસ કે મૂળનો ઉપયોગ કરવો ઠીક રહે છે. કાળીપાટ સોજા મટાડે છે. કટુ હોવાથી દીપન પાચન તથા ભૂખ લગાડનાર છે. એટલું જ નહીં પણ તે રક્ત વધારનાર પણ છે.
મંદાગ્નિ, અજીર્ણ, ઝાડા, હરસ અને બરોળને મટાડી શરીરમાં નવુ લોહી વધારે છે. પાચનતંત્ર પણ સુધારે છે. નાનાં બાળકોનાં પેટનાં વિકારોમાં તેનું મૂળ ઘસીને અપાય છે. તેથી પેટનો દુખાવો, અજીર્ણ, મરડો, ઝાડા મટે છે. કાળીપાટ સવા તોલો, સુંઠ બે તોલા, હિંગ શેકેલી ૧ તોલો, મરી પોણો તોલો લઈ બારીક કરી લઈ તેની મધમાં ચણા જેવડી ગોળી બનાવી દેવી.
આ ગોળીના સેવનથી પેટ નો દુખાવો, ચૂંક અથવા અપચામાં રાહત થાય છે. કાળીપાટ, પીઠવણ, ભોરીંગણી, જેઠીમધ અને ઈન્દ્રજવ એ દરેક ૧ તોલો, રીતસર અધકચરા કરી ૧૬ તોલા પાણીમાં ઉકાળી, ચોથો ભાગ રહે ત્યારે ઉતારી લેવું આ ઉકાળો પીવાથી પેશાબની બળતરા, ઉનવા, વગેરે મૂત્રપિંડની વ્યાધિઓ દૂર થાય છે અને કૃમિનો નાશ કરે છે.
કાળીપાટ, ઇંદ્રજવ, કરિયાતું, ગળો, સૂંઠ, નાગરમોથ, પીતપાપડો એ દરેક પા તોલો લઈ તેને આખેઆખું ભેગું કરી તેમાં પોણો શેર પાણી નાખી ઉકાળવું. ચોથો ભાગ બાકી રહે ત્યારે તેને ઉતારી ઉપયોગમાં લેવું. આ કવાથના ઉપયોગથી એકાંતરિયો તાવ, બીજા વિશેષ વ્યાધિ મટે છે. તાવ તથા બીજા વિશેષ રોગ માટે છે.
કાળીપાટ, હળદર, દારૂ હળદર, મોરવેલ, પીપર અને દંતી મુળ એ દરેક ૧ તોલો લઈ તલનું તેલ ૨૮ તોલા, પાણી ૩ શેર નાખી તમામને ઉકાળીને પાણી બળી જાય કે તરત ઉતારી લેવું. આ તેલ ગાળી લેવું. આ તેલ નાકમાં નાખવાથી નાકનો ભયંકર રોગ મટે છે.