ત્વચા, માંસ તથા અસ્થિમાં જો મહારોગ પ્રવિષ્ટ થઈ ગયો હોય તો તેને તુલસી નષ્ટ કરી દે છે. શ્યામ તુલસી સ્વરૂપવાન કરનારી છે. તેના સેવનથી રોગયુક્ત ત્વચાના સર્વે રોગો નષ્ટ થઈને ત્વચા પુનઃ મૂળ સ્વરૂપ ધારણ કરે છે. ત્વચાને માટે તુલસી અદ્દભુત ગુણકારી છે.
તુલસી કફ, વાયુ, વિષદોષ, શ્વાસ, ખાંસી તથા દુર્ગન્ધને નંષ્ટ કરનારી તથા પિત્તને ઉત્પન્ન કરનારી છે. તે બધા રોગોને નષ્ટ કરનારી ગણાય છે. તુલસીનાં બીજનું ચૂર્ણ ૧૦ ગ્રામ સવાર-સાંજ પાણી સાથે લેવાથી હરસ મટે છે. તુલસીનાં પાનનો રસ મસા પર લગાવવાથી પીડા ઓછી થાય છે.
તુલસી નું સુકાયેલું પંચાંગ(પાંચ અંગો એટલે પંચાગ છાલ, પાન, ફૂલ, ફળ, મૂળ વગેરે) તથા મરી લઈને વિધિપૂર્વક ચૂર્ણ બનાવીને ગરમ પાણીમાં સેવન કરવાથી કબજિયાત તથા અન્ય પેટના રોગ મટે છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ, સૂંઠનું ચૂર્ણ ૧૦ ગ્રામ, જૂનો ગોળ ૨૦ ગ્રામ મેળવીને, પીસીને વટાણા જેવડી ગોળી બનાવીને સવારે, બપોરે, સાંજે એક-એક ગોળી ગરમ પાણીમાં લેવાથી અપચો અને બીજી પેટને લગતી સમસ્યા દૂર થાય છે.
તુલસીનાં સૂકાં પાન, મોટી એલચીનાં બીજ, જીરું, તજ, અજમો, સંચળ, શેકેલી હિંગ-દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ વાટીને ચૂર્ણ કરી ચાળી લો. આ ચૂર્ણ પાણીની સાથે લેવાથી પાચનશક્તિ તેજ બને છે. પેટમાં કીડા-કૃમિ હોય તો તુલસીના પાન તથા આદુનો રસ ૧૦-૧૦ ગ્રામ લઈને થોડો ગરમ કરીને દિવસમાં ત્રણ વાર લેવો.
કબજિયાત દૂર કરવા તુલસીનાં મૂળ તથા લીંબોળીની ગોટલી સમાન માત્રામાં લઈ પીસીને વટાણા જેવડી ગોળી બનાવો. સવાર-સાંજ બે-બે ગોળીઓ મધ સાથે લેવાથી મસા મટી જાય છે. આ ગોળી છાશની સાથે લઈ ને પણ પીય શકાય. તુલસીનાં પાન, કપૂર તથા લવિંગ ઘસીને ગોળી બનાવો. આ ગોળી દાંતો નીચે દબાવવાથી પાયોરિયા તથા અન્ય દંતરોગમાં આરામ થાય છે.
એસિડિટીમાં તુલસીની મંજર, પીપર, સૂંઠ, લવિંગ, નાગરવેલનાં પાનની દાંડી, તજ, કિસમિસ તથા ખજૂર-દરેક બબ્બે ગ્રામ લઈ તેમાં ૧ ગ્રામ લોધર નાખીને ઉકાળો. એના સેવનથી એસિડિટી મટી જાય છે તેમજ તૃષ્ણા, બળતરા, ગ્લાનિ તથા ત્રિદોષ મટે છે. તુલસીનાં પાનને સૂકવીને તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને દાંત પર ઘસવાથી ફાયદો થાય છે.
તુલસીનાં પાન, બોરના ઠળિયાની મીંજ, બીલીના ફળની મીંજ એ દરેક ૧૦-૧૦ ગ્રામ; કાળાં મરી ૫ ગ્રામ લઈને પાણીની સાથે પીસીને વટાણા જેવડી ગોળીઓ બનાવો. બે-બે ગોળી ગાયના દૂધના મઠાની સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી ઝાડા બંધ જાય છે. નાકમાં ફોલ્લી થઈ ગઈ હોય તો તુલસીનાં પાન સૂકવી, બારીક પીસીને સુંઘવાથી ફાયદો થાય છે.
મરડાની તકલીફ માટે તુલસીનાં સૂકાં પાનના ચૂર્ણમાં જીરું અને સંચળ સરખી માત્રામાં મેળવીને દહીં કે મઠાની સાથે ખાવું. તુલસીનાં પાન, મરી, અજમો, લસણ, સિંધવ મીઠું તથા શુદ્ધ કપૂર સરખા ભાગે લઈને પીસીને ચણા જેવડી ગોળી બનાવી તેનું સેવન કરવાથી મરડો મટે છે. તુલસીનાં બીજ ૫ ગ્રામ, રસવંતી ૫ ગ્રામ, આંબા હળદર ૫ ગ્રામ, અફીણ ૨ ગ્રામ એ બધાંને કુંવારપાઠાના ગર્ભમાં ભેળવી વાતો. આંખોની ચારે તરફ આનો લેપ કરવાથી દર્દમાં ફાયદો થાય છે.
નાકમાં પીનસ (નાસુ૨) રોગ થઈ જવાથી કીડા પડી ગયા હોય અને દુર્ગધ મારતી હોય તો તુલસીનાં પાનનો રસ અને કપૂર મેળવી નાસ લેવો જોઈએ. તુલસી ૧૦ ગ્રામ, નગોડ ૫ ગ્રામ, ભાંગરો ૧૦ ગ્રામ અને વાયવરણા ૫ ગ્રામ, એ સર્વ ઔષધોનું ચૂર્ણ કરી રોજ પાંચ ગ્રામ પ્રમાણે મધમાં ભેળવી ચાટવાથી વાયુ વિકાર, મટે છે.
પેટમાં અંદર ફોલ્લા થતા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સુવાની ભાજીનો ઉકાળો બનાવી તેમાં થોડુંક સિંધવ નાખીને પીવું. તુલસીનાં મૂળિયાં, નવસાર, ટંકણખાર (ફુલાવેલો ખાર) અને જવખાર સરખા ભાગે લઈ વાટીને ચૂર્ણ તૈયાર કરવું.
આમાંથી દરરોજ પાંચ-પાંચ ગ્રામ તાજા પાણી સાથે પીવાથી પેટમાં બરોળ વધતી હોય તો આરામ થાય છે. તુલસીના કાઢામાં સિંધવ અને સૂંઠ મેળવીને પીવાથી કબજિયાત મટી જાય છે. તલના તેલમાં તુલસીનો રસ મેળવી, ઉકાળી સહેજ ગરમ હોય ત્યારે તેનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનાં તમામ દર્દ મટે છે. કાનપટ્ટી ના દુખાવામાં તુલસીનાં પાનનો રસ ઘસવાથી ઘણો ફાયદો થાય છે.