આપણા ગ્રામીણ જીવનમાં વનસ્પતિઓ અને વૃક્ષો માનવ, પશુ અને પક્ષીઓનાં અવિભાજ્ય અંગ બની ગયેલાં છે, આપણા ઉત્સવો, તહેવારો, સામાજિક પ્રસંગો, વ્રતકથાઓની ઉજવણીઓ તેમજ ધાર્મિક ઉત્સવોમાં એક યા બીજી રીતે વૃક્ષોની પૂજા થાય છે.
વૃક્ષો ધાર્મિક દૃષ્ટિએ તેમજ શૃંગાર માટે અને પૌરાણિક માન્યતા ટકાવી રાખવા માટે મહત્વનાં બની ગયેલાં છે. આ રીતે લીમડો, પીપળો, વડ, આસોપાલવ, આંબો વગેરે વૃક્ષો તેમજ અન્ય વનસ્પતિઓ આપણા જીવનનો એક ભાગ બની ગયેલ છે. લીમડો એક એવું વૃક્ષ છે જેનાં તમામ અંગો માનવજાતને એક યા બીજી રીતે અત્યંત ઉપયોગી છે. લીમડાનું લાકડું ઈમારતી લાકડા તરીકે પણ વપરાવા લાગ્યું છે.
આયુર્વેદની દૃષ્ટિએ લીમડો હલકો, શીતળ કડવો, ગ્રાહી, વ્રણશોધક તેમજ કૃમિ, કફ, પિત્ત, વમન, શોષ, વાત, વિષ, દુષ્ટરોગ, હૃદયની બળતરા, થાક, ખાંસી (ઉધરસ) તાવ, તૃષા (તરસ) ખોરાકની અરૂચિ, રૂધિરવિકાર અને મધુપ્રમેહને નષ્ટ કરનાર છે. તેમાંથી ફર્નિચર, ઘરનાં બારી બારણાં બને છે. આ ઉપરાંત બળતણ તરીકે તેનું લાકડું વપરાય છે.
લીમડાના પાંદડા પશુઓ ના ચારા તરીકે વાપરાય છે. વધેલાં સૂકાં, કહોવાયેલાં પાંદડાંનું સારૂ સેન્દ્રિય ખાતર બને છે. લીમડાનો મોર (ફૂલ) ઉનાળાની ઋતુમાં લૂ લાગતી અટકાવવા વપરાય છે તેમજ ઔષધ તરીકે પાણીમાં પલાળીને તેમજ બીજા પદાર્થો સાથે મેળવી રસ કાઢી પીવાય છે.
લીમડાનાં બીજ (લીંબોળી) માંથી તેલ કાઢવામાં આવે છે તેને લીંબોળીનું તેલ કહે છે. લીંબોળીનું તેલ જંતુનાશક દવા તરીકે તેમજ લીમડાનો સાબુ બનાવવામાં વપરાય છે. ઔષધ તરીકે તે દાદર, ખુજલી, ખસ, કૃમિ તેમજ પરોપજીવી જીવાણુઓ દૂર કરવા વપરાય છે. લીંબોળીનો ખોળ (લીંબોળીમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલો ભાગ) ખેતી માટે ઉપયોગી છે, તેમજ ખેતીમાં ઉધઈનાશક તરીકે સારું કામ આપે છે.
લીમડાનાં એક મુઠ્ઠી (૨૫ગ્રામ) પાંદડાંને લસોટી પોટલી બનાવી ગુમડા ઉપર બાંધવાથી ગુમડું ઝડપથી મટે છે. પાંદડાંનો રસ કૃમિનો નાશ કરે છે. નાનાં બાળકોને સવાર ને સાંજ અડધી અડધી ચમચી રસ આપવાથી તેમના પેટમાં તેમજ આંતરડાંમાં રહેલા કૃમિ નાશ પામે છે, તેમજ બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
૫૦ ગ્રામ તાજાં પાંદડાંને અડધો લીટર પાણીમાં બરાબર ઉકાળી અડધુ પાણી બાકી રહે તેમાંથી ૨૫ થી ૩૦ ગ્રામ પાણી પીવાથી કડવું પણ પૌષ્ટિક રસાયણ શરીરમાં જાય છે જેની વધુ અસર યકૃત પર થાય છે અને યકૃતની કાર્યક્ષમતા વધે છે. આંખમાં થતી બળતરા (આંખનો દુઃખાવો) પણ મટી જાય છે.
ઓરડામાં લીલાં પાંદડાંનો ધુમાડો કરી બારી બારણાં થોડો સમય બંધ રાખવાથી મચ્છરનો તેમજ નાના પ્રકારનાં જીવ-જંતુઓનો નાશ થાય છે. લીમડાનાં લીલાં પાન આંખોને ઠંડક આપનારાં છે. રાત્રે સૂતી વખતે આંખ ઉપર લીમડાનાં લીલાં પાનનો પાટો બાંધી રાખવાથી આંખને પુષ્કળ ઠંડક મળે છે તેમજ આંખમાં થયેલી લાલાશ અને ગરમી દૂર થાય છે.
લીમડાનાં પાન વિષવિકારી (વિષહર) છે. ઝેરી જંતુ કરડ્યું હોય ઝેરી વસ્તુ ખવાઈ ગઈ હોય ત્યારે લીમડાનાં પાન ચાવવાથી તેનો રસ પેટમાં એકઠા થયેલા ઝેરી પદાર્થો બહાર કાઢી નાખે છે. લીમડાનાં લીલાં તાજાં પાનનો રસ વાત કારક તેમજ પિત્તહર છે, તે કફનો નાશ કરે છે. પાનનો રસ સવાર-સાંજ ભૂખ્યા પેટે ૧૫ થી ૨૦ ગ્રામ જેટલો લઈ શકાય.
લીમડાનાં પાનનો રસ અરૂચિ દૂર કરે છે. સવાર-સાંજ ભૂખ્યા પેટે (નરણા કોઠે) લીમડાનાં તાજાં પાન વીસ ગ્રામ ચાવીને તેનો રસ પેટમાં ઉતારવાથી મધુપ્રમેહ (ડાયાબીટીસ) કંટ્રોલમાં આવે છે. આ રીતે લાંબા સમય સુધી પ્રયોગ ચાલુ રાખવાથી ડાયાબીટીસ મટે છે દર ત્રણ મહિને ૧૦ દિવસ આ રીતે પ્રયોગ ચાલુ રાખવાથી ડાયાબીટીસ થતો નથી.
લીમડાનાં તાજાં પાનમાં વિટામિન “એ” રહેલું છે, જે નેત્ર રોગ, રતાંધળાપણુ અને રક્તવિકારને મટાડે છે. પાનનો રસ ભૂખ્યા પેટે સવાર-સાંજ બે-બે મોટી ચમચી જેવો લેવો. લીમડાનાં પાનમાં રહેલું વિટામિન ‘એ’ મૂત્રાશયનાં દર્દો તેમજ ગુદાનાં દર્દો દૂર કરવામાં પણ ઉપયોગી છે. લીમડો ઉષ્ણ જવર (સાદો તાવ) માં પણ ઉપયોગી છે.
નાનાં બાળકોની ઊંચાઈ વધતી ન હોય (શરીરની વૃદ્ધિ અટકી. ગઈ હોય મંદ પડી ગઈ હોય) તો લીમડાનાં તાજાં પાનનો રસ એક-એક ચમચી સવાર-સાંજ ભૂખ્યા પેટે આપવાથી જરૂરથી ફાયદો થાય છે. લીમડાનાં પાનની કુંપળો ઘીમાં શેકીને લેવાથી ગમે તેવી અરૂચિ દૂર થાય છે
ભૂખ્યા પેટે (નરણા કોઠે) સવાર-સાંજ પાંચ પાંચ ગ્રામની માત્રામાં લઈ શકાય. લીમડાની અંતરછાલનો ઉકાળો શીતળ, કટુ પૌષ્ટિક, ગ્રાહી અને પર્યાવરણીય તાવને રોકનાર છે. આ ઉકાળો મેલેરિયાના તાવને પણ દૂર કરે છે. નરણા કોઠે સવાર-સાંજ વીસથી પચ્ચીસ ગ્રામ જેટલો લઈ શકાય.
લીમડાની અંતરછાલનો ઉકાળો અથવા પાંદડાંનો રસ શરીરના સોજા દૂર કરવામાં તેમજ માર વાગવાથી આવેલ સોજા દૂર કરવામાં ઉપયોગી છે. સવાર-સાંજ નરણા કોઠે બેથી ત્રણ ચમચી લેવો. લીમડાની અંતરછાલનો ઉકાળો લેવાથી તેમાં રહેલું કડવું, દાણાદાર, તેજાબી ગુણવાળુ દ્રવ્ય ચામડીનાં છિદ્રો વાટે બહાર આવે છે તેથી ચામડીમાં ઉત્તેજના આવે છે.
ચામડીમાં બળતરા થતી હોય તો દૂર થાય છે. લીમડાની અંતરછાલના ઉકાળા કરતાં અંતરછાલનું ચૂર્ણ સવાર-સાંજ ભૂખ્યા પેટે પાંચ- પાંચ ગ્રામ લેવાથી વધારે ફાયદો થાય છે. લીમડાના કોઈપણ ઉકાળામાં સુંઠ અને થોડા પ્રમાણમાં મરચું ઉમેરવાથી તેની કડવાશ ઓછી થાય છે જેથી સરળતાથી તે ઉકાળો લઈ શકાય છે.