ગળો અલગ અલગ પ્રકારની હોય છે. ગળો સ્વાદે કડવી અને તૂરી હોય છે. ગળો શરીરના તમામ પ્રકારના રોગને દૂર કરવામાં સક્ષમ છે. ગળોની વેલ અમૃત સમાન ગુણકારી ગણાય છે. એને અમૃતા પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ગળોના ફાયદા વિશે.
ગળોના 10 ગ્રામ રસમાં ૧-૧ ગ્રામ મધ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે ભેળવી કરી આંખોમાં આંજવાથી આંધળાપણું, ગુમડા, તથા શુકલ અને કૃષ્ણ પટલજન્ય નેત્ર રોગ નાશ પામે છે. ગળોના રસમાં ત્રિફળા મેળવી ક્વાથ બનાવી પીપળાના પાનનું ચૂર્ણ અને મધ મેળવી સવાર-સાંજ સેવન કરતાં રહેવાથી નેત્રોની જ્યોતિ તરત જ વધે છે.
તડકામાં ફરવાથી કે પછી પિત્તના પ્રકોપને કારણે ઊલ્ટી થાય તો ગળોના ૧૦-૧૫ ગ્રામ રસમાં ૪-૬ જેટલી સાકર મેળવી સવાર-સાંજ પીવાથી ઉલ્ટી મટી જાય છે. ૧૨૫ મિ.લી.થી ૨૫૦ મિ.લિ. ગળોમાં ૧૫ થી ૩૦ ગ્રામ જેટલું મધ મેળવી દિવસમાં ત્રણવાર સેવન કરવાથી કષ્ટદાયક ઊલ્ટી પણ બંધ થઈ જાય છે.
ગળોને પાણીમાં ઘસી હૂંફાળું કરી બે-બે ટીપાં બે વાર કાનમાં નાંખવાથી કાનનો મેલ નીકળી જાય છે. સૂંઠ, મોથા, અતીસ, ગળો આ બધાને સરખા પ્રમાણમાં લઈ પાણીમાં કાઢો બનાવો. ૨૦-૩૦ ગ્રામ જેટલો કાઢો સવાર-સાંજ પીવાથી મન્દાગ્નિ, સતત કબજિયાત રહેવી, મરડો જેવા રોગ નાશ પામે છે.
ગળો માં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર ફેંકવાનું કામ કરે છે ઉપરાંત માનસિક તણાવ ઓછો કરે છે. ડાયાબિટીસ બ્લડપ્રેશર તથા ટીબી જેવા રોગમાં પણ ગળો રાહતરૂપ છે. જોકે ગળો નો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સક ની દેખરેખ હેઠળ કરવો વધુ હિતાવહ છે.
ગળોના ૧૦-૨૦ ગ્રામ કાઢામાં ૨ ચમચી મધ મેળવી પીવાથી બધા જ પ્રકારની શરદીમાં લાભ થાય છે. ગળો અને સૂંઠના ચૂર્ણ ને સૂંઘવાથી હેડકી બંધ થઈ જાય છે અથવા ગળો અને સૂંઠ ચૂર્ણનો કાઢો બનાવી તેમાં દૂધ ભેળવી પીવાથી પણ લાભ થાય છે.
આંખ, છાતી, હાથ-પગનાં તળિયાં માં થતી બળતરા, પેશાબમાં થતી બળતરા તથા એસીડીટીથી થતી બળતરામાં ગળો, ગોખરું અને આમળાનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને તૈયાર કરેલું ચૂર્ણ સવાર-સાંજ એક એક ચમચી લેવાથી આ તમામ સમસ્યામાંથી રાહત મળે છે.
ગળો ના ૨૦-૩૦ ગ્રામ ક્વાથમાં ૨ ચમચી મધ મેળવી દિવસમાં ત્રણ ચાર વાર પિવડાવવાથી કમળાનો રોગ મટી જાય છે. ગળોના ૧૦-૨૦ પાંદડાને વાટી એક ગ્લાસમાં છાશ મેળવી ગાળી પ્રાતઃકાળે પીવાથી કમળાનો રોગ મટી જાય છે. ગળોના નાના નાના કટકાની માળા બનાવી પહેરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
ગળોનું ચૂર્ણ ઘી સાથે લેવાથી વાયુના રોગમાં રાહત મળે છે. ગોળ સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે. સાકર સાથે લેવાથી પિત્તના રોગોનું શમન થાય છે. મધ સાથે લેવાથી કફ દૂર થાય છે. દિવેલ સાથે લેવાથી ગાઉટ નામનો રોગ પણ દૂર થાય છે અને ગળો સૂંઠ સાથે લેવાથી રૂમેટોઈડ આર્થરાઈટીસ માં પણ રાહત મેળવી શકાય છે.
પુનર્નવા, લીમડાની છાલ, પટોલપત્ર, સૂંઠ, કટુકી, ગળો, દારૂહળદર હરડને મેળવી (૨૦ ગ્રામ જેટલું) ૩૨૦ ગ્રામ પાણીમાં કાઢો બનાવો. ૮૦ ગ્રામ પાણી બચે ત્યારે તેમાંથી ૨૦ મિ.લી. જેટલું સવાર-સાંજ પીવાથી બધા જ પ્રકાર ના સોજા, ઉદર રોગ, પીઠ દર્દ, શ્વાસ તથા પાંડુ રોગ નાશ પામે છે.
સ્તનપાન કરાવનાર માતાએ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખે ભાગે લઈ તેનો અધકચરો ભૂકો કરી તેનો ઉકાળો કરીને સવાર-સાંજ પીવો જોઈએ. જેનાથી ત્રણ-ચાર દિવસમાં ધાવણ શુદ્ધ થશે અને બાળક સ્વસ્થ થશે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હળવો ખોરાક લેવો જોઈએ.
૧ કિલો ગળોનો રસ, કાંડ કલ્ક-૨૫૦ ગ્રામ, ૪ કિલો દૂધ અને એક કિલો ભેંસનું ઘી લઈ ધીમા તાપે પકવી જયારે ફક્ત ઘી બચે ત્યારપછી ગાળી લો, ૧૦ ગ્રામ ઘી ચાર ગણા ગાયના દૂધમાં મેળવી સવાર-સાંજ પીવાથી પાંડુ, કમળો અને હલીમક રોગ મટે છે.