શ્રેષ્ઠ પૌષ્ટિક ગણાતાં ફાલસાં ઉનાળાની ગરમ મોસમ માટે પરમ હિતકારી છે. ફાલસાનાં ઝાડ આશરે વીસથી ત્રીસ ફૂટ ઊંચાં થાય છે. તેનાં પાન ગોળ, ધારવાળાં, સૂક્ષ્મ રૂવાંટીવાળાં અને બીલીના પાનની જેમ ત્રણ-ત્રણનાં ઝૂમખાંમાં હોય છે. તેનાં ફૂલ પીળાશપડતા રંગનાં અને નાનાં હોય છે.
તેનાં ફળ પીપળના ફળ જેવાં, બોર જેવડાં અને ગોળ હોય છે તથા બબ્બે-ત્રણત્રણ સાથે આવે છે. તેના ફળને ફાલસાં કહે છે. ફાલસાં કાચાં હોય ત્યારે લીલા રંગનાં અને ખાટાં તથા પાકે ત્યારે જાંબુડિયા રંગનાં કે રીંગણ જેવા રંગનાં અને ખાટામીઠાં થય જાય છે. પાકાં ફાલસા ખવાય છે અને તે ખૂબ મીઠાં અને સ્વાદિષ્ટ લાગે છે. ગરમીના દિવસોમાં તેનું શરબત બનાવીને પીવાય છે. ભારતમાં એ સર્વત્ર થાય છે પરંતુ ઉત્તર ભારતમાં એ વધારે પ્રમાણમાં થાય છે.
ફાલસાનાં ઝાડને બગીચાઓમાં પણ વવાય છે. ઘણા પ્રાચીન કાળથી આયુર્વેદમાં ફાલસાનો ઉપયોગ થતો આવ્યો છે. ઉનાળાના તાપની શરૂઆતમાં જ ફાલસ બજારમાં આવવા માંડે છે. ઉનાળાની ગરમઋતુમાં બાળક થી લઈ ને વૃધ્ધ સૌને માટે ફાલસાનું સેવન હિતકારી છે. ફાલસાં શરીરને નીરોગી અને હૃષ્ટપુષ્ટ બનાવે છે. નાનાં બાળકોનો તો એ પ્રિય નાસ્તો છે.
ફાલસામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી જેવા પોષક તત્વ શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરા કરે છે. અને તેની સાથે ફ્લોરીક એસિડ નામનું તત્વ પણ હોય છે. જેનાથી લોહીની કમી દૂર થાય છે અને એ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
વિટામીન સી અને ખનિજ તત્વોથી ભરપૂર ફાલસાના સેવનથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કંન્ટ્રોલમાં રહે છે. ફાલસાનું સેવન ગરમીમાં થનારા નાના-નાના ફોડકા અને ગુમડા ને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે આ ફળના ઝાડની છાલ પણ ગરમીના કારણે થતી અળાયુ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
ફાલસાના સેવન શ્વાસને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. ફાલસાનું સેવન કફ, હેડકી ને લગતી કોઈપણ પ્રકારની બીમારી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટેઆ ફળ ના ગરમ રસની અંદર થોડું આદુ અને સિંધવ મીઠું ઉમેરી પીવું. આમ કરવાથી શ્વાસને લગતી દરેક સમસ્યામાં રાહત મળે છે.
પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા રામબાણ ઈલાજ છે. પેટના દર્દના ઈલાજ માટે સેકેલા 3 ગ્રામ અજમાને 25 થી 30 ગ્રામ ફાલસાના રસને નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ મળશે. ફાલસામાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે આ હાડકાંને મજબૂત કરવામાં ઘણું લાભદાયી છે.
ફાલસા ના સેવનથી હાડકાંને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે અને આ સાથે જ આ હાડકાંના ઘનત્વને પણ વધારે છે. ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે આ ફળનું સેવન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ ફળનું સેવન કરવાના કારણે વ્યક્તિઓને ઉનાળામાં જ્યારે લુ લાગવાના કારણે કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો તેમાંથી પણ છુટકારો અપાવવામાં તે મદદરૂપ સાબિત થાય છે.
ફાલસા માં એન્ટીઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોવાથી તે બીમારીઓથી બચાવે છે. આ ફળમાં આયરનનુ પ્રમાણ વધુ હોવાથી તે હિમોગ્લોબીન વધારે છે અને એનિમિયાથી બચાવે છે. તે કેન્સર સામે લાડવામાં મદદ રૂપ થાય છે. તેનુ સરબત પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. પર્યાપ્ત પ્રમાણમાં તેનું સેવન એનીમિયાની સારવારમાં મદદ કરી શકે છે. શરદી, ખાંસી અને ગળામાં ખરાશ થતી હોય તેવા લોકોને પણ ફાલસાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
પાંચસો ગ્રામ પાકાં ફાલસા લઈ તેને અડધા લિટર પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળી રાખી પછી મસળીને કપડાથી ગાળી લેવા, પછી તેમાં પાંચસો ગ્રામ ખાંડ નાખી ઉકાળીને શરબત બનાવી શીશીમાં ભરી લેવું, આ શરબતમાં જરૂર પ્રમાણે પાણી મેળવી ઉનાળામાં (ગરમીની ઋતુમાં) પીવાથી ખૂબ ઠંડક આપે છે, રુચિ ઉત્પન્ન કરે છે અને લૂ મટાડે છે. આ શરબત ઉત્તમ ટૉનિક પણ છે.
શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય તો તેના માટે ફાલસાના ફળ માંથી બનેલું સરબત પીવાના કારણે શરીરમાં થતી બળતરા દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાકેલા ફળને સાકર સાથે ખાવાથી પણ શરીર ની અંદર થતી કોઈપણ પ્રકારની બળતરામાં રાહત મળે છે. ફાલસા સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં ઉપયોગી છે. આ ફળનાં સેવનથી સંધિવાની સારવારમાં મદદ મળે છે. એટલા માટે જો સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઇચ્છો છો તો આ ફળનો ઉપયોગ કરી શકો છો.