આવળ ની ત્રણ જાત હોય છે તેમાં ધોળા આવળ, મીંઢી આવળ અથવા સોના મુખી અને ત્રીજી ભોંય આવળ છે. આવળના છોડ ત્રણથી આઠ ફૂટ ઊંચા થાય છે. એનાં ફૂલ પીળાં થાય છે. તેને પાંચ પાંખડી હોય છે. તે કુંવાડિયાને મળતા આવે છે. ફૂલના પડદા ત્રણ ચાર ઇંચ લાંબા તથા છ થી નવ જેટલાં બીજવાળાં હોય છે.
તે ગરમાળાને મળતા આવે છે. નાના તથા ઘેરા તપકીરિયા રંગનાં હોય છે. તેની છાલ નાના કટકા માં મળી આવે છે. તે તજ જેવા હોય છે. તે ત્રણ ચાર ઇંચ, લાંબી હોય છે. તેની અંદરની બાજુ સહેજ લાલાશ પડતી હોય છે. તેની ઉપલી સપાટી ખરબચડી હોય છે. છાલ જલદીથી ભાંગી જાય તેવી હોય છે. તે સ્વાદે તૂરી તથા ગળચટ્ટી હોય છે. એનાં પાન આમલીનાં પાનની જેમ સામસામે હોય છે ગુલમહોર ને મળતા આવે છે.
એનાં પાન સૂકાય ત્યારે ઘેરા તપકીરિયા રંગનાં જોવામાં આવે છે. ત્રણે જાતના આવળમાં એનાં પાન કદમાં નાનાં મોટાં હોય છે. ભોંય આવળનાં ફૂલ સફેદ હોય છે.આવળ ગ્રાહી છે, શીતળ તથા કૃમિઘ્ન છે. તે આંખને હિતકારક છે. મુખ રોગ મટાડનાર છે. ગામડાંના લોકો દવા તરીકે એનો ઘણો ઉપયોગ કરે છે.
આવળના પાન ને બાફી તેની પોટલી બાંધવાથી મુંઢ માર કે સોજા પર બાંધવાથી સોજો મટે છે. અને એનાથી પીડા જલદી થી મટે છે. આવળના પાન કોઢ, ખરજ, કૃમિ, ગૂમડાં, શૂળ, અર્શ, પિત્ત, રક્ત વિકાર, ઉદર વિકાર તથા દાહ મટાડે છે. એનાથી તરસ પણ મટે છે. એનાં ફૂલ પ્રમેહના તથા કૂણી સીંગ કૃમિ મટાડવા માટે વપરાય છે.
એનાં ફૂલ ૧૦ ગ્રામ ગાયના દૂધમાં સાકર સાથે ભેળવીને આપતા સગર્ભા સ્ત્રીની ઊલટીમાં રાહત થાય છે. સૂકા આવળનાં ફૂલ તથા કૂણી સીંગો, આંબાનાં કૂણાં પાંદડાંનું ચૂર્ણ, જાંબુડા નો ઠળિયો તથા નિર્મળી સાથેનું ચૂર્ણ લોહી વાળો ઝાડા બંધ કરવા માટે વપરાય છે. તેનું મૂળ ધાતુ ના રોગ ને ટાળે છે. એનાં પાન ધમાસા સાથે મેળવી કોગળા કરવાથી આવી ગયેલું મોઢું મટે છે. તેના કૂણાં પાન મોઢામાં રાખવાથી મોં માં થયેલી ગરમી મટે છે. ઘણા લોકો આવળનો દાતણ તરીકે ઉપયોગ કરે છે.
આવળ નાં બીજ, ગરમાળાના બીજ, કુવાડિયાના બીજ, વજ, તેલીઓ દેવદાર, કુંવારનો ગર્ભ, ચણાનો ખાર એ બધી વસ્તુઓ સરખે ભાગે લઈ તેની સોગઠી બનાવી રાખી તેને છાંયડે સૂકવી લેવી. આ સોગઠીને સરસવના તેલમાં ઘસી દાદર ઉપર ખૂબ મસળવાથી ચામડી નરમ અને સાફ થઈ જાય છે. જૂના મરડા ના દર્દીને આવળ ની છાલ નો કાઢો બનાવીને આપવાથી મરડો મટે છે. જીર્ણજ્વર માં તેનાં પાન નો કવાથ અપાય છે. એનાં પાન ની પોટલી ગડગૂમડાંનો સોજો તથા પીડા મટાડે છે
આવળનાં પાનમાં હળદર અને મેંદા લાકડી તથા આંબા હળદર મેળવીને મૂઢ માર પર લગાવી શકાય. શરીર પછડાટ કે વાથી ઝલાઈ જાય ત્યારે પલંગ પર આવળના પાન પાથરી ઉપર કપડું ઢાંકી તેના ઉપર દર્દીને સુવાડવો. ત્યારબાદ નીચે તાપ કરવાથી સારો લાભ થાય છે. આવળનાં મૂળની છાલ નો કવાથ બનાવવામાં આવે છે તેના ઉપયોગથી વધરાવળ માં પણ ઘણી રાહત થાય છે. પેટમાં દુખાવો થતો હોય ત્યારે પણ આવળના પાન બાંધીને શેક કરવામાં આવે છે.
પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવા થી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. આવળના ફૂલ ને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.
રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને આવળ સરખે ભાગે લઈ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે. શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે. સોનામુખીના પાન તથા શિંગોનો ઉપયોગ રેચક તરીકે જુલાબની દવા માં થાય છે. આવળ નાં પાંદડાં રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળીને ગોળ નાંખી પીવાના ઉપયોગમાં લેવાય છે.