સાધારણ રીતે આપણે એવું માનીએ છીએ કે આંખ તો હંમેશા તંદુરસ્ત જ હોય છે. વધારેમાં વધારે તો આંખને શું થાય? ચશ્માના નંબર આવે અથવા મોટી ઉંમરે મોતિયો આવે પણ આ માન્યતા ખૂબ જ ભૂલભરેલી છે. આંખની તપાસ દ્વારા આપણને ઘણી બીમારીઓ વિશે જાણવા મળે છે.
આંખની રેગ્યુલર તપાસ કરાવવાથી તમે જીવલેણ બીમારીથી બચી પણ શકો છો.ત્રીસી વટાવ્યા પછી દર વર્ષે એક વખત આંખના ડોક્ટર પાસે જઈને આંખની તપાસ કરાવવી જરૂરી છે. તમારી આંખો માં થતી ઘણી બીમારી ઑ નું વર્ણન નીચે કર્યું છે.
ડાયાબિટિસ (મધુપ્રમેહ):
અચાનક તમારા ચશ્માના નંબરમાં ફેરફાર થાય તો તે ડાયાબિટિસની નિશાની હોઈ શકે છે. આંખની લેન્સમાં ગ્લુકોઝ આવતા તેનો આકાર બદલાઈ જાય છે અને જોવામાં તકલીફ પડે છે. તેથી આંખમાં ઝાંખપ આવે છે. એક વખત લોહીમાં સાકરનું પ્રમાણ નિયંત્રીત થઈ જાય ત્યારબાદ આંખોની વિસ્તૃત તપાસ કરવી જોઈએ.
આંખમાં ડાયાબિટિસને કારણે ડાયાબિટિસ રેટીનોપેથી પણ થઈ શકે છે. જેના કારણે રેટીનામાં રહેલી સુક્ષ્મ રક્તનળીઓ નબળી બને છે. લોહી ગંઠાઈ જાય છે. અને હેમરેજ પણ થઈ શકે છે. ઓપથાલમોસ્કોપથી આંખની તપાસ કરતાં રેટીના ઉપર સફેદ થર અથવા લોહી દેખાય છે. ટાઇપ-ર ડાયાબિટિસના કોઈ લક્ષણો હોતા નથી એટલે આના ગંભીર લક્ષણો રોકવા જલ્દી પરીક્ષણ થવું જરૂરી છે.
આંખમાં ગાંઠ:
રેટીના અને આંખની વચ્ચેના ભાગોમાં ગાંઠ જેવું થાય છે જે કેન્સરની પણ હોઈ શકે છે. ઓપ્થાલમોસ્કોપ દ્વારા તે ગાંઠ મોટી દેખાય છે. અન તેથી રેટીનાનું સ્તર થોડું ઊચું થઈ જાય છે. આ ગાંઠ ઝડપથી પ્રસરે છે અને મગજની આંખની નસ સુધી પહોંચે છે. આંખમાં આ પ્રકારની ગાંઠ હોવાની જાણ જલ્દી થતી નથી અન તેથી તેનો ઈલાજ પણ થઈ શક્તો નથી. સંશોધકો કહે છે કે તડકામાં ફરવાથી આંખમાં સૂર્યનો વધુ પડતો પ્રકાશ જતાં આ પ્રકારની તકલીફ થાય છે.
હાયપર ટેન્શન:
મોટાભાગના પુખ્તોને ઉચ્ચ રક્તચાપની તકલીફ થાય છે. અને જો તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થાય છે. અથવા પક્ષાઘાતનો હુમલો આવે છે. ઉચ્ચ રક્તચાપને કારણે આંખની રક્તનળીઓ આડીઅવળી થઈ જાય છે ધમની કડક થઈ જાય અને તેથી તેની નીચે રહેલી રક્ત નળીઓ દબાય છે. વધારે પડતા ઊંચા રક્તચાપથી રક્તનળીઓ ફાટી જાય છે. અને હેમરેજ થાય છે. નિષ્ણાંતોના મતે 30 વર્ષ પછી કોઈપણ વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર થઈ શકે છે.
પક્ષઘાત:
મગજની ધમનીમાંથી લોહી નીકળે અથવા ગંઠાઈ જાય તો પક્ષાઘાતનો હુમલો આવી શકે છે. એની જાણકારી આંખની તપાસ દ્વારા મળી શકે છે. અચાનક એક કે બંને આંખમાં જોવામાં તકલીફ થાય તે પક્ષાઘાતનો હુમલો આવવાના આગોતરા લક્ષણ હોઈ શકે છે. પરીક્ષણ દ્વારા આંખની નસોને કેટલું નુકશાન થયું તે જાણવા મળશે.
મલ્ટીપલ સીલરોસીસ:
જોવાની ખામી ઉત્પન્ન થવાનું એક કારણ મલ્ટીપલ સીલરોસીસ પણ હોઈ શકે છે. આમાં ક્યારેક ઝાંખુ દેખાય અથવા દેખાવાનું જ બંધ થઈ જાય છે. આંખની તપાસ કરતી વખતે ફીલ્ડ વીઝન એનેલીસીસ દ્વારા મલ્ટીપલ સીલરોસીસની જાણ થાય છે. આંખની નસોમાં બળતરા થાય તથા કેળાના આકારનું સ્કુટુમાં કીકીની નીચે થાય જે મલ્ટીપલ સીલરોસીસ જેવું જ હોય છે.
કોલેસ્ટ્રોલનું ઊંચુ પ્રમાણ:
આનાથી ધમનીમાં લોહી ગંઠાઈ જાય છે અને હૃદયરોગ થવાની શક્યતા રહે છે. કોર્નિયાની આસપાસ સફેદ રીંગ બની જાય છે. રેટીનામાં આવેલી રક્તનળીમાં કોલસ્ટ્રોલ જેવી ડીસ્ક બની જાય છે. જે ઓપ્ટોમેટ્રીસ્ટને દેખાય છે.
મગજમાં ગાંઠ:
ઝાંખુ અથવા બધુ બે-બે દેખાય તો મગજમાં ગાંઠ હોઈ શકે છે. હુમલાની ગંભીરતા, માથાનો દુખાવો, ઉલ્ટી વગેરે બધુ જ ગાંઠના પ્રકાર ઉપર અવલંબે છે. કફોત્પાદક ગ્રંથિ આંખની નસોની બાજુમાં આવેલી હોવાથી ત્યાં મગજની ગાંઠ હોય તો તરત જ ખબર પડી જાય છે. કોઈપણ પ્રકારનો સોજો અથવા ગાંઠ ને કારણે આંખની નસ પર દબાણ આવે છ અને ત્યાં ખામી ઉત્પન્ન થાય છે.
લીવરમાં ખરાબી:
પીળાશ પડતા સફેદ રંગની આંખ કમળાની નિશાની છે. તેમાં રક્તની અંદર પિત્ત જમા થાય છે. ગંભીર પ્રકારના કમળામાં હીપેટાઈટીસ જેવી લીવરની ગંભીર બીમારી થાય છે. તે ઉપરાંત પથરી અને કેન્સર પણ થઈ શકે છે.
થાઈરોઈડ ગ્રંથિ:
આપણા ગળામાં પતંગિયા આકારની થાઈરોડ ગ્રંથિ હોય છે જે શારિરીક બંધારણ અને વિકાસ ઉપર નિયંત્રણ કરે છે. જો આ ગ્રંથિ ઝડપથી કાર્ય કરવા લાગે તો વજન ઘટે છે, ખૂબ પરસેવો થાય અને ચોક્કસ સમયે તેનાથી હૃદયરોગ થવાની શક્યતા પણ રહે છે.
આનાથી આંખની કીકી તથા દ્રષ્ટિને તકલીફ તથા આંખની પાંપણ બંધ કરવામાં પણ તકલીફ પડે છે. આંખની કીકી પણ બહાર આવી જાય છે. વધારે પડતી તકલીફથી આંખ ખુલ્લી જ રહે છે. અને સતત કોઈની સામે જોયા કરતા હોઈએ તેવું લાગે છે. હંમેશા યોગ્ય સમયે આંખની તપાસ કરાવી ચેતતા રહેવું હિતાવહ છે.