ઑલિવ ઑઇલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સૂકાઇ પછી પાણીમાં ગુલાબ જળ નાંખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઇ જશે. એક ચમચી ઘંઉના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગળવાથી ચામડી મુલાયમ થાય છે.
ચામડીના રોગ
વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે. જે જગ્યાએ ત્વચા વિકાગસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દિવેલ દરરોજ દિવસમાં ત્રણ વખત ઘસતાં રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઇ અને સોરાયસિસ કે એકઝીમાં જેવાં રોગો પણ દિવેલના વ્યવસ્થિત પ્રયોગથી કાબૂમાં આવી જાય છે.
ત્વચા સંબંધિ રોગમાં ગાજરનો રસ દૂધમાં મેળવી લેવો. ગાજરના રસ અને દૂધનું પ્રમાણ અવસ્થા ત્થા તકલીફના પ્રકાર પર આધાર રાખે છે. ખંજવાળ, દરાજ, અળાઇ, એલર્જી, સોરાયસીઝ જેવાં દારૂણ રોગોમાં પણ કોબીજના પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મૂકો કે પાટો બાંધી રાખો તો એ અચુક મટી જાય છે. કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડીના રોગો નાશ પામે છે.
રોજ સવારે 20-20 ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી 4-5 માસ પીવાથી દાહ-ખંજવાળ અને ફોલ્લી જેવાં ચામડીના રોગો મટે છે. તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વિકારો મટે છે. નારંગી ખાવાથી ચામડીના દર્દો દૂર થાય છે. કારેલીના પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે.
તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમળાનાં પંચાગ અધકચરા ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને પીવું. ખાડી ચીજો (લીંબુ, આમલી, ટાંમેટાં વગેરે) બંધ કરવી. તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ શીશીમાં સંધરી રાખવું. ત્વચા રોગમાં દરરોજ ચારેક કલાક ને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નિયમિત એકાદ મહિનાનો કરવો જોઇએ. એની કશીજ આડ અસરો નથી.
કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારૂ હોવાથી કોઇપણ પ્રકારના ત્વચા રોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલ્દી મટી જાય છે. દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઇ જેવાં ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલિશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.
ત્વચારોગમાં ખાંડ-ગોળ, ધબીજ જાતના ફળ, ઠંડાપીણા, ઠંડી વાનગી, સાબુ અને સિન્થેટીક કાપડ, તલ, સીંગદાણા, દહીં, ભીંડા, સકરીયા વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલક, તુવેરની દાળ, હળદર ઘણા સારાં જે દરરોજ લઇ શકાય.
ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલા લાલ ચકામા પર સવાર-સાંજ નિયમિત ચોપડવાથી લાલ ચકામા મટે છે. ગરમીમાં અળાઇ, ખંજવાળ કે ચામડી લાલ થઇ જવા જેવાં ત્વચા રોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હૂંફાળો કે ઠંડો 1-1 કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે. તલનું તેલ બરાબર ગરમ કરી તેમાં 1/6 ભાગ વજન જેટલું કપુરનું ચૂર્ણ નાખી માલિશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુ:ખતા ભાગ પર કે શરીર જકડાઇ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.
શુષ્ક ચામડી
લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે. સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે. બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે.
1 ડોલ ગરમ કે ઠંડા પાણીમાં 1 લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે. ચામડી પર ડાઘ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દિવસમાં પરું, કૃમિ કિટાણું વગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.
ચામડીની ફોડલીઓ
સવાર-સાંજ પાકા ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી નાની નાની ફોડલીઓ મટે છે. અળાઇ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ઘોઇ નાખવાથી ફાયદો થાય છે. દૂધ કે દૂધમાંથી બનાલેવું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે. તેલ માલિશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે.
ચામડીનું સૌંદર્ય
તલના તેલમાં ઘઉંનો લોટ અને હળદર મેળવી લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે અને ચામડી મલાયમ બને છે. ચામડી તેલવીળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મિનિટ રાથી હંફાળા પાણીથી ઘોઇ નાખવાથી વધારાનું તેલ દૂર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે.
ચહેરા પર ફિક્કાશ હોય તો તલના તેલમાં ચણાનો લોટ મેળવી લગાડી સ્નાન કરવાથી ચહેરા પર એકદમ રોનક આવી જાય છે. તાજા દૂધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નિખાર આવે છે. મધમાં લીંબુનો રસ ભેળવી ચામડી પર લગાવવાથી ચામડીનો રંગ એકદમ ખીલી ઉઠે છે.