સવારે ઊઠીને બ્રશ કરી નહાઈ-ધોઈને તૈયાર થઈએ એ શરીરને સ્વચ્છ કરવાની પ્રાથમિક બાબતો છે. જોકે આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટેની રોજિંદી દિનચર્યામાં ગંડૂષની પ્રક્રિયાનો પણ સમાવેશ થયો છે જે આજે લગભગ સાવ જ ભુલાઈ ગઈ છે.
ગંડૂષ એટલે મોંમાં તેલ ભરીને એને સ્વચ્છ કરવાની પ્રક્રિયા. જાતજાતની ટૂથપેસ્ટોની હરીફાઈમાં આપણી સેંકડો સદીઓ જૂની પ્રમાણભૂત એવી આ પ્રક્રિયાનું મહત્વ ભૂંસાતું ચાલ્યું છે.
ગંડૂષને વધુ પ્રાધાન્ય નથી મળ્યું એનું કારણ કદાચ લોકો એને દાંત સાફ રાખવાની અને મજબૂત રાખવાની ક્રિયા સુધી જ સીમિત માની રહ્યા છે. મોંમાં તેલ ભરવાની પ્રક્રિયા દાંતના સ્વાસ્થ્ય સાથે જરૂર સંકળાયેલી છે, પણ દાંતની સ્વચ્છતા આપણા શરીરના વાઇટલ અવયવોને પણ અસર કરે છે.
અંગ્રેજીમાં આ ક્રિયાને ઑઇલ પુલિંગ થેરપી નામ આપવામાં આવ્યું છે. આ થેરપીએ પશ્ચિમના યંગસ્ટર્સને સારાએવા આકર્ષ્યા પણ છે. કમનસીબી એ છે કે ભારતમાં જન્મેલા શાસ્ત્રને પશ્ચિમના દેશો સારું માને એ પછી જ આપણને આપણા શાસ્ત્રની કિંમત સમજાય છે.
સાદી ભાષામાં સમજીએ તો ગંડૂષ એટલે તેલના કોગળા કરવા. જોકે કોગળા કરવાની પણ ખાસ પદ્ધતિ છે. રોજ વહેલી સવારે નરણા કોઠે કંઈ પણ ખાધા પહેલાં આ પ્રક્રિયા કરવાની હોય છે.
કોગળા કરીને થૂંકીને મોં સાફ કર્યા પછી એક મોટી ચમચી ભરીને તલનું તેલ મોંમાં લેવાનું અને ભરી રાખવાનું. ગલોફાં, જીભ, જડબું આમ-તેમ ફેરવીને આ તેલ મોંના ખૂણેખૂણામાં પહોંચાડવું. એમ કરવાથી થોડી જ વારમાં મોંમાં પેદા થતી લાળ પણ એમાં ભળવાનું શરૂ થશે.
મોંમાં પ્રવાહીનું વૉલ્યુમ વધી રહ્યું હોવાનું પણ ફીલ થશે. એ છતાં પંદર મિનિટ સુધી આ તેલ ભરી રાખવું અને આમતેમ ફેરવ્યા રાખવું. તેલ પેઢાંની ત્વચામાં ઊંડે ઊતરીને લાળ વાટે મોંમાં ટૉક્સિન્સ અને હાર્મફુલ બૅક્ટેરિયા એકત્ર કરે છે.
જેમ-જેમ સમય જશે એમ-એમ તેલ પાતળું પડીને સફેદ રંગનું થવા લાગશે. આ દ્રાવણ ગળી જવાનું નથી પણ પંદરેક મિનિટ પછી થૂંકી દેવાનું છે. થૂંકતી વખતે જો ઑઇલ નૉર્મલ રંગ જેવું જ રહે તો તમે સમય કરતાં વહેલું તેલ થૂંકી નાખ્યું છે એમ સમજવું. આ દ્રાવણ ચીકણું, સફેદ-પીળા રંગના ટૉક્સિન્સવાળી લાળ સાથેનું હોય તો ગંડૂષની પ્રક્રિયા બરાબર થઈ છે એમ સમજવું.
આઇડિયલી ૧૫થી ૨૦ મિનિટ સુધી તેલ મોંમાં રાખવાથી ટૉક્સિન્સ એકત્ર થઈને લાળમાં આવી જાય છે. એનાથી વધુ સમય તેલ મોંમાં રાખવાથી ટૉક્સિન્સ ફરી પાછાં ત્વચામાં શોષાઈ જવાની શક્યતાઓ રહે છે.
તેલ થૂંકી નાખ્યા પછી સાદા ચોખ્ખા પાણીના કોગળા કરી લેવા અને આંગળી ફેરવીને પેઢાં પર થોડોક મસાજ કરી લેવો. તેલ થૂંક્યા પછી સિન્ક પણ ચીકણી થઈ જતી હોય છે એને ઍન્ટિ-બૅક્ટેરિયલ ક્લીનરથી સાફ કરી લેવી જોઈએ.
ગંડૂષ કર્યા પછી થૂંકેલા તેલમાં આપણા શરીરને હાર્મફુલ એવા બૅક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. મૉડર્ન સાયન્સે જ્યારે ઑઇલ પુલિંગ થેરપી પર પ્રયોગ કયોર્ ત્યારે થૂંકેલા તેલના એક બુંદને માઇક્રોસ્કોપમાં તપાસ્યું તો એમાં નૉર્મલ થૂંક કરતાં અનેકગણા વધુ જીવાણુઓ જોવા મળ્યા હતા.
પશ્ચિમના કેટલાક ફિઝિશ્યનોનો તો દાવો છે કે ઑઇલ પુલિંગ થેરપીથી આર્થ્રાઇટિસ, માઇગ્રેન, બ્રૉન્કાઇટિસ, ક્રૉનિક બ્લડ ડિસઑર્ડર્સ, ટૉન્સિલ્સ, કિડની ડિસીઝ, હાર્ટ-ડિસીઝ, ન્યુરો ફિઝિયોલૉજિકલ પૅરૅલિસિસ, એક્ઝીમા જેવી સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.
દાંત કુદરતી રીતે ચોખ્ખા, મજબૂત, સફેદ થાય છે.શ્વાસની દુર્ગંધ, પાયોરિયા, દાંતનું હલવું, ઢીલા પડવા જેવી સમસ્યાઓ થતી અટકે છે.પેઢાં મજબૂત થાય છે અને અંદર કોઈ પણ પ્રકારનો સડો થતો હોય તો અટકે છે. લાંબો સમય કરવાથી સડો થયો હોય તો એ પણ સુધરે છે.
પાચન સુધરે છે, પેટનું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટે છે.મોંમાંના હાનિકારક બૅક્ટેરિયા ફેફસાં અને હાર્ટને નુકસાન કરે છે, પણ ગંડૂષથી એની શક્યતાઓ ઘટી જાય છે.નાક, કાન અને મોંના કોઈ પણ રોગમાં ફાયદો થાય છે.
સામાન્ય રીતે લોકો કોગળા મુખને સ્વચ્છ રાખવા માટે કરતા હોય છે. જોકે શરદીથી તેમજ ગળું સાફ કરવા માટે મીઠાના પાણીના કોગળા કરવા સામાન્ય છે. કોપરેલ તેમજ તલના તેલના કોગળા કરવાથી પણ ચોક્કસ તકલીફોથી રાહત મળે છે.
આયુર્વેદમાં કોપરેલ અને તલના તેલના કોગળાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેનાથી કોગળા કરવાથી દાંત સ્વચ્છ થાય છે. પેઢાને લગતી તકલીફથી રાહત થાય છે. તે એલર્જી દૂર કરવામાં પણ કારગર છે. હાઇબ્લડપ્રેશર, માઇગ્રેન અને ઇનસોમ્નિયામાં પણ આ કોગળા ફાયદાકારક છે.
દાંતો માં દર્દ અથવા પછી પેઢામાં સોજા માટે લવિંગ ના તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ તેલથી આ સમસ્યા દુર થઇ જાય છે. જો બ્રશ કરતી વખતે તમને પેઢામાંથી લોહી નીકળવા લાગે તો રૂ ને લવિંગ ના તેલ માં ડુબાડીને એ જગ્યા પર લગાવવું, એવું કરીને પછી તમારે અમુક મિનીટ પછી હુફાળા પાણીથી મોં ધોઈ લેવું એટલે કે કોગળા કરી લેવા. એનાથી તમારી સમસ્યા દુર થઇ જશે.
પાણીમાં ચંદનના તેલના થોડા ટીપા નાંખીને કોગળા કરશો તો તે કફ અને ગળાના દુઃખાવાની સમસ્યામાં લાભકારક પુરવાર થશે.