પુષ્કરમૂળ મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે. તેને ઘણાં લોકો પોખરમૂળ પણ કહે છે. કાશ્મીરના લોકો એને પાતાળ પદ્મિની કહે છે. કુમાઉન પ્રદેશમાં એને નિલાકમલ કહે છે. પુષ્કર મૂળ હંમેશાં એક ઝાડની બામાં બીજું ઝાડ ઊગ્યું હોય એમ ઊગે છે. પુષ્કરમૂળ ની જડને ઘણા રેસા હોય છે જે રંગે કાળા હોય છે.
આ ઔષધ આસાનીથી મળી રહે છે. એની જડ સ્વાદે કડવી તથા તીખી હોય છે. ઇરાનમાં પણ એની ખેતી થાય છે. કેટલાક લોકો પુષ્કર મૂળના બદલે કુષ્ટ વાપરવાનું જણાવે છે કારણકે એ બંને મળતાં આવે છે. પુષ્કરમૂળ માં અનેક પ્રકારના વિટામિન, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. એના સેવન થી પેટની દરેક સમસ્યા દૂર થાય છે અને બીજી તેને અનેક બીમારીનો પણ અકસીર ઈલાજ માનવામાં આવે છે. ચલો જાણીએ પુષ્કરમૂળથી થતાં અનેક ફાયદા.
પુષ્કરમૂળ ગુણમાં ઉષ્ણ, વ્રણ રોપણ, મૂત્રજનન માટે છે. મોટી માત્રામાં લેવાથી એ ઊલટી ઝાડા કરાવનાર છે. એને પાર્શ્વમૂળ મટાડનાર કેહવામાં આવે છે. આપણે ત્યાં ત્રણે દોષમાં એ વપરાય છે. કાસ, શ્વાસ, હૃદયરોગ, અર્શ, ગુલ્મ, ક્વ૨, સોજા અને શિરારોગમાં તે બીજી દવાઓ સાથે વપરાય છે.
દાંતના દુખાવા માટે પણ પુષ્કરમૂળ ઉપયોગમાં લેવાય છે. મોઢમાંથી દુર્ગંધ આવતી હોય તો સુગંધ લાવવા માટે આ મૂળ વપરાય છે. એથી દાંત મજબૂત થાય છે. માથાનાં સુગંધી તેલમાં પણ એ વપરાય છે. એનાથી તેલમાં સુગંધ આવે છે અને તેલમાં એના પોષકતત્વો પણ ભળી જાય છે. તેનાથી વાળને પોષણ મળી રહે છે.
અરુચિ, અજીર્ણ તથા યકૃતમાંથી પિત્તનો સ્રાવ બરાબર ન થતો હોય તે માટે પુષ્કરમૂળ વપરાય છે. તે ખાંસી અને પડખાનું શુળ મટાડનાર છે. સફેદ રંગ, મીઠી સુગંધ અને હલકા વજનનું આવું પુષ્કરમૂળ ખાસ કરીને અરબસ્તાનથી આવે છે. એમ કહેવાય છે કે એનું ચૂર્ણ એ હૃદયરોગનો નાશ કરવા વપરાય છે. પુષ્કરમૂળથી હેડકીનો રોગ પણ મટે છે. એનાથી જીર્ણજ્વર, વાયુ, સોજો તથા અરુચિ મટે છે.
સ્વર સુધારવા માટે પુષ્કરમૂળ મોમાં રાખી રસ ગળી જવો ઉત્તમ માનવામાં આવે છે. એનાં ગુણ તથા ઉપયોગ કુલીજને મળતા આવે છે. પુષ્કરમૂળ ખાવાની રુચિ તથા કામેચ્છા ઉત્પન કરનાર છે. તે બાદીની તથા બલગમની બીમારીઓમાં વાપરવામાં આવે છે. વળી તેનાથી સોજો ઊતરે છે. અને તે દમ મટાડે છે તથા પાંસળીનું દર્દ દૂર કરે છે. આ દર્દ માટે તેનો ઉપયોગ પીવામાં તથા લેપથી કરવામાં આવે છે.
પુષ્કરમૂળ, ખાખરાનું મૂળ, પીલુડીનું મૂળ, ભાટંડા મૂળ, ભોરીંગણીનું મૂળ, આંકડાનું મૂળ, દેવદાર સુંઠ, લીલી અરડૂસી અને લીલી ગળો એ દરેક ચીજ પાંચ પાંચ ગ્રામ લઈ તેનો રીતસરનો કવાથ બનાવવો. આ રીતે બનાવેલો કવાથ પીવાથી શ્વાસ, ઉધરસ, સોજો, વા, પાંડુરોગ, તથા હેડકી જેવા રોગ મટે છે. દિવસમાં બે વખત એનો ઉપયોગ કરી શકાય છે.
પુષ્કરમૂળ, એરંડમૂળ, જવ અને ધમાસો એ બધી ચીજો દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ તૈયાર કરી શકાય. આ રીતે બનાવેલું ચૂર્ણ લેવાથી દાહ તથા પીડા દૂર થાય છે. આ ચૂર્ણ દિવસમાં અઢીથી પાંચ ગ્રામ જેટલું ઉપયોગમાં લઈ શકાય છે. આ ચૂર્ણ શરીરની બીજી ઘણી સમસ્યા દૂર થાય છે.
કઠ અને પુષ્કર મૂળ તદ્દન જુદી જ ચીજ છે છતાં પુષ્કરમૂળને અભાવે કઠ વાપરવાનો રિવાજ છે. મુંબઈની બજારોમાં કઠ થી જુદો પુષ્કરમૂળ મળે છે. એ કાશ્મીર બાજુએથી આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. કઠ એટલે કે ઉપલેટ અને તે પુષ્કર મૂળ નથી એ વાત સાફ થયેલ છે. પુષ્કરમૂળ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.