ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળા બાળકો સ્વસ્થ બને છે. એક ચમચી પાલકની ભાજીનો રસ લઈ, મધમાં ભેળવી, રોજ પીવાથી બાળકો શક્તિશાળી બને છે.
પાકાં ટમેટાંનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. તુલસી નાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલ્દી ચાલતા શીખે છે.
વાંસના ઝાડમાંથી નીકળતા સફેદ ગર્ભને વંશલોચન કહે છે. એનો 1-1 ચમચી પાઉડર દર ચારેક કલાક ના અંતરે મધ સાથે ચટાડવાથી બાળકોની ખાંસી મટે છે. ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં ભેળવીને પિવડાવવાથી પણ બાળકોની ઉધરસ મટે છે. દાડમના રસનું ચાટણ અથવા તેના ફળની છાલ પાણીમાં ઘસી ચટાડવાથી બાળકોની ઉધરસ મટે છે.
બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી, બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે. બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી. સેવન કરાવવાથી રાહત મળે છે.
નાગરવેલના પાન પર એરંડિયું ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળક ની છાતી પર મૂકી, ગરમ કપડાં થી હળવો શેક કરવાથી બાળકની છાતીમાં ભરાયેલો કફ છૂટો પડી જાય છે. બાળકને સસણી થાય તો નાગરવેલનું પાન અને લવિંગ પાણીમાં ઉકાળી, ચોળી, ગાળીને સહેજ ટંકણખાર નાખી પિવડાવવાથી રાહત મળે છે. ગાયના મૂત્રમાં ચપટી હળદર નાખી પિવડાવવાથી પણ બાળકોની સસણી મટે છે.
ટામેટા નો એક-બે ચમચી રસ પીવડાવવા થી બાળકોને થતી દૂધની ઉલટી મટે છે. લીંબુના રસમાં મધ મેળવી ચટાડવાથી બાળકોને થતી દૂધની ઉલટી બંધ થાય છે. ગાલપચોલા માં જેઠીમઘનો શીરો સ્ત્રીના ધાવણ કે દૂધ સાથે વાટીને ગાલપચોલા પર લેપ કરવો.
છાશમાં વાવડિંગનું ચૂર્ણ ભેળવીને પાવાથી નાનાં બાળકોનાં કરમિયા મટે છે. મધમાં કાળીજીરી નું ચૂર્ણ ભેળવીને ચટાડવાથી બાળકોનાં કરમિયા મટે છે. એક ચમચી ડુંગળીનો રસ આપવાથી અન્ન ખાતાં બાળકો ના પેટના કૃમિ મરી જાય છે અને ફરી થતાં નથી. નાના બાળકને પેટમાં દુખતું હોય અને પેટ ફૂલી ગયું હોય તો અડધી ચમચી હિંગ બે-ત્રણ ટીપાં પાણીમાં નાખીને પેસ્ટ બનાવી પેટ પર લગાવવાથી પેટનો દુખાવો મટે છે.
હિંગને ગરમ કરીને પણ પેટ પર ચોપડી શકાય. તુલસીનાં પાનના રસમાં થોડી સૂંઠ મેળવીને પાવાથી બાળકોને પેટની ચૂંક મટે છે. નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવી ચટાડવાથી અપાનવાયુ ની છૂટ થઈ નાના બાળકો નો આફરો તથા અપચો મટે છે. કારેલા ના પાનના રસમાં થોડી હળદર નાખી નાના બાળકને પાવાથી બાળકનું પેટ દુખતું હોય તો તે મટી જાય છે.
એક શેર પાણીને ખૂબ ઉકાળી, તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાખી, ઠંડું થયા બાદ ગાળી લો, તેમાંથી એક ચમચી પાણી લઈને તેમાં પાંચ ટીપાં મધ ભેળવીને પાવાથી બાળક ઘસઘસાટ ઊંઘે છે. તાંદળજાનો રસ એક ચમચી નાના બાળકને પાવાથી કબજિયાત મટે છે.
બાળક સુકાતું જતું હોય, અંગ વળતું ન હોય તો આવા સૂકતાન ની અસરવાળા બાળકને જેઠીમધ નો પાવડર સીવણ ના શુષ્ક ફૂલને સમભાગે લઈ ઘી માં પકાવવું. તેમાં સાકરનો પાવડર જોઈતા પ્રમાણમાં મિક્સ કરી ભરી રાખવું. રોજ એક ચમચી ઘી બાળકને ખવડાવવું.
બાળકોનું એક ઔષધ લીંબુનો રસ 3 ચમચી, ચૂનાનું નિતારેલું પાણી 2 ચમચી, મધ 1 ચમચી અને અજમાનું બારીક ચૂર્ણ 1 ચમચી મિક્સ કરી, બાટલીમાં ભરી રાખવું. નાનાં બાળકોને એમાંથી 10 ટીપાં જેટલી દવા સવાર-સાંજ પાવાથી ધાવણ ન પચતું હોય તો આ ઔષધ હિતાવહ છે.
એનાથી બાળકોની પેટની ચૂંક, આફરો, ઊબકા, ઊલટી, ઝાડા અને વાયુના જુદાજુદા વિકારોમાં તથા સ્તનપાન કરતાં બાળકોમાં સ્તનપાન કર્યા પછી ધાવણ કાઢી નાખતાં હોય એવી બધી વિકૃતિઓમાં ઉપયોગી થાય છે. દાંત આવે ત્યારે આંખ આવી હોય તો ફુલાવેલી ફટકડી ને ગુલાબજળમાં મેળવી, આંખમાં ટીપાં નાખવાં તથા ફટકડી ના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે.
બે એલચી અને એક ચમચી ખસખસ બદામી થાય ત્યાં સુધી શેકી, વાટીને મધ અથવા વાટેલી સાકર સાથે ચટાડવાથી બાળકના ઝાડા મટે છે. બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે. તુલસીનાં પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.