ભારતમાં પ્રાચીન કાળથી મધ એક ઉત્તમ ઔષધ ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ધાયુષી બને છે. મધ મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતનાં ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેમના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડાના નાના કોષોમાં તે રસને ભરે છે.
પુષ્પરસ પહેલાં તો જળસમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ એ રસ મધમાખીઓના શરીરમાં સંચિત થવાથી ઘટ્ટ અને મીઠો થાય છે. પછીથી મધપૂડામાં વધારે ઘટ્ટ બની મધના રૂપમાં તૈયાર થાય છે. મધપૂડામાં મધમાખીઓ તેને મીણ વડે સુરક્ષિત કરી નાખે છે.
મધ ચીકણું, કંઈક પારદર્શક, આછા ભૂરા રંગનું, વજનદાર, સુગંધવાળું, અત્યંત મીઠું અને પાણીમાં સારી રીતે ઓગળી જનાર એક કુદરતી પ્રવાહી દ્રવ્ય છે. મધ એ માત્ર ઔષધ જ નથી, પરંતુ દૂધની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પણ છે. મધમાખીઓ મકાનોમાં, ઝાડ ઉપર, પહાડો ઉપર, ગમે તે સ્થળે મધપૂડા બાંધે છે. પહાડો ઉપર તો દસથી બાર ફૂટ ઊંચા અને છથી સાત ફૂટ પહોળા મધપૂડા પણ જોવા મળે છે. મધમાખીઓ તેમના ખોરાક તરીકે મધનો ઉપયોગ કરે છે. તેમને ખાતાં વધે તે મધ માનવીના હાથમાં આવે છે.
આયુર્વેદના મત અનુસાર મધ આઠ પ્રકારનું હોય છે : ૧. માક્ષિક, ૨. ભ્રામર, ૩. ક્ષૌદ્ર, ૪. પૌતિક, ૫. છાત્ર, ૬. આર્ખ, ૭. ઔદ્યાલિક અને ૮. દાલ તેમાં છ પ્રકારનું મધ મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. એ જ પ્રકારનાં મધનાં નામ તેને બનાવતી મધમાખીઓ નાં નામ પરથી જ પડયાં છે.
પીળા રંગની મોટી માખીઓએ બનાવેલું તેલ જેવા રંગનું મધ ‘માક્ષિક મધ’ કહેવાય છે. માક્ષિક મધ શ્રેષ્ઠ, નેત્રના રોગને હરનાર, હલકું અને કમળો, અર્શ, ક્ષત, શ્વાસ, ઉધરસ તથા ક્ષયને મટાડનાર છે. ભમરાઓએ બનાવેલું અને સ્ફટિકમણિ જેવું નિર્મળ મધ “ભ્રામર મધ ‘ કહેવાય છે. ભમરિયું મધ રકતપિત્તને મટાડનાર, મૂત્રમાં શીતળતા લાવનાર, ભારે, પાકમાં મધુર, રસવાહી નાડીઓને રોકનાર, વધારે ચીકણું અને ઠંડું હોય છે.
મધ જો દૂધ માં ઉંમેરી અને પીવામાં આવે તો ખુબ જ ફાયદો કરે છે. આ પીવાથી હાર્ટ, મગજ અને પેટ માં ફાયદો મળે છે. ઉનાળા માં મધ ને લીંબુ સરબત માં ઉમરી અને પીવાથી શરીર માં ઉર્જા અને ઠંડક નો અનુભવ થાય છે. રોજ મધ નું સેવન કરવામાં આવે તો શરીર એકદમ મજબૂત અને તંદુરસ્ત રહે છે. અને શરીર તાકાત વર બની રહે છે.
શરીર માં કોઈ જગ્યા એ દાજી ગયું હોય તે જગ્યા એ પણ મધ લગાવવા થી રૂઝ જલ્દી આવે છે અને રાહત થાય છે. એંટીબેક્ટેરિયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે.અ માટે મધ ને કોઈ ઘા ઉપર લગાવવા થી ફાયદો મળે છે.
પીંગળા (લાલાશ પડતા પીળા રંગની ) ઝીણી માખીઓએ બનાવેલું મધ ‘ ક્ષૌદ્ર મધ ‘ કહેવાય છે. એ મધ પીંગળા રંગવાળું, માક્ષિક મધના જેવા જ ગુણોવાળું અને ખાસ કરી પ્રમેહનો નાશ કરનારું છે. મચ્છર જેવી અત્યંત ઝીણી, કાળી અને દંશથી બહુ પીડા કરનારી માખીઓએ બનાવેલું, ઘી જેવા રંગનું મધ ‘પૌતિક મધ’ કહેવાય છે. એ મધ રુક્ષ તથા ગરમ હોઈ છે તે પિત્ત, બળતરા, લોહીવિકાર તથા વાયુ, પ્રમેહ તથા મૂત્રકૃચ્છને મટાડનાર તેમ જ ગાંઠ તથા ક્ષતનું શોષણ કરનારું છે.
પીંગળી ( પીળા રંગની ) વરટા નામની માખીઓ હિમાલયનાં વનોમાં છત્ર જેવા આકારના મધપૂડા બનાવે છે. તેનું મધ ‘ છાત્ર મધ ‘ કહેવાય છે. એ મધ પીંગળું, ચીકણું, શીતળ, ભારે અને તૃપ્તિ કરનાર હોઈ કૃમિ, ધોળા કોઢ, રક્તપિત્ત, પ્રમેહ, ભ્રમ, તરસ, મોહ તથા ઝેરને મટાડનારું અને ઉત્તમ ગુણોવાળું છે.
ભમરા જેવી અને તીક્ષ્ણ મુખોવાળી પીળી માખીઓનું નામ ‘ અદઈ’ છે. તેમણે બનાવેલું મધ ‘આદર્ય’ મધ કહેવાય છે. એ મધ નેત્રોને અતિહિતકારી, કફ તથા પિત્તને હરનાર, તૂરું, પાકમાં તીખું, કડવું અને બળ તથા પુષ્ટિ આપનારું છે. રાફડામાં રહેનારા પીંગળા રંગના ઝીણા કીડાઓ જે પીળા રંગનું સ્વલ્પ મધ બનાવે છે તે ‘ઔદ્દાલિક મધ” કહેવાય છે. એ મધ રુચિકારક, સ્વર સુધારનારું, કોઢ તથા ઝેરને મટાડનારું, તૂરું, ઉષ્ણ, ખાટું, પાકમાં તીખું અને પિત્ત કરનારું છે. આ મધ ભાગ્યે જ મળી શકે છે.
પુષ્પોમાંથી ઝરીને પાંદડાં ઉપર ઠરેલો મધુર, ખાટો અને તૂરો મકરંદને (પુષ્પોનો રસ) ‘દાલ મધ’ કહેવાય છે. દાલ મધ હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફને તોડનાર, તૂરાશ પડતું, રુક્ષ, રુચિકારક, ઊલટી તથા પ્રમેહને મટાડનારું, ખૂબ જ મીઠું, સ્નિગ્ધ, પુષ્ટિ આપનારું અને વજનમાં ભારે છે. દાલ મધ વૃક્ષોદ્ભવ ગણાય છે.
સામાન્યત: મધ બે પ્રકારનું ગણાય છે : એક માખિયું અને બીજું કૃતિયું. જે મધની માખી ઉડાડવા જતાં છંછેડાઈને કાતિલ ઠંખ દે છે, તેને ‘માખિયું મધ’ કહે છે અને જે મધપૂડા પર પથ્થર ફેંકવા છતાં માખો ઊડીને ડંખ દેતી નથી તેને “કૃતિયું મધ” કહે છે. આ બંને પ્રકારના મધના ગુણો અને સ્વાદમાં પણ થોડોક તફાવત હોય છે.