દ્રાક્ષની સિઝન ચાલી રહી છે. બજારમાં દ્રાક્ષે સામ્રાજ્ય સ્થાપ્યું છે ત્યારે શું તમને ખબર છે કે દ્રાક્ષ ખાવના શું છે ફાયદા. બજારમાં આમ તો બે પ્રકારની દ્રાક્ષ મળે છે. આછાં લીલા રંગની અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરતા હોય છે. જેમાંથી મળતી કેલરી, ફાઇબર અને વિટામિન c અને વિટામિન E શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો આયુર્વેદમાં પણ દ્રાક્ષના સેવનને ખજાનો માનવામાં આવે છે.
હાલમાં જ થયેલી એક શોધમાં સામે આવ્યું છે કે જો તમે અવસાદ થી બચવા માગો છો તો દ્રાક્ષ જરૂરથી ખાઓ. દ્રાક્ષ ખાવાથી મનોવિકાર ઓછો થાય છે. તો સંશોધનકર્તાનું પણ કહેવું છે કે જો ભોજનમાં દ્રાક્ષને સામેલ કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડવામાં મદદ કરે છે.
બીજી તરફ દ્રાક્ષ નથી ખાતા એવા લોકોને હતાશા અને નિરાશા જેવા વિકારને લઈને ચિકિત્સક પાસે જવું પડે છે. ઓનલાઈન નેચર કમ્યુનિકેશન માં પ્રકાશિત એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે ભોજનમાં દ્રાક્ષ લેવાથી તેમાં રહેલા નૈસર્ગિક તત્વોના કારણે હતાશા જેવા મનોવિકાર ઓછા થાય છે.
સ્વાભાવિક છે કે ભોજનમાં જે પોષકતત્વો આપણા શરીરને મળે છે. તે રોગ પર રોક લગાવવામાં કારગર સાબિત થાય છે. અસ્વાદથી બચવા માટે તેમજ લોહીની માત્રા વધારવા માટે દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે. આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં અવ્યવસ્થિત જીવનશૈલી વચ્ચે માઇગ્રેન એક આમ સમસ્યા છે. એવામાં દ્રાક્ષનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. કેટલાક સમય સુધી દ્રાક્ષના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો આ સમસ્યાથી ઘણી રાહત મળી શકે છે.
દુનિયામાં સૌથી વધુ મોત હૃદયથી જોડાયેલી બીમારીઓના કારણે થાય છે. ત્યારે હાર્ટથી જોડાયેલી બીમારીઓથી બચવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. હાલમાં થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ કેન્સરને આગળ વધતું અટકાવવા માટે દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો તેમના માટે દ્રાક્ષનું સેવન ખૂબ ફાયદાકારક છે. દ્રાક્ષનું સેવન લોહીમાં શુગરનું લેવલ ઓછું કરે છે. આ ઉપરાંત તે આયરનનું પ્રમાણ પણ વધારે છે.
જો તમને ભૂખ નથી લાગતી અને જો એ કારણથી જ તમારું વજન નથી વધી રહ્યું તો દ્રાક્ષના રસનું સેવન તમે કરી શકો છો. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ભૂખ પણ ઊઘડે છે. મહત્ત્વનું છે કે જો કબજિયાતની સમસ્યા વધી રહી છે તો તેના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ ઘર કરે છે.
જો તમારા શરીરમાં લોહી અથવા તો હિમોગ્લોબિન ઓછું છે તો એક ગ્લાસ દ્રાક્ષના જ્યૂસમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી લોહીની કમી દૂર થાય છે સાથે જ તે હિમોગ્લોબીનને પણ વધારે છે. હિમોગ્લોબિન ઓછું થવાથી શરીરમાં કમજોરીનું પ્રમાણ વધે છે. આમ દ્રાક્ષમાં ગ્લુકોઝ, મૅગ્નેશિયમ અને સાઇટ્રિક એસિડ જેવા પોષક તત્વો રહેલા છે અને તેથી જ ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે દ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે. ટીબી, કેન્સર અને બ્લડ ઇન્ફૅક્શન જેવી બીમારીઓમાં પણ તે મુખ્ય રૂપથી ફાયદાકારક નીવડે છે.
લીલી દ્રાક્ષ ખાવી હોય પણ માંદા ન પડવું હોય તો કેટલીક પ્રાથમિક કાળજી લેવી જરૂરી છે. સૌથી પહેલાં તો એનો ખાવાનો સમય ધ્યાનમાં રાખવો. બે ભોજનની વચ્ચે કે બ્રેકફાસ્ટમાં જ દ્રાક્ષ ખાવી. એનો મતલબ કે લીલી-મીઠી દ્રાક્ષ ખાવાનો ઉત્તમ સમય છે બપોરનો. જમતાં જમતાં ક્યારેય લીલી દ્રાક્ષ ફ્રૂટ-ડિશ તરીકે લેવી નહીં. જમ્યા પછી ડેઝર્ટ માં પણ દ્રાક્ષ ખાવી હિતાવહ નથી. એમ કરવાથી પેટમાં વધારાની કૅલરી જાય છે અને પાચન ને અભાવે કફ પેદા થાય છે.
બપોરના ભોજન પહેલાં દ્રાક્ષ ખાવી હોય તો લઈ શકાય. એવા સમયે મુઠ્ઠીભર દ્રાક્ષની ઉપર ચપટીક સિંધવ છાંટીને લઈ શકાય. એનાથી પાચક રસો પણ ઝરે છે અને પાચન પણ યોગ્ય રીતે થાય છે. જોકે દ્રાક્ષ ખાધા પછી અડધો થી પોણો કલાક પછી જ જમવું. સાંજ ઢળે એ પછી દ્રાક્ષ ખાવી ઠીક નથી. ગમે એવી ગરમી હોય, સાંજ ઢળતાં વાતાવરણ ઠંડું થવા લાગે છે ને એટલે એવા બેવડા વાતાવરણમાં દ્રાક્ષ કફ અને ખાંસી કરી શકે છે.
દ્રાક્ષના દાણાને ચાવી-ચાવીને ખાવાથી વધુ ફાયદા થાય છે. ભલે ઉનાળામાં કંઈક પીવાની ઇચ્છા વધુ થતી હોય છે, પણ એવા સમયે દ્રાક્ષનો જૂસ કાઢીને પીવાને બદલે આખા દાણા જ ખાવા બહેતર છે. એમ કરવાથી એકસામટો ગ્લુકોઝ શરીરમાં નથી જતો અને દ્રાક્ષની છાલના ફાઇબરને કારણે પાચનક્રિયામાં અને મળ બંધાવાની ક્રિયામાં મદદ થાય છે ને એને કારણે હળવું રેચન મળે છે.
ઉનાળામાં જ્યારે ગરમીમાં ડીહાઇડ્રેશનને કારણે ચક્કર આવવાંની કે બીપી લો થઈ જવાની તકલીફ થતી હોય ત્યારે મીઠી દ્રાક્ષના દાણા ધીમે-ધીમે ચૂસતા રહેવાથી ફાયદો થાય છે, કેમ કે એમાં પુષ્કળ માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ રહેલાં છે. કૅન્સરના દરદીઓને લીલી દ્રાક્ષનો રસ આપવામાં આવે છે. ગર્ભવતીને ઊલટી થતી હોય તો લીલી દ્રાક્ષ ચૂસીને ખાવાથી તે મટે છે. તાવ અને અરુચિ હોય તો દ્રાક્ષની છાલ કાઢી એના પલ્પ પર ચપટીક સિંધવ ભભરાવીને ખાવાથી ફાયદો થાય છે
દ્રાક્ષમાંનાં વિટામિન સી અને વિટામિન ઈ જેવાં જ કેટલાંક પૉલિફિનૉલ કેમિકલ્સની મદદથી લોહીનું શુદ્ધીકરણ પણ થાય છે. ઉનાળામાં પણ વર્કઆઉટ કે ભારે કામ કરવાને કારણે હાથ-પગમાં ગોટલા બાઝેલા હોય તો એક ગ્લાસ દ્રાક્ષનો રસ પીવાથી જમા થયેલો લેક્ટિક ઍસિડ યુરિન વાટે નીકળી જાય છે ને ગોટલા નરમ પડે છે.