કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી દીવાલ જાડી થતી જાય છે. તેને મેડિકલ ભાષામાં Atherosclerosis કહે છે.
રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે તે ભાગને લોહી ઓછું મળે છે. પરિણામે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે.
કોલેસ્ટ્રોલને તેના વાહક લિપોપ્રોટીનના જોડાણને આધારે જો મૂલવવામાં આવે તો દરેક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાનકારક નથી બલકે અમુક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી પણ છે. ઉદાહરણ તરીકે વધુ ઘનતાવાળું લિપોપ્રોટીન (HDL). આ પ્રકારનું કોલેસ્ટ્રોલ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. ઓછી ઘનતાવાળું લિપોપ્રોટીન(LDL). આ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે.
શરીર અદોદળું હોય, બેઠાડુ જીવન હોય, ચરબીયુક્ત ખોરાક વધુ પડતો આરોગતા હોવ, ધૂમ્રપાન કરતા હોવ, લોહીનું ઊંચું દબાણ હોય અને કુટુંબના સભ્યોમાં કે પૂર્વજોમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાના કિસ્સા બન્યા હોય તો તમારે ચેતવું જોઇએ. તમે હાઇ રિસ્ક ગ્રૂપમાં ગણાઓ છો અને જોખમ ઉઠાવો છો એમ કહેવાય.
સપ્રમાણ સંતુલિત ખોરાક શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે પણ સાથે સાથે શરીરમાંથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. સંતુલિત ખોરાકથી વજન ઘટે કે ન ઘટે કોલેસ્ટ્રોલમાં અવશ્ય ઘટાડો થાય છે. ઓછી ચરબીવાળો પણ મહત્વની ચરબી ધરાવતો ખોરાક શ્રેષ્ઠ છે. સાવ ચરબીરહિત ખોરાક સંપૂર્ણ ખોરાક નથી કારણ કે શરીરના મહત્વનાં કાર્યોમાં ચરબીનો પણ અગત્યનો ફાળો છે. ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ એટલે કે સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધારે હોય તો લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. એટલા માટે તેનું પ્રમાણ ઘટાડવું.
હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લસણ ઘણું જ સારો ઘરેલું ઉપાય છે, લસણ એક પ્રકારનું ખાવા યોગ્ય પદાર્થ હોય છે. તે પોતાની સુગંધ અને સ્વાદને કારણે જ ઓળખાય છે. લસણનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે.
અખરોટ, બદામ, મગફળી, પિસ્તા જેવા સુકા મેવા હાઈ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે લાભકારી છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા મેથીદાણા ઘણા જ ફાયદાકારક સાબિત થાય છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આંબળામાં સૌથી જરૂરી પોષક તત્વ છે.હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે જેતુનનું તેલ પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે.
એક ચમચો માખણમાંથી આશરે 25 મિ.ગ્રા. અને માત્ર એક ઇંડામાંથી આશરે 270 મિ.ગ્રા. કોલેસ્ટ્રોલ મળે છે. અન્ય માંસાહારી ખોરાકમાંથી પણ વિપુલ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે. હવે યોગ્ય ખોરાકની પસંદગી તમારે કરવાની છે. રેસાવાળો ખોરાક લો જેથી કરીને તેમાંના રેસા કોલેસ્ટ્રોલ સાથે જોડાઇને તેનું પ્રમાણ ઘટાડે છે. લીલાં શાકભાજી જેવા કે ગુવાર, મેથી, પાલક, કોબીજ, તાંદળજો વગેરે રેસાયુક્ત ખોરાક કહેવાય. આ ઉપરાંત થૂલું, કુશકી, ભૂંસુ જેવાં ધાન્ય પણ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
પ્રોટીનયુક્ત ખોરાક પર પણ પૂરતું ધ્યાન આપવું. દાખલા તરીકે કઠોળ. આ થઇ ખોરાકની વાત. આહાર જેટલી જ અગત્યની કસરત છે.
કસરત કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. કસરતના મુખ્ય બે પ્રકાર છે. એરોબિક અને અનએરોબિક. એરોબિક કસરત કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.