ભારતીયો બે હજાર વર્ષ પૂર્વેથી રસોઈમાં આ મસાલા વાપરતા આવ્યા છે. ભારતના મહાન રાજા- મહારાજાઓના સમયમાં પણ આ મસાલા જાણીતા હતા તે આપણો પ્રાચીન ઈતિહાસ કહે છે. ભારતના વિદ્વાન પંડિતોએ, વૈદ્યોએ આ મસાલામાં રહેલાં ગુણો અને ઔષધિય ગુણો વિષે ઘણું સંશોધન કર્યું છે.મસાલા નું ભારતીય રસોઈ ની અંદર ખુબજ મહત્વ રહ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મસાલા ના ઉપયોગ થી ભોજન ખુબજ સ્વાદિષ્ટ બંને છે.સુકા મસાલા ની અંદર કોકમ જેને અંગ્રેજી માં સ્ટાર એનીસ પણ કહે છે તે મસાલા નું એક મુખ્ય ઘટક છે અને દક્ષિણ ભારત ની અંદર આ મસાલા નો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પ્રાચીનકાળથી કોકમનો ઉપયોગ થાય છે.
કોકમ આમલી કરતાં વધુ પથ્ય કારક છે. દાળ-શાકમાં ખટાશ લાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનાં સુંદર ઝાડ કેરાલા અને કર્ણાટકમાં પુષ્કળ થાય છે. તેનાં પાન ત્રણ-સાડા ત્રણ ઇંચ લાંબો અને ગાઢા લીલા રંગનાં હોય છે, તેને નારંગી જેવાં રાતાં ફળો આવે છે. આ ફળને રાતાંબા પણ કહે છે.ફળનો મગજ ખાવામાં અને અંદરનું પાણી પીવામાં વપરાય છે. તેનાં ફળોને કોકમ કહે છે.
તેને ઉપરથી સૂકવી નાખેલી છાલને પણ કોકમ કહે છે.ગોવા અને કેરાલામાં થી સેંકડો મણ કોકમ વેચાણ માટે બહાર જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો દાળ-શાકમાં કોકમ બહુ વાપરે છે. હાલમાં કોકમ કરતાં કોકમનાં ફૂલ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યા છે. કોકમ ના ફળ ની ચટણી બનાવાય છે. ગોવામાં તેનાં ફળોના રસનું શરબત પણ બનાવે છે.
આયુર્વેદની દૃષ્ટિએ કોકમ ખાટા, સ્વાદિષ્ટ, મંદાગ્નિ, અતિસાર, અરૂચિ, ઉબકા, ઊલટી, આફરો, કૃમીની સમસ્યા, હૃદયરોગમાં ફાયદાકારક છે. આ સિવાય તે કફ અને વાયુનાશક, હરસ-મસામાં લાભકારી, લોહી વિકારને દૂર કરનાર છે. આમલી અને આમચુર કરતાં કોકમ ચડિયાતાં છે. પાકું કોકમ પચવામાં ભારે, ઝાડાને સૂકવનાર, તીખું, તૂરું, હલકું, ખાટું, ગરમ, ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, અગિનને પ્રદીપ્ત કરનાર તથા કફ અને વાયુ વધારનાર છે.
તે હરસ, સંગ્રહણી અને હૃદયરોગ મટાડે છે. એનાથી મળનો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે. કોકમને ચટણી જેમ પીસી, પાણીમાં મિશ્ર કરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પિત્તની બળતરા, અનિદ્રા અને તરસ મટે છે. આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમન થાય છે. દહીંની મલાઈમાં મેળવીને સવાર-સાંજ લેવાથી દૂઝતા હરસ મટે છે.
કોકમ ના બી માંથી તેલ નીકળે છે. તે મીણ જેવું ઘટ્ટ અને સફેદ રંગનું હોય છે. તે કોકમના ઘી તરીકે ઓળખાય છે. કોકમનું તેલ ખાવામાં અને ઔષધોમાં વપરાય છે. શિયાળાની ઠંડીથી હોઠ ફાટે કે હાથ-પગની ચામડી ફાટીને ચીરા પડે ત્યારે તે પર કોકમનું તેલ ગરમ કરીને ચોપડાય છે. કોકમનું તેલ મલમો અને મીણબત્તી બનાવવામાં તેમજ બાળવા માં વપરાય છે. રોજિંદા ખોરાકમાં કોકમની વપરાશ બહુ હિત કારી છે. તેનાથી ખોરાકનું પાચન થાય છે, મૂળ નો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે.
કોકમનું શરબત એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. નાળિયેરના દૂધ સાથે કોકમની બનાવેલી કોકમ સાલમ કરી ખૂબ પ્રખ્યાત છે.કોકમનું તેલ ક્ષય, ફેફસાંના રોગો, કંઠમાળ, મરડો અને સંગ્રહણીમાં સારો ફાયદો કરે છે. તે ત્રણ રોપણ કરનાર પણ છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવીને ખાવાથી અમ્લપિત્ત અને પિત્ત મટે છે. કોકમ ની ચટણી માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પિત્ત ના દાહ, તરસ, વ્યાકુળતા, નિદ્રાના મટે છે. તે પિત્તનું પણ શમન કરે છે.
કોકમનો કાઢો (ઉકાળો) કરીને ઘી નાખી પીવાથી થયેલું અજીર્ણ મટે છે. કોકમનું તેલ ગરમ કરીને ઠરી જાય તે પહેલાં દિવસમાં બે-ત્રણ વાર બબ્બે તોલા જેટલું પીવાથી લોહી વાળો મરડો–રક્તાતિસાર મટે છે.દસ તોલા કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખીને પીવાથી શીતપિત્ત ( શીળસ) મટે છે.
કોકમનું ચૂર્ણ કે ચટણી દહીં ની ઉપરની તર( મલાઈ)માં મેળવીને ખવડાવવાથી રકતાર્શ-દૂઝતા મસા મટે છે. કોકમનું તેલ ગરમ કરીને ચોપડવાથી હાથપગની તળિયા માં દાહ-બળતરા મટે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે કોકમનું તેલ પોષક, ઉપલેપક અને સ્નિગ્ધ છે. કોકમનું તેલ પુષ્ટિકારક હોઈ કૉડલિવરઑઈલને બદલો વાપરી શકાય છે. એ મરડા અને આમાતિસાર પર પણ વપરાય છે.