રાઈ એ દાળ શાકમાં ઘરમાં અને અથાણામાં વપરાતી એક મહત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ હાથ-દોઢ હાથ. કેટલી ઊંચાઈ ના થાય છે. તેને પીળા ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે છે. એ શીંગોમાં રાઈના દાણા હોય છે. રાઈના દાણા બહુ ઝીણા હોય છે. તેના પાનનું શાક થાય છે. રાઈ ભારતમાં સર્વત્ર થાય છે.
ધોળી, કાળી અને રાતી એમ રાઈ ત્રણ જાતની થાય છે. રાતી કરતાં ધોળી રાઈના દાણા મોટા હોય છે. રાયડાના દાણા રાયના દાણા જેવા જ પણ સહેજ મોટા હોય છે. દાળ-શાકનો વઘાર ઉપરાંત રાયતા અને અથાણામાં પણ રાઈ વપરાય છે. “રાયતું’ શબ્દ “રાઈ ‘ પરથી જ પ્રચલિત થયો છે.
દહીંના મીઠામાં રાઈ વાટી તેમાં જરૂરી મીઠું નાખવાથી સરસ અનોખા સ્વાદ પેદા થાય છે. ઉપરાંત તેમાં દ્રાક્ષ, કેળાં, કાકડી, મોગરી વગેરે નાખીને મનગમતી વસ્તુનું રાયતા બનાવે છે. રાયતા માં રાઈ એ મુખ્ય વસ્તુ હોય છે. રાયતું એ વિશિષ્ટ અને ઉપયોગ બનાવટ છે. એ ઉષ્ણ, પાચક, રુચિકર અને સ્વાદિષ્ટ છે. રાયતું શિયાળાની ઋતુમાં વધારે ગુણકારી છે.
રાઈ ના લક્ષણો:
રાઈ મસાલામાં વાપરવાથી હોજરી અને આંતરડામાં ઉત્તેજક અસર કરે છે, હોજરીનો રસસ્ત્રાવ વધારે છે અને હોજરીમાં મંથન ક્રિયા સતેજ બનાવે છે. પરિણામે ભૂખ ઊઘડે છે. રાઈના દાણા માંથી તેલ નીકળે છે. એ તેલ સરસિયા તેલ કરતાં વધુ ઉગ્ર હોય છે. રાઈનું તેલ તીખું, હલકું, મળે ખેડનાર, ઉષ્ણ, વાયુ તેમજ માથાના અને કાનના રોગને મટાડનાર, લોહીને ખરાબ કરનાર, કૃમિ તથા દુષ્ટ વર્ણને મટાડનાર છે.
રાઈ ના ફાયદા:
વાત વ્યાધિથી રહી ગયેલા-અકડાઈ ગયેલા અંગ પર રાઈનું પ્લાસ્ટર મારવામાં આવે છે. રાઈ ને પલાળીને સુકવ્યા બાદ તેના ફોતરાં કાઢી, પછી તેને દળીને લોટ બાટલીમાં ભરી રાખવો. આ લોટ લેપ કરવામાં ઉપયોગી છે. પરદેશી મેઘા પૅક ડબ્બાઓ કરતાં આ તાજો લેપ સસ્તો અને વધુ ગુણકારી છે. આ લેપમાં સંચળ વાટીને મેળવવાથી સોજા પર એ ફાયદાકારક બને છે.
રાઈની પોટીસ કે લેપ કરવામાં ઠંડું જળ વાપરવું જોઈએ, કારણ કે ગરમ પાણીમાં રાઈનું સત્ત્વ પૂરતા પ્રમાણમાં ઓગળતું નથી. રાઈનો લેપ લગાવતી વખતે ઝીણું મલમલનું કપડું શરીર પર મૂક્યા પછી લેપ કરવાથી ફોડલા ઊઠવાનો સંભવ ઓછો રહે છે. વળી દાહ થાય ત્યારે કપડાની પટ્ટી સરળતાથી ઉખાડી શકાય છે.
રાતી અને ધોળી રાઈ કફ તથા પિત્તને હરનારી, તીક્ષ્ણ, ગરમ, રકતપિત્ત કરનારી, રુક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ ખુજલી, કોઢ અને પેટના કૃમિઓનો નાશ કરનાર છે. કાળી રાઈ માં પણ એવા જ ગુણ છે. પરંતુ એ અત્યંત તીક્ષ્ણ હોય છે. રાઈના પાન નું શાક ગરમ, પિત્ત કરનાર, રુચિકર અને વાયુ, કફ, કૃમિ તથા કંઠ રોગનો નાશ કરનાર છે. (ગરમ ઋતુમાં તેમજ પિત્ત પ્રકૃતિવાળા માટે એની ભાજી હિતકર નથી.)
રાઈ ને મધમાં વાટી, એકત્ર કરીને ખવડાવવાથી શરદી મટે છે. રાઈ ચાર રતી, સિંધવ બે રતી અને સાકર બે માસા મેળવીને સવાર-સાંજ આપવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે. રાઈ ને તેલવાળી કરી ગળવાથી પેટમાં આવતી ચૂંક મટે છે. ત્રણ માસા રાઈનું ચૂર્ણ પાણીના ઘૂંટડા સાથે ગળવાથી પેટની ચૂંક અને અજીર્ણ મટે છે. રાઈનું એક-બે માસા ચૂર્ણ થોડી ખાંડમાં મેળવીને ખાવાથી અને ઉપર પાંચ-દસ તોલા પાણી પીવાથી અપચો અને ઉદરશૂળ મટે છે. અર્ધો તોલો વાટેલી રાઈ ને અર્ધો તોલો મીઠું ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. રાઈ એક ચમચી લોટ ઠંડા પાણીમાં પીસી ચાલીસ-પચાસ તોલા પાણીમાં મેળવી પીવાથી ઉલટી થઈ ખાધેલું ઝેર બહાર નીકળી જાય છે.
રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ પર લેપ કરવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. રાઈ અને હિંગનું ત્રણ માસ જેટલું ચૂર્ણ કાંજી સાથે ખવડાવવાથી મૃત ગર્ભ બહાર નીકળી જાય છે. સંનિપાત તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિશ કરાય છે. શરદીથી પગ ઠંડા પડી જતા હોય તો રાઈનો લેપ હિતાવહ છે. રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે. વાત વ્યાધિથી અકડાઈ ગયેલા અંગ પર રાઈની પોટીસ કરીને બાંધવાથી અથવા તેનું પ્લાસ્ટર મારવા થી ફાયદો થાય છે. રાઈના તેલની માલિશ કરવાથી અર્ધાગ વાયુ રોગમાં ફાયદો થાય છે.
રાઈના લોટને આઠ ગણા જુના ગાયના ઘીમાં અથવા ધોયેલા ગાયના ઘીમાં મેળવી તેનો લેપ કરવાથી થોડા દિવસમાં ધોળો કોઢ મટે છે. આ લેપથી ખસ, ખરજવું અને દાદરમાં પણ ફાયદો થાય છે. રાઈના લોટની ઘીમાં મેળવી, આંખમાં ન જાય એ રીતે, સંભાળપૂર્વક આંજણી પર લેપ કરવાથી તરત જ ફાયદો થાય છે.દસ તોલા સરસિયું કે તલનું તેલ લઈ તેને ખૂબ ઉકાળી, ઊભરો લાવી, નીચે ઉતારી, તેમાં રાઈ અને લસણ એક-એક તોલો બારીક પીસીને નાખવું. પછી તેમાં દોઢ માસો કપૂર નાખી ને ઢાંકી દેવું અને ઠંડુ થાય ત્યારે ગાળીને શીશીમાં ભરી લેવું. આ તેલનાં બે-ચાર ટીપાં કાનમાં નાખવાથી કાન પાકતો હોય, કાન માંથી પરુ નીકળતું હોય તો તે મટે છે.
રાઈના લોટને ઘી-મધમાં મેળવીને કાંટો કે કાચ વાગ્યો હોય તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.વાઈ ની મૂચ્છમાં રાઈના લોટનું નસ્ય અપાય છે. રાઈ થોડી માત્રામાં દીપન, પાચન ઉત્તેજક અને સ્વદલ છે, પરંતુ વધુ માત્રામાં વામન (ઊલટી કરનાર ) છે. તેથી રાઈ વધુ માત્રામાં લેવાથી તરત જ ઊલટી થાય છે.
રાઈ બહુ ગરમ છે, માટે મસાલા તરીકે તેનો માફકસર જ ઉપયોગ કરવો જોઈએ. રાઈનો વધુ પડતો ઉપયોગ કરવાથી હોજરી અને આંતરડાની ખરાબી થવાનો સંભવ છે. (રાઈ થી શરીર ફોલ્લા પડે કે બળતરા થાય તો ઘી કે તેલ ચોપડવું ). રાઈનું તેલ વિશેષ કરીને મૂત્રકૃચ્છ કરનાર છે. રાઈના તેલ ચામડી પર લગાવવાથી થોડા જ સમયમાં ચામડી લાલ થઈ ફોલ્લા થાય છે. યુનાની મત પ્રમાણે રાઈ વધારે લેવાથી નશો–મદ ચડે છે અને હોજરીને આળી બનાવે છે. તે આમાશય( હોજરી ના કૃમિઓ ને બહાર કાઢે છે, લોહીને શુદ્ધ કરે છે તેમજ શરદી, અગ્નિમાંદ્ય અને વાયુના રોગો ને દૂર કરે છે.