કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે વધારે જાણે છે. કેટલાક લોકો એને મોટો સામો પણ કહે છે, કેમ કે એના દાણા સામાથી થોડાક મોટા અનેજુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે.
કોદરીએ લાલ તથા પીળી બે પ્રકારની હોય છે. કોદરીને બે વાર પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને વપરાશમાં લેવાથી વધુ આસાનીથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે. આ ધાન્ય પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી.
પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે. તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત આપે છે.
કોદરી માંથી ક્વીર્સેટિન, ફેરુલિક ઍસિડ, પી-હાઇડ્રોક્સિબેન્ઝોઇક ઍસિડ, વૅનિલિક ઍસિડ અને સિરિન્જિક ઍસિડ જેવા તત્વો મળી આવે છે. સામાન્ય રીતે ડાયાબિટીઝ ધરાવતા લોકોને શુગર ઓછી ધરાવતી ચીજો ખાવાનું કહેવામાં આવે છે. જોકે કોદરીમાં રહેલાં કમ્પાઉન્ડ્સ શરીરમાં ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીઝના દરદીઓને હેલ્પ કરે છે. ઇન્સ્યુલિન હૉમોર્ન્સને કારણે લોહીમાં પડેલી શુગરનું એનર્જીમાં રૂપાંતર થવામાં મદદ થાય છે અને લોહીમાં ગ્લુકોઝ વણવપરાયેલો પડી રહેતો અટકે છે. વળી એમાં પ્રોટીન એટલે કે શરીર માટે જરૂરી અસેન્શિયલ ઍસિડ્સ હોય છે અને ફૅટની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે.
ખીચડી બનાવવી એ સૌથી સહેલો અને સરળ ઉપાય છે. એનાં પોષક તત્વોનો વધુ લાભ લેવા માટે એને યોગ્ય રીતે પકાવવી જરૂરી છે. કોદરી યોગ્ય રીતે ચડી જાય એ માટે રાંધતાં પહેલાં ત્રણ-ચાર કલાક એને પલાળી રાખવી જોઈએ. એ પછી ખીચડીની જેમ જ પાણીમાં બાફી લઈ શકાય. ધાન્યની ક્વૉન્ટિટી કરતાં લગભગ બમણાથી વધુ પાણી ઉમેરવું પડે. એમાં મીઠું, હળદર, લીંબુ-સાકર જેવા મસાલા અને ગાજર, બીટ, ફણસી, દૂધી, કૅપ્સિકમ, વટાણા જેવાં શાકભાજી ઉમેરીને એનો ગુણ અને સ્વાદ વધારી શકાય.
કોદરીના ઢોસા, ઇડલી, કાંજી, દાળ નાખીને પુલાવ, લોટમાં ભાજી મિક્સ કરીને થેપલાં અને ફણગાવેલાં કઠોળ સાથે મિક્સ કરીને નવી વાનગીઓ પણ બનાવી શકાય છે. એકદમ ગળી ગયેલી કોદરીની ખીચડીમાં લીંબુ, સાકર નાખીને ખાવાથી એ સ્વાદમાં પણ સારી લાગે છે. પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી મહિલાઓને પણ ફાયદો થાય છે. એનાથી દૂધ વધુ આવે છે.
કોદરીની પાતળી ખીચડી કે કાંજી શરીર માટે ખૂબ જ પોષક છે. એ પચવામાં પણ હલકી હોવાથી બાળકોને પણ આપી શકાય. બાળકોને ખાવાનું આપવાનું શરૂ કરતા હોઈએ ત્યારે જેમ નાચણીની રાબ અપાય છે એમ કોદરીની કાંજી આપી શકાય.
અનૂભવી આયુર્વેદિક નિષ્ણાતો કહે છે કે, ડાયેટિંગ માટે પણ કોદરી બેસ્ટ છે. ભારત સિવાયનાં બીજાં દેશોમાં ડાયટ રેસિપી તરીકે કોદરીનો પ્રચાર વધ્યો છે. હવે આપણે આપણાં ધાન્યનો પરદેશમાં ઉપયોગ થતો જોઇને એનું અનુકરણ કરવાનું ચાલું કર્યું છે.
જૉન્ડિસ ના રોગ માં પણ કોદરી આપી શકાય. નાચણીની જેમ એનો લોટ બનાવીને પણ વાપરી શકાય. એમાં રહેલાં ફાઇટોકેમિકલ્સ તેમજ ફોસ્ફોલિપિડ્સને લીધે ચેતતંત્રમાં પણ લાભ થાય છે તથા સંવેદના વહનના કાર્યમાં પણ સુધારો જોવા મળે છે. કોષમાં ક્રૅમ્પ્સ આવતાં હોય ત્યારે પણ કોદરી કામની છે.