કારેલી ના વેલા પર થતાં ફળો કારેલાંને નામે પ્રખ્યાત છે. એને સંસ્કૃતમાં કારવલ્લી, મરાઠીમાં કારલી, કોંકણમાં કોરેતી, કન્નડમાં હાગલકાંષિ કે મિડિગાયિ, તામિલમાં કલકકોડિ કે પાગલ, મલાયમ ભાષામાં પાવલ કે કપાવલિલ, ફારસીમાં કરિલાહ, હિન્દીમાં કરેલા, બંગાળીમાં કરવા, અંગ્રેજીમાં હેઅર મોડીકા તથા લેટિનમાં મોમોડીકા ચારે ટિયા નામ છે.
શરીરમાં સાત રસ ની જરૂરિયાત રહે છે. તેમાં કડવો રસ કારેલાંનો હોઈ. કારેલા ના રસ થી શરીરની ક્ષમતા જળવાઈ રહે છે. મીઠી પેશાબ-ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગ કારેલાના રસ થી નાથી શકાય છે. સપ્તરસમાં કડવો રસ કારેલા માંથી મળે છે, જેમાં અનેક રોગોને હરવાની શક્તિ છે. નાના કારેલાં અતિશય કડવા, અગ્નિદીપક, ગરમ, શીત, ભેદક, સ્વાદુ અને પથ્યકર છે. તે અરુચિ, કફ, વાયુ, ૨ક્તદોષ, જવર, કૃમિ, પિત્ત, પાંડુરોગ તથા કોઢ નો નાશ કરે છે. કાયમ કારેલાનો રસ પીનાર ને કોઢ નથી થતો અને જો થયો હોય તો તેની પર નિયંત્રણ આવે છે.
કોઈ વખત ઊલટી અને ખાંસી બહુ જ થાય તો ડીંટડી સહિત કારેલી ના પાનનો રસ પીવો જોઈએ. બાળકોને એ રસ તેની ઉંમરના પ્રમાણમાં આપવો. વધુ પડતો આપવો નહિ.મોટા કરેલ તીખા,કડવા ,અગ્નિદીપક, ભેદક,રૂચિકર,લઘુ વાત,અને પિત્ત શામક છે. ૨ક્તરોગ, પાંડુ, અરુચિ, કફ, શ્વાસ, વ્રણ, કાસ, કૃમિ, કુષ્ઠરોગ, તાવ, પ્રમેહ, આઘાત અને કમળામાં એનો રસ ઉપયોગી છે. પિત્ત વિકાર પર કારેલાંનો રસ આપવાથી ઊલટી તથા ઝાડા દ્વારા પિત્તનું શમન થાય છે.
કારેલાં ટાઢા, ઝાડને તોડનાર, હલકાં, કડવા, વાયુ નહિ કરનાર તથા લોહીવિકાર, પાંડુરોગ અને કૃમિને મટાડનાર છે. નાનાં કારેલાં વધુ ગુણકારી છે. પ્રમેહ, આફરો અને કમળાના નાશ માટે મોટા કારેલાંનો રસ નો ઉપયોગ કરવો. બાળકોના પેટમાં ભાર રહેતો હોય તો કારેલાંનો રસ, અરડૂસીનાં પાનનો રસ, નાગરવેલના પાનનો રસ તથા જાંબુની છાલ નો રસ સરખા પ્રમાણમાં પાવો.કારેલાંનો રસ મરીના દાણા સાથે વાટીને આપવાથી મેલેરિયા નો તાવ મટે છે. આ તાવમાં કારેલાંનો રસ શરીર પર ચોળવાથી ઝેર પરસેવા મારફતે નીકળી જાય છે.
કારેલાંના રસમાં જીરું નાખી પીવાથી ટાઢ વાય ને આવતો તાવ જાય છે. કોલેરા થયો હોય તો કારેલા ના રસ માં તલનું તેલ ભેગું કરીને આપવું. લોહી પડતું હોય કે અર્શ રક્તનો રોગ થયો હોય તો કારેલાંનો રસ સાકર સાથે આપવો. જંતુ પડ્યા હોય કે ગૂમડામાં કીડા પડ્યા હોય તો કારેલાંનાં પાન નો રસ અથવા કારેલાંનો રસ પીવો. તેમજ ગુમડા પર લગાડવો. શરીરમાંથી જંતુ નીકળતા હોય તો તલના તેલ સાથે કારેલાંના રસનું માલિશ જોરપૂર્વક કરીને સૂર્યના તડકામાં બેસવું. પછી કાળી માટી પાણીમાં ભીંજવી શરીર પર ઘસીને સ્નાન કરવું. કારેલીના પાન, તાવનાશક, મૂત્રલ અને કૃમિનાશક છે. પાન ન મળે તો કારેલાંના રસનો ઉપયોગ કરવો.
કારેલાં લીલા રંગના હોય છે. પાકે ત્યારે તે લાલ થાય છે. એનો રસ કડવો હોય છે. શરીરમાં રસ ની સમતા જાળવવા કારેલાંનો કડવો રસ અતિ ગુણકારી છે. કારેલાનું શાક આમવાત, વાતરક્ત, લીવર તથા ત્વચાના રોગોમાં હિતકારી છે. કારેલાંનો રસ મીઠી પેશાબના રોગોમાં અતિશય ગુણકારી છે. એ રસ સાથે સિંધવ તથા મરીનો ઉપયોગ કરવો. કારેલાંમાં વિટામિન ‘એ” વધુ પ્રમાણમાં તથા વિટામિન ‘સી’ થોડા પ્રમાણમાં છે. એમાં લોહતત્વનો અંશ હોવાથી તે લીવર મસ્તક તથા આંતરડા ના રોગોમાં ઉપયોગી છે.
કારેલાંનો રસ તથા મરીના દાણા પીસીને બાળકને આપવામાં આવે તો તાવ તથા ઉલટી બંધ થાય છે. મધુપ્રમેહ અને બહુમૂત્રતા માટે કારેલાંને સૂકવીને તેનું ચૂર્ણ કરવું. મધ સાથે એ ચૂર્ણ લેવાથી ત્રણ મહિનામાં આ રોગ પર લગામ આવે છે. કારેલાના પાન નો રસ લોઢા ના વાસણ પર ઘસીને આંખમાં આંજવાથી ફૂલાં, જાળાં અને રતાંધળાપણું મટે છે.કારેલાંનાં મૂળને પીસીને ખુજલી, ખસ કે દાદર પર લેપ કરવાથી તે મટે છે. કારેલાંનો રસ અથવા તેનાં પાનનો રસ ચામડીના રોગો પર ખૂબ ગુણકારી છે.
કારેલાનો રસ અથવા તેનાં પાનનો રસ વધારે માત્રામાં આપવાથી ઊલટી થઈ આંતરડાની ગરમી અને દાહ મટે છે. કારેલીનાં પાન અથવા કારેલાનો રસ હળદર સાથે મેળવીને આપવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે. કારેલાંનાં પાનનો રસ થોડો ગરમ કરીને પીવડાવવાથી કૃમિ ઝાડા મારફતે નીકળી જાય છે. કારેલાંનાં મૂળને ઘસીને શરીર પર ચોપડવાથી પારો ફૂટ્યો હોય તો તે મટે છે. કારેલાં પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગમાં લેવાય છે.
કારેલાંના રસથી ડાયાબિટીસનો રોગ મટે છે. પિત્તના વિકાર મટે છે અને ટાઢ વાઈને આવતો તાવ મટે છે.મધુપ્રમેહ જેવો અસાધ્ય રોગ કારેલાંને તડકે સૂકવી તેનું ચૂરણ બનાવી મધમાં લેવાથી મટે છે. કૃમિરોગ, પાંડુરોગ, રક્તદોષ, અર્શ તથા કોઢ ઉપર કારેલાંનો રસ ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાંથી જંતુ નીકળતાં હોય તો કારેલાંના રસનું માલિશ ખૂબ ગુણકારી છે. ચામડીનાં તમામ રોગો ઉપર કારેલાનો રસ ગુણકારી છે. આવા અનેક રોગો પર ઔષધી સમાન કારેલાંની કેટલીક વિગતો આ રહી.