અમેરિકાનો સ્વિમર માઇકલ ફેલ્પ્સ તો જાણે તેની કુશળતા, ચપળતા અને ટૅલન્ટને લીધે અનન્ય ખેલાડી છે જ, પરંતુ આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાની પહેલી મૅચમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં તેણે જ્યારે પૂલમાં જમ્પ માર્યો અને તરીને બહાર નીકળ્યો ત્યારે દુનિયાભરના મીડિયાના કૅમેરાનું ધ્યાન તેની પીઠ પર પડેલાં જાંબલી રંગનાં ચકામાં પર કેન્દ્રત થઈ ગયું. નાનકડી વાડકીની સાઇઝનાં એ ગુલાબી ચકામાં વળી એક નહીં પણ સંખ્યાબંધ હતાં.
ક્યાંક એવી વાતો થઈ કે આ ફેલ્પ્સ કોઈની સાથે ઝઘડી કારવીને આવ્યો છે કે પછી તેને કોઈ ચામડીનો રોગ થયો છે? કે પછી ઉત્કટ રોમૅન્સની નિશાનીઓ તેના શરીર પર અંકિત થઈ છે? પરંતુ જાણકારોએ તરત જ કહી દીધું કે આ તો કપિંગ નો પ્રતાપ છે. વિશ્વના ઘણા ખેલાડીઓ અને અન્ય ક્ષેત્રોની સેલિબ્રિટીઓ પણ આ કપિંગનાં ચકામાં લઈને ફરતાં જોવા મળ્યાં છે. ત્યારે એક સવાલ એ થાય કે આ કપિંગ આખરે છે શું? અને ફેલ્પ્સ જેવા ખેલાડીને પણ આ કપિંગની જરૂર શું કામ પડી?
કપિંગ એ વાસ્તવમાં એક પ્રાચીન ચિકિત્સા-પદ્ધતિ છે. પ્રાચીન એટલે છેક ઈસવી સન પૂર્વે ૩૦૦૦માં યાને કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ એના અસ્તિત્વના પુરાવા મળી આવ્યા છે. ઈ. સ. પૂર્વે ૧૫૦૦ના પ્રાચીન ઇજિપ્તમાંથી મળી આવેલી મેડિકલ ટેક્સ્ટ-બુક્સમાં પણ ઇજિપ્તના લોકો કપિંગ ટેક્નિકનો ઉપયોગ કરતા હોવાનું નોંધાયેલું છે. ત્રણ હજાર વર્ષ પૂર્વેના ચીનમાં પણ આ કપિંગ ટેક્નિક વપરાતી હતી. મૅન્ડેરિન ભાષામાં કપિંગ માટે હુઓ ગુઆન નામનો શબ્દ વપરાતો હતો.
કપિંગ એટલે શરીરના વિવિધ અથવા તો અસરગ્રસ્ત ભાગોમાં હવાના ખેંચાણની મદદથી રક્તપ્રવાહ વધારવાની ચિકિત્સા-પદ્ધતિ. આ પદ્ધતિમાં એના નામ પ્રમાણે કપ એટલે કે વિવિધ આકારની નાનકડી પ્યાલીઓનો ઉપયોગ થાય છે. પદ્ધતિ પ્રમાણે જોઈએ તો કપિંગના બે પ્રકાર છે – એક તો ડ્રાય કપિંગ અને બીજો વેટ કપિંગ.
ધારો કે કોઈ વ્યક્તિને પીઠનો દુખાવો છે. એ વ્યક્તિ ડ્રાય કપિંગને શરણે જાય છે. ડ્રાય કપિંગમાં સામાન્ય રીતે એકથી ત્રણ ઇંચ વ્યાસની પ્યાલીઓનો ઉપયોગ થાય છે. પરંપરાગત રીતે એમાં વાંસની પ્યાલીઓ વપરાતી હતી, જ્યારે હવે કાચ અને પ્લાસ્ટિકની પ્યાલીઓ વપરાય છે.
પ્રાચીન કાળમાં તો પ્રાણીઓનાં શિંગડાં પણ કપિંગ માટે વપરાતાં હતાં. આશય એવો કે પોચા કોષોવાળી ચામડી પર એ કપ મૂકવાનો અને કપની અંદર હવાનું અત્યંત ઓછું કે નહીંવત્ પ્રેશર સરજી દેવાનું. આવું થાય એટલે કપ પર વાતાવરણનું સખત પ્રેશર લાગે અને કપ ત્વચા પર સજ્જડ રીતે ચોંટી જાય.
બીજી બાજુ શરીરના કોષો પણ એટલા ભાગમાં બહાર તરફ ધક્કો મારતા હોય એટલે એ ભાગમાં ચામડી સહેજ ઊપસી આવે અને એ કોષો-રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ એકદમ ઝડપી બની જાય. સ્વાભાવિક રીતે જ આ પ્રક્રિયા શરીરની પોચી સપાટી પર વધુ અસરકારક રીતે કામ કરી શકે છે.
કપની અંદર હવાનું મિનિમમ પ્રેશર ઊભું કરવા માટે અત્યારે મેકૅનિકલ સક્શન પમ્પ વપરાતાં થઈ ગયાં છે. પ્રાચીન યુગમાં વ્યક્તિને સુગંધિત દ્રવ્યોવાળા પાણીમાં નવડાવીને પછી તેના પર ગરમ કપ મૂકવામાં આવતા હતા. આવું ન કરવું હોય તો કપમાં મિનિમમ દબાણ ઊભું કરવાનો બીજો એક પ્રકાર છે ફાયર કપિંગ. નામ પ્રમાણે જ એમાં કપની અંદર અગ્ની પ્રગટાવવામાં આવે છે.
આ માટે ૯૯ ટકા આલ્કોહૉલમાં ઝબોળેલા કૉટનનો એક નાનકડો કકડો કપની અંદર રાખવામાં આવે છે. એને સળગાવીને તરત જ એ કપને ઢાંકી દેવાય છે. અમુક જ સેકન્ડમાં એ કકડો કપની અંદર રહેલા ઑક્સિજનને બાળી નાખે છે અને એ જ કારણે એ બુઝાઈ જાય છે. મતલબ કે એ કપની કિનારી થોડી ગરમ લાગે, પરંતુ એ સળગતો કકડો ત્વચાને દઝાડતો નથી.
અંદર હવાની લગભગ નહીંવત્ હાજરી સરજાતાં કપ ત્વચા સાથે ચોંટી જાય છે અને ત્વચાનો એટલો ભાગ ઊપસીને ઉપર આવી જાય છે. આવી એકની પાસે એક એમ સંખ્યાબંધ પ્યાલીઓ ચીપકાવવામાં આવે છે. ધારો કે પીઠના દુખાવામાં રાહત લેવી હોય તો સમગ્ર કરોડરજ્જુની સમાંતરે કે આખી પીઠ પર આ પ્રકારની પ્યાલીઓ ચિપકાવવામાં આવે છે. જોકે ફાયર કપિંગથી દાઝ્યાના અમુક દાખલા પણ નોંધાયેલા છે.
વેટ કપિંગ નામના કપિંગના બીજા મુખ્ય પ્રકારમાં કાચની પ્યાલીઓમાં હવાનું નહીંવત્ દબાણ સરજ્યા બાદ એ ભાગમાં શરીરમાંથી લોહી વહાવવામાં આવે છે. ગ્રીક અને પર્શિયન મૂળિયાં ધરાવતી આ પ્રક્રિયાને ઇસ્લામિક પરંપરામાં હિજામા તરીકે ઓળખવામાં આવે છે.
આ થેરાપી દરમિયાન એક્યુપંક્ચર સ્પેશિયાલિસ્ટ કોટનનાં પૂમડાંને પહેલાં દારૂમાં પલાળીને પછી તેને કાચના એક નાના કપમાં મૂકીને આગ લગાવી દે છે. ત્યારબાદ આગ હોલવીને તે ગરમ કપને તરત જ ત્વચા પર મૂકી દેવામાં આવે છે.
તે શરીરમાં રહેલાં ઝેરી તત્વને બહાર કાઢે છે, જે રક્ત પરિભ્રમણને વધુ સારું બનાવે છે. ખાસ કરીને શરીરના તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવી દે છે, જ્યાં કપ લગાવવામાં આવ્યા હોય છે. તેનાથી નવું લોહી પણ બને છે, જે તમને ઘણા રોગોથી દૂર રાખે છે. દર્દથી આરામ કપિંગ થેરપી કરાવવાથી માઇગ્રેન, પીઠનો દુખાવો અને ગરદનના દુખાવામાં રાહત મળે છે.
તેને સોજાવાળી જગ્યા પર કરાવવાથી ટિશ્યૂનને આરામ મળે છે અને દુખાવો અદૃશ્ય થઈ જાય છે. આ ઉપરાંત, તે લોહીની ગાંઠ પણ દૂર કરે છે અને સ્નાયુઓમાં થતો દુખાવો ઓછો કરે છે.
કપિંગ સેશન દરમિયાન આરામદાયક અનુભવ થાય છે, જેનાથી તણાવ દૂર થાય છે. આ થેરાપી દરમિયાન કપ્સને શરીરના વિવિધ ભાગમાં ફેરવવામાં આવે છે. જેનાથી શરીરના અન્ય ભાગ સાથે મગજમાં પણ રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. તેથી તણાવ દૂર થાય છે.
સુંદરતા વધારે જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ, ડાઘા, ફોલ્લી થાય છે તેમના માટે કપિંગ થેરાપી શ્રેષ્ઠ સારવાર છે. આ થેરાપી બેક્ટેરિયા સાથે લડે છે અને લોહી શુદ્ધ બનાવે છે. ત્વચામાંથી ગંદકી બહાર કાઢે છે. ધૂળ માટી અને પ્રદૂષણ ત્વચાની અંદર ઉંડાણમાં જઇને નુકસાન પહોંચાડે છે, જેનાથી ચહેરાની સુંદરતા જતી રહે છે. પરંતુ કપિંગ થેરપી તમારી ત્વચાની અંદર જઇને તેમાં જામેલો કચરો બહાર કાઢે છે.
કરચલીઓથી છૂટકારો આ ઉપચારમાં તમારી ત્વચા ખેંચીને કપ્સ સાથે જોડવામાં આવે છે. તેનાથી તમારી સંકોચાયેલી સ્કિનમાં થોડું ખેંચાણ આવે છે. જેના કારણે તમારા ચહેરા પર પડેલી કરચલીઓની સમસ્યા ધીમે ધીમે ઓછી થાય છે. આ થેરાપીથી ચહેરાના સ્નાયુઓને પણ આરામ મળે છે.
જ્યારે વર્ષોથી કપિંગની પ્રૅક્ટિસ કરતા ચાઇનીઝ પ્રૅક્ટિશનરોનું કહેવું છે કે કપિંગ શરીરમાં યિન અને યાંગ તત્વોનું બૅલૅન્સ લાવે છે. એટલે જ હવે તો વિશ્વભરનાં બ્યુટી-પાર્લરો અને સૅલોંમાં પણ કપિંગ ઑફર કરવામાં આવે છે. ઈવન ઑનલાઇન વેબસાઇટો પર જાતે જ કપિંગ કરી શકાય એવી સેલ્ફ-કપિંગ ડિવાઇસ પણ વેચાવા માંડી છે.