કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારનાં કર્ણરોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ પાણીમાં અતિજલક્રિયા કરવાથી, કાનને ખોતરવાથી કે કાન પર આપાત થવાથી કે વાગવાથી જુદા જુદા કર્ણરોગો ઉત્પન્ન થાય છે.
કાનમાં થતા દુ:ખાવાને ‘કર્ણશૂલ’ કહે છે. જે ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે.
સમુદ્રફીણનું કાપડછાણ કરેલું ચૂર્ણ લઈ તેના ઉપર લીંબુના રસના બે-ત્રણ ટીપાં નાખી, કાનમાં દુ:ખાવો થતો હોય તે જગ્યા પર કે કાનમાં ચાંદુ પડયું હોય તો તે જગ્યા પર લગાવવું, તેનાથી દુ:ખાવામાં રાહત જણાશે અને કાનમાં જો પરુ આવતું હશે તો તેમાં પણ ફાયદો થશે.
કળથીને માટીનાં કલાડામાં શેકવી. તે ગરમ ગરમ કળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધનાં ટીપાં કાનમાં મૂકવાં. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.
૧૦-૧૦ ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું. તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૃર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પડી જાય ત્યારે થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ લેખના ટીપાં કાનમાં રોજ મૂકવાં. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે.
નાના અને બોલી ન શકતાં બાળકોમાં થતી કર્ણવેદના જાણવા માટે આયુર્વેદમાં કહ્યું છે કે, કાનમાં વેદના થતી હોય તો બાળક હાથથી વારંવાર કાનને સ્પર્શ કર્યા કરે છે. વારંવાર માથું હલાવે છે બેચેન થઈ જાય છે. ઊંઘતું નથી તથા ધાવતું પણ નથી. આ લક્ષણો પરથી તેને કાનમાં વેદના છે, તેવું અનુમાન કરી તેની સારવાર કરી શકાય છે. કર્ણરોગના દર્દીઓ માટે ઘઉં, ચોખા, મગ, જવ, જૂનું ઘી, પરવળ, રીંગણ, કારેલાં વગેરે હિતકારક છે.
જ્યારે વ્યાયામ, શિર:સ્નાન, વધારે બોલવું તથા કફકારક અને ગુરુપદાર્થોનું સેવન અહિતકર બતાવેલ છે. બિલાનો ગર્ભ લઈ ગોમૂત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું, પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવું. તેલ સિધ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલનાં બે-બે ટીપાં રોજ રાત્રે કાનમાં મૂકવાં. થોડા જ સમયમાં કાનમાંથી આવતાં અવાજો દૂર થઈ જશે. કર્ણનાદ રોગમાં સારીવાદિ વટી બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી. તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો. તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.
કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મિક્ષ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફો દૂર થાય છે.
આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.
તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે. લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બે-બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરૂં, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.
હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશૂળ મટે છે.સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
ગળોનો રસ સહેજ ગરમ કરી દિવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશૂળ મટે છે.કર્ણનાદ એ કફજન્ય રોગ છે. સમભાગે સૂંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તિ સુધરે છે જેનાથી કર્ણનાદ મટે છે.
મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મિશ્રણ દિવસમાં ત્રણેક વખત કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કાનમાં થતો વિચિત્ર અવાજ-કર્ણનાદ લાંબા સમયે મટે છે.કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.કાનમાં જંતુ જાય ત્યારે મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.
કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં ૧ નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.
સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે. કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે. સરસવના તેલમાં દસમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.