પપૈયાંનો રસ પેટ અને પાચનના રોગોમાં ખૂબ ઉપયોગી છે. પપૈયાનો રસ અને દૂધ- સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે અને એક ગ્લાસ્ સાંજે પીવાથી અનિદ્રાનો ભયંકર રોગ મટે છે અને મીઠી નિદ્રા આવે છે. પેટમાં જૂના મળનો ભરાવો થયો હોય તો તે કચરો આ જ્યુસથી બહાર નીકળી જાય છે. પેટના દુખાવામાં તેમજ કબજિયાતમાં પપૈયાનો મીઠો રસ ખૂબ જ ઉપયોગી છે.
ચામડીના રોગો મટાડવામાં પપૈયું છે ખૂબ મદદગાર: પાકેલાં પપૈયાના ફળનો છૂંદો કરી મોઢાં પર ખીલ થયા હોય તો તેના પર અથવા શરીર પર ચોળીને માલિશ કરવાથી ખીલ મટે છે. આવી રીતે માલિશ કરી અડધો કલાક પછી જ સ્નાન કરવું. આથી શરીર ચમકીલું બને છે. ચહેરા પરના ખીલ, શરીર પર થતી અળાઈ, કરોળિયા પણ મટે છે અને શરીરના તમામ છીદ્રોમાંથી ઝેર બહાર નીકળે છે. મોઢાનું તેજ વધે છે. કરચલી દૂર થાય છે. શરીર તાપને કારણે કે વ્યવસાયના કારણે કાળાશ પડતું થયું હોય તો પપૈયાના રસ દ્વારા ફરી ચમક મેળવી શકાય છે. પાકેલાં પપૈયાંનો રસ રેચક છે એનાથી શરીરનું તેજ વધે છે. પપૈયાનો રસ આંતરડાના કૃમિનો નાશ કરે છે તથા આંતરડાની દીવાલ પર ચોંટેલા મળ અને જંતુઓ નો નિકાલ કરે છે.
કાચું પપૈયું અને પપૈયાના દૂધના કેટલાક ફાયદા: પપૈયાંનાં કાચાં ફળ પર ચપ્પુ વડે ચીરા મૂકતા એમાંથી દૂધ ઝરે છે. આ દૂધ દાદર પર ચોપડવાથી દાદર મટે છે. ગૂમડામા કીડા પડયા હોય તો પણ આ દૂધથી કીડા મરી જાય છે અને ગૂમડું રુઝ પર આવે છે. પપૈયાનાં આ પ્રકારનાં દૂધમાં આલ્કોહોલ અથવા શુદ્ધ દારૂ મેળવી રાખી પછી ગાળી નાખી બાટલીમાં પેક કરવાથી ઔષધી તરીકે કામ લાગે છે. આ દૂધથી ઉદરના દર્દો, કૃમિ તથા એસિડિટી દૂર થાય છે. આ દૂધ સ્તન પર લેપ કરવાથી દૂધ વધુ આવે છે. ધાવણ વધે છે. પપૈયાંનાં પાન અને સાકર પાણીમાં નાખી પીવાથી ચાની ગરજ સારે છે. પપૈયાના પાનનો રસ હૃદયરોગમાં ઉપયોગી છે. તાવમાં હૃદય અશક્ત થાય ત્યારે પપૈયાના પાનનો રસ આપવાથી તાવ ઓછો થાય છે અને નાડી મધ્યમસર ચાલે છે.
સવારમાં મુખશુદ્ધિ ને પેટશુદ્ધિ કર્યા બાદ કાચાં પપૈયામાં અણીદાર સોયા ખોસી જે દૂધ ઝરે તે દૂધ પતાસાં ઉપર લઈ ખાવામાં આવે તો હૃદયરોગમાં ખૂબ જ ફાયદો થાય છે. વૃક્ષથી ઊતરે ત્યારે ફળ લીલાં હોય છે. પણ પાકે ત્યારે તે પીળાં બને છે. પાકાં પપૈયાનો રસ હાફૂસ કેરીના રસને મળતો દેખાય છે અને ગુણ પણ કેરી જેટલાં જ ઉત્તમ છે. પપૈયું જેમ પાકે તેમ એમાં ‘સી’ વિટામિન વધે છે. એ આ ફળની અજાયબી છે.
કાચાં પપૈયા પર કાપ મૂકી દેવાથી જે દૂધ ઝરે તે રકાબીમાં ઝીલી લેવું. પછી સૂર્યનાં તડકે આ દૂધને સૂકવી તેનું ચૂરણ કરવું. આ ચૂરણથી અસ્થિરોગ મટે છે અને લોહીનું દબાણ ઘટીને સપ્રમાણ થાય છે. પાકા પપૈયાનો રસ અને દૂધ ભેગાં કરીને રોજ પીનારો કાયાના રૂપરંગ સુધારે છે. કાયાનું કલેવર બદલવા તેમજ કાયાની તંદુરસ્તી વધારવા આ મધુર પીણાંનો રોજ ઉપયોગ કરવો જોઈએ.
કોને પપૈયું ખાવું નહીં? આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ‘ગર્ભવતી મહિલાઓએ કાચું કે પાકું પપૈયું ખાવું નહિ. જો ખાવા આવે તો ગર્ભપાત થવાની શક્યતા રહેલી છે. પ્રમેહના રોગીઓએ પણ પપૈયું ન ખાવું. અતિશય ગરમીવાળા લોકોએ પણ પપૈયું ન ખાવું. રક્તપ્રદરવાળી સ્ત્રીઓએ પપૈયાંનો ત્યાગ કરવો. સ્તનપાન કરાવતી માતાઓએ પણ ડોક્ટર ની સલાહ લીધા પછી જ પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયાના અતિશય સેવનથી પથરીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતું પપૈયું ખાવાથી પેટમાં દુખાવો, ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો લોહી પાતળી દવાઓ લે છે તેઓએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. એક વર્ષથી ઓછી વયના શિશુઓ માટે પપૈયાનું સેવન યોગ્ય નથી. જો કે પપૈયા કબજિયાત માટેનો કુદરતી ઉપાય છે, પરંતુ જો તેનું મહત્તમ માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી વિપરીત અસરો થઈ શકે છે.
નોંધ: કોઈ પણ રોગીએ અને ગર્ભવતી સ્ત્રીઑે પપૈયાનું સેવન વૈધ કે ડૉક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ.