આદુના તાજા રસનાં પાંચ-સાત ટીપાં નાભીમાં દીવસમાં ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. દુ:સાધ્ય અતીસાર પણ મટે છે. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી અપચાજન્ય અતીસાર મટે છે.
જવ અને મગનું ઓસામણ પીવાથી આંતરડાની ઉગ્રતા શાંત થાય છે અને અતીસારમાં ફાયદો થાય છે.૨-૩ ગ્રામ આંબાની ગોટલી મધમાં લેવાથી ઝાડા મટે છે. આંબાની ગોટલી દહીંમાં વાટીને લેવાથી કાચા ઝાડા મટે છે.ગાજર ઉકાળી તેનું સુપ બનાવી પીવાથી ઝાડા મટે છે.
આંબાનાં કુમળાં પાન અને કોઠાના ફળને પીસી ચોખાના ઓસામણ સાથે લેવાથી પાકેલો અતીસાર મટે છે.આંબાની ગોટલી છાસ અથવા ચોખાના ઓસામણમાં વાટીને આપવાથી રક્તાતીસાર મટે છે. આંબાના પાનનો સ્વરસ ૨૦ ગ્રામ, મધ ૧૦ ગ્રામ, ઘી ૫ ગ્રામ અને દુધ ૧૦ ગ્રામ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.
આંબાનાં પાન, જાંબુનાં પાન અને આમલીનાં પાન સરખે ભાગે લઈ, ખાંડીને સ્વરસ કાઢી, તેમાં તેટલું જ બકરીનું દુધ મેળવી, થોડું મધ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.આંબાની અંતરછાલનો ઉકાળો દીવસમાં ત્રણ વાર આપવાથી રક્તાતીસાર મટે છે. આંબાની અંતરછાલ ૨૦-૪૦ ગ્રામ અધકચરી કરી, અષ્ટમાંશ ઉકાળો કરી મધ મેળવી પીવાથી અતીસાર અને મરડો મટે છે.
ખજુરનો ઠળીયો બાળી કોલસો કરી બબ્બે ગ્રામ રાખ દીવસમાં બેત્રણ વાર ઠંડા પાણીમાં લેવાથી ઝાડા બંધ થાય છે. અથવા ખજુરના ઠળીયાનો પાઉડર ૧-૧ નાની ચમચી દીવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી ઝાડા મટે છે. (૧૧) ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતીસાર(ઝાડા) મટે છે.
એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય અતીસાર મટે છે. જાયફળ, ખારેક અને અફીણ સરખે ભાગે લઈ, નાગરવેલના પાનના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવવી. આ ‘જાતીફલાદી ગુટીકા’ છાસમાં લેવાથી ગમે તેવા ઝાડા બંધ થાય છે.
તજ અને ધોળા કાથાનું ૧/૨, ૧/૨ ગ્રામ ચુર્ણ મધમાં મેળવી લેવાથી અપચો થઈ વારંવાર થતા પાતળા ઝાડા મટે છે.તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી રક્તાતીસાર અને સામાન્ય ઝાડા મટે છે.
પરવળનાં પાન, જવ અને ધાણાનો ઉકાળો ઠંડો પાડી મધ અને સાકર મેળવી પીવાથી ઉલટી સાથે થતા ઝાડા-અતીસાર મટે છે. પાકાં જાંબુ ખાવાથી પીત્તના ઝાડા મટે છે.ઝાડામાં ડુંગળી, આદુ અને ફુદીનાના રસમાં મીઠું મેળવીને આપવું. વધુ પડતા પાતળા ઝાડા થતા હોય, મરડો મટતો ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ આપવું.
એકાદ લીટર પાણીમાં દસેક ગ્રામ જેટલી ખાંડ અને એકાદ નાની ચમચી મીઠું(નમક) નાખી, ગરમ કરી બોટલમાં ભરી રાખવું. દર બે કલાકને અંતરે અડધો – અડધો ગ્લાસ જેટલું આવું પાણી પીવું. આનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાં આવી જાય છે.
ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું. ઝાડામાં તુલસીનાં પંચાંગ(મુળ, ડાળી, પાન, મંજરી, બીજ)નો ઉકાળો આપવો. ઝાડામાં ઉપવાસ અત્યંત લાભદાયી છે.હરડે, સુંઠ અને વરીયાળી શેકીને લેવાથી અતીસારનો દુ:ખાવો મટે છે.