હેલ્થ જાળવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરે છે, કારણ કે માનવામાં આવે છે કે કાકડી, ટમેટા, મૂળી, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક હોય છે, પણ જો લીલાં શાકભાજી તથા સલાડની સાથે જ ભોજનમાં અંકુરિત અનાજને સામેલ કરવામાં આવે તો વધારે ફાયદો બમણો થઈ જાય છે.
કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે. પરંતુ આજે અમે તમને તેના વિશેષ ફાયદા વિશે જણાવીશું. જે જાણીને જો તમે ફણગાવેલા કઠોણ નહીં પણ ખાતા હોવ તો ચોક્કસ ખાતા થઈ જશો.
કઈ રીતે અનાજને ફણગાવશો
અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો ઉપયોગ થાય છે. એક રીત કે જે તમામ ગૃહિણીઓ અપનાવે છે તે છે અનાજને તેનાથી બે ગણા પાણીમાં પલાળવું. અનાજ બરાબર પલળી જાય એટલે તેમાંનું પાણી કાઢીને તેને કપડાંમાં બાંધવામાં આવે છે. ઘણીવાર તે પોટલીને લટકાવી રાખવામાં આવે છે. ગરમીની ઋતુમાં આ પોટલી પર પાણી છાંટીને તેને ભીની રાખવામાં આવે છે કારણ કે અંકુર લાવવા માટે ભેજ જરૂરી છે. કઠોળના પ્રકાર પ્રમાણે તેમને અંકુરિત થવામાં ઓછો-વત્તો સમય લાગે છે. કેટલાંક અનાજ બે દિવસે તો કેટલાક ચાર પાંચ દિવસે અંકુરિત થાય છે.
ફણગાવેલા કઠોળ ના ફાયદાઓ
ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. અનાજના અંકુરો અનાજને પચવામાં હલકા બનાવે છે. આવા અનાજોમાં પ્રોટીન, સ્ટાર્ચ, ચરબી વગેરેને તોડીને સુપાચ્ય બનાવનારા એન્ઝાઈમ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
અનાજ જ્યારે સૂકું હોય ત્યારે તેમાં વિટામિનની હાજરી હોતી નથી. પરંતુ તે અંકુરિત થાય ત્યારે તેમાં વિટામિન ‘સી’, ‘ઈ’ અને ‘એ’નું પ્રમાણ વધે છે. ઉદાહરણ તરીકે ફણગાવેલા મગમાં વિટામિન ‘એ’ 285% જેટલું, થીયામીન 2.8% જેટલું, રીબોફલેવીન આશ્ચર્યકારક રીતે 515% જેટલું નીયાસીન 256% જેટલું અને એસ્કોર્બીક એસિડ (વિટામિન ‘સી’) ૬૦૦% જેટલું વધે છે. અંકુર જેટલાં મોટા તેટલાં પોષક-તત્ત્વો વધારે હોય છે.
પ્રકાશમાં ફણગાવેલા અનાજમાં વિટામિન ‘કે’ નો પણ વધારો થાય છે. આ વિટામિન રક્ત અને લીવરના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ફણગાવેલા કઠોણ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.
ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.
ફણગાવેલા કઠોળમાં ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે. ફણગાવેલા ભોજનને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે.
ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે. અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો (ન્યુરોલોજીકલ-ડીસોર્ડર્સ) માંથી સાજા થવામાં મદદ મળે છે.
અંકુરિત અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે. અંકુરિત અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.
સવારનો નાસ્તો એ અંકુરિત અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.
દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.
ફણગાવેલા ઘઉંમાં રહેલા ફાઈબરને કારણે તેના નિયમિત સેવનથી પાચનક્રિયા મજબૂત થાય છે. જેથી જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેવા લોકો માટે ફણગાવેલા ઘઉંનું સેવન ફાયદાકારક રહે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે.
ફણગાવેલું ભોજન શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધારે છે. આ શરીરમાં બનનારા ઝેરી પદાર્થોને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ થાય છે અને નવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ખાદ્ય પદાર્થમાં ભરપૂર માત્રામાં વિટામિન અને પ્રોટીન હોય છે. આ સિવાય કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવે છે.
ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે. અંકુરિત ભોજન પદાર્થમાં રહેલા વિટામિન અને પ્રોટીન હોય છે તો શરીરને ફીટ રાખે છે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે.