અંજીર ને અંગ્રેજી માં ફિગ્સ અને સંસ્કૃત માં અંજીર જ કહેવામાં આવે છે . અંજીર ના ઝાડ મધ્યમ કદના હોય છે. તેનાં પાન પહોળા હોય છે. તેની ડાળખીમાં તેમજ પાનમાં તોડતી વખતે તથા મૂળ માંથી દૂધ નીકળે છે. એનું ફળ તો વડના ટેટા જેવા ડાળીએ પોપડાની જેમ બાઝે છે. પર્વત પ્રદેશમાં થતા અંજીરની ઉપજ મોટા પ્રમાણમાં હોય છે,પણ તે બગીચામાં થતા અંજીર કરતાં નાના હોય છે.
બજારમાં મળતાં અંજીર ચપટા તથા દોરામાં પરોવીને રાખવામાં આવતા હોય છે. એને કાપતાં અંદરથી સફેદ પીળચટું કઠણ બીજ મળી આવે છે. તે સ્વાદિષ્ટ અને ચીકણા હોય છે. અંજીર ગરમ પ્રદેશની પેદાશ છે. સૂકા અંજીર અરબસ્તાન તરફથી આવે છે. સફેદ, તાજાં અને મીઠાં અંજીર ઉત્તમ ગુણકારી હોય છે.
ચાલો આપણે હવે અંજીર ના ગુણો જોઈએ. અંજીર ગુણ માં પૌષ્ટિક તથા પિત્તનાશક હોય છે. તે કફગ્ન, રેચક તથા શીતળ પણ હોય છે. અંજીર નો ઉપયોગ આયુર્વેદિક રીતે કેમ કરવો એ જોઈએ.ઉધરસ તથા લોહીના વિકાર માટે અંજીર વપરાય છે. ખૂબ ઠંડીમાં દમની વ્યાધિ હોય ત્યારે ચોરઆમલા સાથે અંજીર લેવાથી ઘણી રાહત થાય છે. નબળા શરીર વાળા અંજીર શક્તિ આપે છે. અંજીર માં લોહી માં વધારો કરવાનો ગુણ રહેલો છે. ગળા તથા જીભ ના સોજા પર સૂકા બાફેલા અંજીર નો લેપ કરવાથી પણ ઘણી રાહત થાય છે. તથા પક્ષીઘાત માં પણ અંજીરનો ઉપયોગ થાય છે. ઉનાળાના દિવસોમાં ગરમી માં તાજા અંજીર તરસ છીપાવે છે.
એનાથી પરસેવો થાય છે. અંજીર સ્ત્રીના રક્તપ્રદર રોગને મટાડે છે. એનાથી ધાતુ પુષ્ટિ થાય છે. તેનાથી કબજિયાત મટે છે. ફેફસાંની તકલીફમાં પણ અંજીર ઉપયોગી નીવડે છે. ચામડી ફાટી હોય ત્યારે એના પાંદડાંને રાખ લગાવવાથી ચામડી ફાટતી અટકે છે અને રૂઝાઈ જાય છે. અનીસૂન સાથે લગભગ દોઢેક મહિના એનો ઉપયોગ કરવાથી છાતીમાં બળતરા, હૃદયની શરદી, યકૃત તથા પ્લીહા ની બળતરા, મૂત્રપિંડની નબળાઈમાં પણ ઘણી રાહત થાય છે. બદામ તથા પિસ્તા સાથે અંજીર નો ઉપયોગ કરવાથી શરીરમાં બળ વધે છે સાથે સાથે બુદ્ધિ અને મગજના જ્ઞાનતંતુઓને પણ સચેતન બનાવે છે.
સૂકા અંજીર ખાવાથી કમરનો દુખાવો , પેશાબની બળતરા ને દૂર કરે છે . એ મૂત્રપિંડમાં ગરમીનો વધારો કરે છે. સુકા અંજીરને ઉકાળા અને દૂધ તથા મધ સાથે ના ટીપાં આંખમાં આંજવાથી આંખનું તેજ વધુ પ્રબળ બને છે. તેના ઉકાળા ના રાઈ સાથેના ટીપાં કાનમાં પાડવાથી કાનમાં થતો અવાજ બંધ થાય છે.અંજીરમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. તેમજ હાડકાંના વિકાસમાં પણ ઉપયોગી છે.
અંજીર, બદામ, એલચી, ખડી સાકર, કેસર, ચારોળી, પિસ્તા એ બધાને સરખે વજને લઈ ગાયના ઘીમાં તળી પાક તૈયાર કરવો. આ પાક તાવ, બળતરા, શિરોરોગ તથા ધાતુની ક્ષીણતા મટાડે છે.એક પુખ્ત વયના વ્યક્તિ ના શરીરમાં દૈનિક 1000 મિલિગ્રામ કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે. દરરોજ ત્રણથી ચાર સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરમાં પૂરતી તાકાત-બળ મળે છે અને કેલ્શિયમની જરૂર પૂરી થાય છે.
અંજીર લીલા, ઉંબરાના પાકાં ફળ એ દરેક પાંચ તોલા, દ્રાક્ષ , મહુડા , આલુબુખારા , સૂકા અંજીર , ગળોસત્વ , ગોખરુ, ખડરાળિયો, કપૂરકાચલી,જવસોનાં મૂળ, ભાંગરો, અધેડો તથા કપૂર મધુર એ દરેક એક એક તોલો લઈ, લીલી અરડૂસી અને સાકર એ દરેક ૧૦ તોલા એ સર્વેને ખૂબ ઘૂંટી અને સોપારી જેવડી ગોળીઓ બનાવી શકાય. આ ગોળીને ગાયના દૂધમાં ઉકાળીને પિત્તજ્વર, અતિસાર, રક્ત વિહાર, પ્રમેહ, કૃમી, ભ્રમ, કોઢ, શ્વાસ અને વ્યાધિઓ પર આપવાથી ઘણી રાહત થાય છે. આની એક કે બે ગોળી લઈ દૂધમાં ઉકાળી શકાય.