એસિડિટી, વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ માં પણ આ રીતે ફાયદાકારક છે આ ઔષધિ, જાણો તેના અઢળક ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીનકાળથી એલચી મુખવાસ તરીકે વપરાય છે. એલચી(ઈલાયચી) અત્યંત સુગંધીદાર હોય મુખની દુર્ગંધ દૂર કરવા માટે ખૂબ જાણીતી છે. તે પાનમાં ખવાય છે, તેમજ સુગંધ લાવવા માટે શરબતો, પાકો અને વિવિધ મીઠાઈઓમાં પણ વપરાય છે.મસાલાઓમાં અને ઔષધોમાં પણ એ બહોળા પ્રમાણમાં વપરાય છે. એલચી કેરાલા-મલબારમાં કુદરતી રીતે પુષ્કળ થાય છે. મલબાર માંથી દર વર્ષે સેંકડો મણ એલચી ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં જાય છે.

એલચી ના છોડ હળદરના છોડ જેવા અને છથી નવ ફૂટ ઊંચાઈ ના થાય છે. તેના પાન એકથી બે ફૂટ લાંબા, ત્રણ ઇંચ પહોળા અને નીચેની બાજુએ રૂવાટી વાળા હોય છે. તેના ફૂલ રતાશ પડતા ધોળા રંગના અને સુગંધીદાર હોય છે. એલચીનું પહેલી વખત વાવેતર કરવાનું હોય ત્યારે તેના બી વાય છે. જૂની વાડીઓમાં તેની અંકુર ફૂટેલી ગાંઠો ચોપાય છે. કેળ ની જેમ તેના કંદમાંથી અંકુર ફૂટે છે. એ અંકુર સાત આઠ ઇંચ નો થાય એટલે બીજે ઠેકાણે વવાય છે.

નાળિયેર ની વાડીઓ ની શીતળ છાયા તેના છોડને ખૂબ અનુકૂળ આવે છે. તેને વાવવા માટે જુલાઈ ઓગસ્ટ માસ વધારે અનુકૂળ છે. તેના છોડ છ-સાત વર્ષ સુધી એલચી આપે છે. એક એકરમાં 7 થી 28 રતલ એલચી થાય છે. લીલી પાકી એલચીને ઉતારી લઈ ત્રણ-ચાર દિવસ મકાનમાં સુકવે છે. મગફળી ની સિંગો ની જેમ એલચી છોડના મૂળને વળગેલી હોય છે. એલચી નાની અને મોટી કે ઝીણી અને જાડી એમ બે જાતની થાય છે.

બંગાળી વૈદરાજો ઔષધોમાં મોટી એલચી જ વાપરે છે, જ્યારે ભારતમાં અન્યત્ર નાની એલચી વાપરવામાં આવે છે.બંને જાતોના ગુણો લગભગ સરખા છે,પરંતુ નાની એલચી વધારે સુગંધીદાર અને ગુણમાં પણ કંઈક અંશે ચડિયાતી છે. નાની એલચી ને કાગદી એલચી કહે છે.લવિંગ ની જેમ એલચી માંથી પણ વરાળયંત્ર થી અર્થ ખેંચી લેવામાં આવે છે. લાંબો સમય પડી રહેવાથી, જૂની થવાથી તેમાં જીવાત પડે છે. વળી તેના દાણા કાઢીને ખુલ્લામાં રાખી મૂકવાથી તેની વાસ ઉડી જાય છે. તેથી જરૂરિયાત પ્રમાણે જ એલચી ફોલી ને તેના દાણા કાઢીને વપરાશમાં લેવાં જોઈએ.

મુખવાસમાં, દૂધમાં કે બીજા ખાદ્ય પદાર્થોમાં ઓછાવત્તા અંશે રોજ એલચીનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.કેળના અજીર્ણ નું એલચી શ્રેષ્ઠ મારણ ગણાય છે.એલચી માંથી તેલ અને અર્ક નીકળે છે. મોટી એલચી પાકમાં એ રસમાં તીખી, અગ્નિને પ્રદીપ્ત કરનાર, હલકી, રુક્ષ અને ગરમ છે તેમજ એ કફ, પ પિત્ત,લોહીવિકાર,ખુજલી,શ્વાસ,તરસ,ઊબકા, કે મૂત્રાશય ના રોગો, મોઢાના રોગો, માથાના રોગો અને ઉધરસને મટાડે છે.

એલચી ના ઔષધીય ફાયદા:

નાની કાગદી એલચી  રસમાં તીખી અને હલકી છે. એ વાયુ, કફ, શ્વાસ, ઉધરસ અને મૂત્રકૃચ્છ અને મટાડે છે. એલચી દાણાનું ચૂર્ણ અને સાકર સરખે ભાગે લઈ તેમાં એરંડિયું મેળવી ચાર માસા જેટલું રોજ સવારે લાંબા સમય સુધી લેવાથી આંખો માં ઠંડક થઈ આંખોનું તેજ વધે છે.એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી, દમ અને અશક્તિ મટે છે. નાની એલચી ને તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું, તેનું ચૂર્ણ કરી ચાર-ચાર રતી ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવાથી સૂકી ખાંસી મટે છે.

એલચી દાણાનું બારીક ચુર્ણ ચાર રતી અને સુંઠનું ચૂર્ણ ૪ રતિ મધમાં મેળવીને ચાટવાથી અથવા એલચીના તેલના ચાર-પાંચ ટીપાં સાકર સાથે લેવાથી કફ જન્ય ખાંસી મટે છે.એલચી દાણા સિંધવ, ઘી અને મધ એકત્ર કરીને ચાટવાથી કફ રોગ મટે છે. એલચી દાણા, બિલા, સાટોડી, દૂધ અને પાણી એકત્ર કરી દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી સર્વ પ્રકારનો તાવ મટે છે. એલચીને આમળા ના રસ કે તેના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પેશાબની બળતરા અને હાથ-પગની બળતરા મટે છે.

એલચી દાણા વાટીને ફાકી જવાથી કે મધમાં ચાટી જવાથી જીવડહોળાતો હોય, ઊલટી જેવું થતું હોય તો મટે છે. એલચી ધાણાનું એકથી બે માસા જેટલું ચૂર્ણ અથવા એલચીના તેલના પાંચ ટીપા દાડમના શરબતમાં મેળવીને પિવડાવવાથી ઉબકા અને ઉલટી મટે છે. ફોતરા સાથેની એલચી બાળીને તેની પાંચ રતિ ભસ્મો મધ સાથે વારંવાર ચટાડવાથી કફ જન્ય ઉલટી મટે છે. એલચી ધાણાનું ચૂર્ણ ચારથી છ રતી અને શેકેલી હિંગ એક રતી લઈ લીંબુના થોડાં રસમાં મેળવીને આપવાથી પેટનો વાયુ અને આફરો મટે છે.

એલચી દાણા, શેકેલી હિંગ, જવખાર અને સિંધવ નો કાઢો કરી, તેમાં એરંડિયું મેળવીને આપવાથી કમર, હદય, ડુંટી,પીઠ,મસ્તક, કર્ણ,નેત્ર વગેરે ઠેકાણે થતો દુખાવો જલ્દી મટે છે. એલચી, ધાણાનું ચૂર્ણ બે માસા અને બે ત્રણ ગેઇન ક્વિનાઈન મેળવીને આપવાથી વાતનાડી ના દુખાવા માં ફાયદો થાય છે.એલચી દાણા, પીપરીમૂળ અને પટોલપત્ર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી એક થી બે માસા શુદ્ધ ઘી સાથે ચાટવાથી કફજન્ય હૃદયરોગ અને હૃદય નો દુખાવો મટે છે.

એલચી દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઇ ઘી સાથે રોજ સવારે ચાટવાથી હદય રોગ મટે છે. એલચી દાણા, જાવંત્રી, બદામનો મગજ, ગાયનું માખણ અને સાકર એકત્ર કરી રોજ સવારે ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે તેમજ વીર્ય ઘટ્ટ બને છે. આસંધ, શતાવરી, ગોખરુ, ધોળી મુસળી, કૌંચા, ખરેટી ના બી, એખરો, એલચી દાણા અને બદામ, એ બધા સરખે ભાગે લઈ, બધાના વજન જેટલી સાકર લઇ ચૂર્ણ કરવું.સવાર-સાંજ અડધા તોલા જેટલું આ ચૂર્ણ ગાયના દૂધમાં લેવાથી વીર્યમાં વૃદ્ધિ થાય છે.

એલચી દાણા અને શેકેલી હીંગનું ચુર્ણ ત્રણ રતી જેટલું ચુર્ણ ઘી અને દૂધ સાથે આપવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો ફાયદો થાય છે. એલચી દાણા અને ઇસબગૂલ સરખે ભાગે, આમળાના રસમાં ખરલ કરી, બોર જેવડી ગોળીઓ બનાવી, એક એક ગોળી સવાર સાંજ લેવાથી સ્વપ્નદોષ માં ફાયદો થાય છે. ફોતરા સાથેની એક દોઢ માસો એલચીને ખાંડી, તેને દસ તોલા પાણી અને વીસ તોલા દૂધમાં ઉકાળી, બે-ચાર ઉભરા આવે ત્યારે ઉતારી ઢાંકી દઈ ઠંડુ થયા બાદ સાકર મેળવી, અડધા અડધા કલાકે ૧૦ તોલા પીવડાવવાથી પેશાબ છૂટે છે.

એલચી દાણા અને સૂંઠ સમભાગે લઇ દાડમના રસમાં કે દહીંના નીતર્યા પાણીમાં સિંધવ મેળવીને પીવાથી પેશાબ છૂટે છે. એલચી અને વાંસકપુર ત્રણ ત્રણ તોલા લઇ, સુખડના તેલમાં ઘૂંટી, તેની 14 ગોળીઓ બનાવવી, સવાર-સાંજ એક-એક ગોળી ઠંડા પાણી સાથે લેવાથી મૂત્રકૃચ્છ અને પરમિયો મટે છે. એલચી દાણા, કેસર, જાયફળ, વાંસકપુર, નાગકેસર અને શંખજીરું એ બધા સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ કરવું.

 

તેમાંથી બે માસ આ ચૂર્ણ લઇ, બે માસ મધ, છ માસા ગાયનું ઘી અને ત્રણ માતા સાકર મેળવી, સવાર-સાંજ 14 દિવસ સુધી લેવાથી તેમજ ગોળ, કોપરા વગેરે ગરમ પદાર્થ ન ખાવાથી રક્તમેહ અને દુજતા મસા મટે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે નાની એલચી સુગંધી, રુચિકર, દીપન-પાચન કરનાર, ઉદરપીડા નાશ કરનાર અને દાહશામક છે.રાત્રે એલચી ખાવી નહીં. તેથી ઘચરકો આવી કોઢ થવાનો સંભવ રહે છે. એલચીનું વધારે સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓને ગર્ભપાત થવાની પણ શક્યતા છે.

રોજ એલચી ખાઈને ગરમ પાણી પીવાથી મોંમાં રહેલાં બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેનાથી કેવિટીનો પ્રોબ્લેમ થતો નથી. સાથે જ મોંની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.એલચી માં રહેલા આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે તમારાં પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારાં મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે.

એલચી માં રહેલા તેલ તમારી લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે તમારી ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. એલચી માં રહેલા તેલમાં એક ઠંડો સ્વાદ રહેલો હોય છે જે એસિડિટીમાં થતી જલનમાં રાહત આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top