આશેત્રી એક જંગલી વૃક્ષ છે. એની પેદાશ મુખ્યત્વે ગુજરાત માં થાય છે. એનાં પાન કાંચન તથા આસોંદરા ના પાન જેવા પણ સહેજ તે પાન કરતાં જાડાં હોય છે. એ પ્રમાણમાં મોટા પણ હોય છે. તે પાન બીડી વાળવાના કામમાં વપરાય છે. એનાં વૃક્ષને સીંગો આવે છે. એની અંતરછાલને પીંછવાળા ભાગના બંદૂકના ટેટા બનાવે છે તેમજ એ અંતરછાલનો દવામાં પણ ઉપયોગ થાય છે.
શિંગો, પર્ણો તથા અંતરછાલ પણ ઔષધ તરીકે વપરાય છે. આશેત્રી ગુણમાં સ્તંભક તથા ધાતુપુષ્ટિ કરનાર છે. ઉપયોગ : આશેત્રીનાં કુમળી ડાળીનો રસ, ગાયનું દૂધ તથા ખડીસાકરસવારે તેમજ રાત્રે પીવાથી વહી જતી ધાતું બંધ થાય છે. આશેત્રીનાં પાનનો લેપ તાવ વગેરે આવે ત્યારે માથા પર લગાડતા ઘણી રાહત થાય છે.
એનાં પાનના રસને વાટેલાં મરી તથા તલના તેલમાં સાથે ભેળવીને ચાવતાં શૂળ થઈ હોય તે મટે છે તેમજ તે પાનને સહેજ પ્રમાણમાં ખડી સાકર સાથે લેતા પ્રમેહ માં પણ ઘણો ફાયદો થાય છે. આશેત્રીનો પાલો, કારેલી નો પાલો, જાંબુડા નો પાલો, ભાંગરાનો પાલો તથા મરી સરખે વજને લઈ વાટી લેવું અને એનો રસ કાઢી તેને ઘી સાથે લેતાં, નળવાયુ થયો હોય અથવા ગુદા રોગોમાં પણ ખૂબ જ ગુણકારી અસર બતાવે છે.
રસ કાઢી તેને ઘી સાથે લેતા, વાયુ થયો હોય અથવા ગુદા રોગોમાં પણ ખૂબ જ ગુણકારી અસર બતાવે છે. આશેત્રીના પ્રયોગો : આશેત્રીનાં પાન, મજીઠ, જીરું, વિદારીકંદ, સંધસરાનું મૂળ તથા ગોરડનો ગુંદર એ બધી દવાઓ સરખે વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું અને તેમાંથી નાની નાની ગોળી બનાવી એ ગોળી ના સેવનથી પેશાબ તથા અતિસારની સમસ્યામાં રાહત મળે છે.
આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓના અતિરક્તસારમાં સારી અસર બતાવે છે. આશેત્રીની અંતરછાલ, કાળા તલ, મજીઠ અને શતાવરી એ દરેક પા તોલો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણ સર્ગભા સ્ત્રીને બીજે ત્રીજે મહિને ગર્ભપાત થતો હોય તેને અટકાવે છે અને ગર્ભને સ્થિર કરે છે. પૂરા મહિને પ્રસૂતિ થવામાં મદદ કરે છે.
આશેત્રીની અંતરછાલ, ભોંકોળું, શિંગોડા અને ગોખરૂ એ દરેક એક ભાગ, આશેત્રીનાં પાનનો રસ ત્રણ ભાગ એ બધાને સાથે ઘૂંટી છાંયડે સૂકવી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી ધાતુપુષ્ટિ થાય છે, એ જઠરને પ્રદીપ્ત કરે છે. વાતપિત્તના ઉપદ્રવ અને પેશાબની પથરી તથા કાંકરીનો અટકાવ કરવા માટે વપરાય છે. આ પ્રયોગ ચાલતો હોય ત્યારે ગાયનું દૂધ પીવું જોઈએ.