આજકાલ જીવનશૈલી ફરવાના કારણે લોકો વધુ ને વધુ બીમાર પડી રહ્યા છે પરંતુ જો માત્ર થોડો ફેરફાર ખાવા પીવામાં કરવામાં આવે તો ક્યારેય પણ દવાખાને જવાની જરૂર નહિ પડે. આજે અમે તમને બતાવીશું એ આયુર્વેદની મહત્વની બાબતો જે આપડા ઋષિમુનિઓ એ પણ શાસ્ત્રોમાં જણાવી છે અને એનું માત્ર પાલન કરવાથી લાખોના ખર્ચ થી બચી જીવનભર તંદુરસ્ત રહી શકાય.
રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ જવું તથા સ્વચ્છ પાણીથી સ્નાન કરવું. બાવળ અથવા લીમડાનું દાતણ કરવું. તાજી હવામાં ફરવું. બની શકે તેટલો વ્યાયામ કરવો. ભોજન, ભોજનાલય અને ભોજન બનાવનાર ખૂબ જ સ્વચ્છ હોવાં જોઈએ. ખાદ્ય દ્રવ્યો, સુપક્વ, સુયોગ્ય, શુદ્ધ અને પવિત્ર હોવાં જોઈએ. શાકભાજી તાજાં અને સ્વચ્છ લેવાં. ભોજનાલયમાં માખીઓ, ગંદકી, ધળ વગેરે ન હોવું જોઈએ.
પાણિયારું, પાણી ભરવાનાં વાસણ અને પાણી ખૂબ જ સ્વચ્છતા માગે છે. પાણીને બે વખત સ્વચ્છ ગળણા વડે ગાળવું જોઈએ. પાણી પીવાના કળશા-પ્યાલા એઠા કરીને ગોળા-માટલામાં ન બોળવા જોઈએ. આસપાસ કોઈ પ્રકારનો રોગ હોય તો ઘરના બધા માણસોએ ઉકાળીને ઠારેલું પાણી પીવું જોઈએ.
રહેવાનું મકાન સ્વચ્છ, હવા, પ્રકાશ અને સૂર્યનો તાપ આવી શકતો હોય એવું હોવું જોઈએ. મકાનમાં કોઈ પ્રકારની ગંદકી ન રાખવી જોઈએ. ઘણા માણસો સોડ માથાથી પગ સુધી કરી સૂઈ જાય છે. આ રીત ખરાબ છે. તે ત્યજવી જોઈએ. સૂતી વખતે ઇષ્ટની પ્રાર્થના કરી નિશ્ચિત મનથી સૂઈ જવું.
શ્વાસ લેવાની ટેવ મો ના બદલે નાકથી જ પાડવી. નાક એ શ્વાસ લેવાનું યંત્ર છે. બહુ તંગ ન હોય તેવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. ઋતુઋતુનાં તાજાં ફળો ખૂબ જ પોષણ આપનારાં હોય તે ખાવાં. જમીને તરત જ સ્નાન ન કરવું. ખાધા પછી વ્યાયામ કરવો નહીં.
ખોરાક ખૂબ જ ચાવવો જોઈએ. ‘ખોરાક પીઓ અને દૂધ ચાવો.’ અર્થાત્ ખોરાકને ખૂબ ચાવીને પ્રવાહી બનાવી દૂધ ધીરેધીરે પીઓ. મન અને યૌવનને ઉશ્કરે એવું ગંદુ સાહિત્ય કદી પણ ન વાંચવું. સંધ્યા સમયે લેખન-વાંચન બંધ કરવું. શરીર પર ખૂબ તેલ ચોળી પછી સ્નાન કરવું. બે મિનિટમાં સ્નાન કરીને ઉભા થવું, એ તો નાહવાની મશ્કરી છે.
ઘરમાં ચારે તરફ થૂંકવું નહીં તેમ જ નાક પણ સાફ ન કરવું. ખાતાં પહેલાં હાથપગ અવશ્ય ધોવા. કાન ખોતરવા નહીં. દાંતને બરાબર સ્વચ્છ રાખવાં. શોખ ખાતર ચશ્માં પહેરવા નહીં. કોઈનું એઠું ખાવું નહીં. ઘર બહારની વસ્તુઓ કદી પણ પેટમાં ન નાંખો. બહુ પાનસોપારી ન ખાઓ. વ્યસનોના ગુલામ ન બનો. શરાબની આદત પાડશો નહીં. પુરુષે ૨૫ વર્ષ પહેલાં અને સ્રીએ ૨૦ વર્ષ પહેલાં ધાતુને વેડફશો નહીં.