આગિયાના છોડ આશરે ત્રણ- ચાર ફૂટ ઊંચા હોય છે. તે ખાસ કરીને ઊભા અને ઝાઝી ડાળખીવાળા હોય છે. તેની ડાળખી ચારે બાજુ હોય છે. એનાં પાન સામસામે હોય છે. તેનાં ફૂલ સફેદ રંગની છાંટવાળા હોય છે. આ છોડ અનાજ પાકતા ખેતરમાં ઊગે તો એનો નાશ કરવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. એ શરીરને અડતાં બળતરા ઉત્પન છે.
આ છોડ થોડો સુગંધીદાર હોય છે. આગિયો ગુણમાં અગ્નિદીપક, રેચક, અમ્લ અને ક્ષોભક હોય છે. એ ઉપરાંત મૂત્રલ પણ હોય છે. આગિયો સામાન્ય રીતે પાચનશક્તિ વધારે છે તથા વીર્યમાં વધારો કરે છે એ વાતકારક પિત્તજનક છે તે રૂધિર વિકાર તથા મૂત્રકૃચ્છ પર વપરાય છે. તે સારક ગુણ ધરાવતો હોવાથી દસ્ત સાફ આવે છે. એ રૂચિકર પણ છે. કફ તથા વાતમાં અપાય છે.
આગિયાનાં પાન સુકાયા બાદ એનો ક્ષોભક ગુણ જતો રહે છે તેથી એનો ઉપયોગ કરતી વેળા ખૂબ કાળજી રાખવી પડે છે. આગિયા નો છોડ, નાગરમોથ અને સૂંઠનો કવાથ, જ્વર માં આપવાથી ફાયદો કરે છે. આગિયાના છોડનો રસ દાદર ઉપર ચોપડવાથી તે મટે છે. તેનાં પાન સ્વાદે ખાટા હોય છે, પણ એને શરીરે લગાડતા થોડા સમય બાદ શરીરે ફોલ્લા થઈ આવે છે.
સંધિવાના દર્દમાં ઉપરાંત સખત તાવ આવ્યો હોય અને માથાનો સખત દુખાવો થતો હોય ત્યારે માથા પર તેને લગાવવાથી માથું હલકું થાય છે. ગાંઠ, સોજો, પાઠા ઉપર આગિયાનાં સુકાયેલ પાંદડાં, કાજલીના સૂકવેલાં પાન અને અધેડા ના પાન એ દરેક એક એક તોલો લઈ તેની રાબ બનાવી, આ રાબને ખાંખણના તેલમાં મિક્સ કરીને લગાવી શકાય. આનાથી પણ ઘણી રાહત થાય છે.
આગિયાના લીલા છોડ ઘણી વાર મળતા નથી એટલે એનો સુકાયેલો છોડ હોય તો તે લાવી ખાંડીને ભૂકો કરી ઉપયોગમાં લઈ શકાય. આગિયાનું પંચાંગ બે તોલા, મોરથુથુ ફુલાવેલ એ દરેક અડધો તોલો અને પાપડીયો ખારો પા તોલા લઈ એ તમામને વાટી સોગઠી બનાવી રાખવી. આ રીતે બનાવેલી સોગઠીને લેપ કરી લગાવવાથી ગડ-ગૂમડાં, પાઠા અને ગાંઠ ફોડી રક્ત બહાર નીકળે છે.
જે લોકો સહન કરી શકતા ન હોય તેમને ગૂમડે આ લગાડવાથી તે ગૂમડું પાકી જાય છે અને જલદીથી ફૂટે છે અને રાહત થાય છે. આગિયાનું પંચાંગ, કાકડી ના બીજ, સરસવ, ગજપીપર, લીંડીપીપર, દેવદારનું તેલ, કપિલ, કંથરનું મૂળ અને બહેડાં એ દરેક અડધો તોલો, કરિયાતું, કલંબો, ખડસલી ને વાવડીંગ પા તોલો, ફુલાવેલી ફટકડી, સાજીખાર સિંધવ અને સંચળ એ દરેક ત્રણ વાલ જેટલું લઈ એનું ચૂર્ણ બનાવી શકાય.
ઓડકાર આવતો હોય અથવા બગાસા આવે ત્યારે આ ચૂર્ણ લઈ શકાય. ઘણીવાર ગાંઠ, ગોળો કે મૂત્રની અટકાયત વાછૂટ તથા મળની અટકાયત થાય ત્યારે પણ આ ચૂર્ણ લઈ રાહત મેળવી શકાય. હૃદયનું ભીંસાવું તથા સાંધાના શૂળ વગેરે વ્યાધિઓમાં પણ આ ચૂર્ણ વાપરી શકાય. મોટા પ્રમાણમાં એનાં ચૂર્ણનો લેપ કરવાથી એની ગાંઠો ગળી જાય છે.