શતાવરી નું મૂળ સંસ્કૃત નામ બહુપત્રા છે. તેની પ્રકૃતિ શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક છે. શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની બનાવી ને ખવાય છે. તો ચાલો આ ક્ષીરપાક બનવાની રીત જોઈએ અને તેનાથી થતાં ફાયદા પણ જોઈએ. ૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવરીના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો જેઠીમધનું ચૂર્ણ નાખવું. તેમાં થોડી ખાંડ ઉમેરી ચૂલા પર ધીમા તાપે ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ચૂલા પર રાખવું. પછી નીચે ઉતારીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ગાળીને પી જવું. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો.
આ પ્રયોગથી ગળામાં, હોજરીમાં, આંતરડામાં, સ્ત્રીઓને ગર્ભાશયમાં, યોનિ પ્રદેશમાં કે મુખમાં ચાંદાં પડ્યાં હોય તેમાં ફાયદો થાય છે તેવા ચિકિત્સકોએ સફળ પ્રયોગો કરેલા છે. બને ત્યાં સુધી ક્ષીરપાકમાં બકરીનું દૂધ ઉપયોગમાં લેવું. નહિતર ગાયનું દૂધ વાપરવું.
આ પ્રયોગ શરૂ કરતી વખતે કેટલીક પરેજી પણ પાળવી જરૂરી છે. આ ક્ષીરપાકના પ્રયોગ દરમિયાન ખાવામાં ગરમ પદાર્થો દૂર કરવા જેવાં કે સૂંઠ, મરી, પીપર, રાઈ, હિંગ, ડુંગળી, લસણ, બાજરી, રીંગણાં, મરચાં, ગોળ વગેરે. દર્દીએ આ પ્રયોગ દરમિયાન નિર્દોષ શાકભાજી, રોટલી, ભાખરી, કઠોળ તથા વિશેષ પ્રમાણમાં દૂધનો આહાર લેવો.
શુક્રવર્ધક તરીકે શતાવરી વપરાય છે. પુરુષના શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય તો શુક્રાણુની શક્તિ વીર્ય પાતળું પડી જવાથી ઓછી થાય છે. તથા જાતિય નબળાઈ આવે છે. આવા કિસ્સામાં શતાવરીના ઉપર મુજબ ક્ષીરપાકનો ઇલાજ ધીરજપૂવર્ક ઉપરના વિધિ પ્રમાણેની પરહેજી સાથે છ માસ સુધી કરવાથી લાભ થાય છે. સાદા ઉપાય તરીકે શતાવરીનું પાંચ ગ્રામ ચૂર્ણ એક કપ દૂધ સાથે રોજ રાત્રે લેવાથી પણ ફાયદો થાય છે.
વજન વધારવા માટે શતાવરી: જે વ્યકિતઓના પિત્તના વધી જવાને કારણે શરીરનું વજન વધતું ન હોય કે દુર્બળતા આવી ગયેલ હોય તેઓએ પણ શતાવરીનો ઉપર મુજબનો ક્ષીરપાક ઉપાય અજમાવવો. તેમણે ક્ષીરપાક ઉપરની રીતે બનાવતી વખતે તેમાં અશ્વગંધાનું ચૂર્ણ પણ પાંચ ગ્રામ નાખવું. અને ક્ષીરપાક લેતી વખતે આયુર્વેદિક ફાર્મસીમાંથી સંશમની (નં.૧) ગુટિકાની ત્રણ ત્રણ ગોળી લેવી. આના કારણે શરીરની ગરમી ઓછી થાય છે અને લોહી-માંસ વધે છે. જેમના શરીર ઉષ્ણ રહેતાં હોય અને સ્વભાવ ચીઢિયો થઈ ગયો હોય તેમને માટે આ ઇલાજ ખાસ અજમાવવા જેવો છે.