કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે.
જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે.
શરદીમાં શરૂઆતના લક્ષણ તરીકે થતો ગળાનો દુખાવો જો સમયસર સારવાર કરીને મટાડવામાં ન આવે તો ઇન્ફેક્શન ફેફસા સુધી ફેલાય છે. કફ ના કારણે થતા ગળા ના દુખાવા માં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ફટકડીનો ટુકડો પાંચથી છ વખત ફેરવી ને તે પાણી વડે દિવસમાં ત્રણ વખત કોગળા કરવા. ફટકડી જંતુનાશક છે. તે ગળામાં રહેલ વાયરસનો નાશ કરી કફને દૂર કરે છે.
જો ગળામાં દુ:ખાવો થતો હોય તો, સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચાવો. તેનાથી મોઢામાં છાલા માં પણ આરામ મળશે. તુલસીના 20 પત્તા આદુનો એક નાનો ટુકડો અને 5 કાળામરીને ચામાં નાખીને ઉકાળો અને તે ચાનું સેવન કરો. તેનું સેવન સવારે અને સાંજના સમયે કરી શકાય છે. બે ચાની વચ્ચે 10થી 12 કલાકનો ગેપ રાખો.
આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો.
ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે. નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે. આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.