જાંબલી રંગના રાયના દાણા જેવા ફળ ધરાવતું પીલુડીનું વૃક્ષ સંસ્કૃતમાં મેસ્વાક અને મરાઠીમાં હિરામોતી નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે ઉગતા પીલુડી વૃક્ષના ફળમાં પેઢા મજબૂત કરવાની તાકાત છે.
પીલુડીના ફળ શરુઆતમાં મીઠા અને છેલ્લે તીખા લાગે છે. પીલુડીનું વૃક્ષ પુષ્કળ પક્ષીઓનો આશરો છે તેમાં પણ ખાસ કરીને બુલબુલનું પ્રિય વૃક્ષ છે. કચ્છ પ્રદેશમાં એક સ્થાનિક વૃક્ષ થાય છે જેનું નામ પીલુડી છે. આમ તો પીલુડી ત્રણ જાતની થાય છે, પણ કચ્છમાં બે જાતની જોવા મળે છે. મીઠી અને કડવી. બેય પર જુદા-જુદા રંગનાં ફળ લાગે છે.
મીઠી પીલુડીનાં ફળ પીળા રંગના મોતી જેવા દેખાય છે. ખારી પીલુડીનું ફળ બુલબુલ પક્ષીનો પ્રિય ખોરાક છે. કડવી પીલુડીને જાંબલી રંગનાં ફળ લાગે છે જે સ્વાદે સહેજ કડવાં હોય છે અને કદમાં નાનાં હોય છે. અન્ય ત્રીજી જાત છે જેને સફેદ ફળ લાગે છે. જે ભારતમાં બહુધા જોવા મળતી નથી.
પીલુડી કુદરતી રીતે ઊગતું એક જંગલી વૃક્ષ છે. તેનો છાંયો ઘાટો હોય છે. આ વૃક્ષનું થડ અને શાખાઓ આછા પીળા રંગની હોય છે. સામાન્ય રીતે રેતાળ અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં થાય છે.
કડવી અને મીઠી પીલુડીને એનાં પાનના આકાર પરથી જુદી પાડી શકાય છે. કડવી પીલુડીનાં પાન ઘેરા લીલા અને ટૂંકાં હોય છે, જ્યારે મીઠી પીલુડીનાં પાન આછા લીલા રંગના સાંકડાં અને લાંબાં હોય છે. પીલુડીનાં ફળને પીલુડાં કહે છે. આ ફળ વિણવું અને ખાવું એક કલા છે. વિણવા જતાં એ ખરી પડે છે. એટલે જ આંસુને પીલુડાં પણ કહે છે. કચ્છીભાષામાં પીલુડી જાર કહે છે.
કચ્છમાં અનુભવી ખેડૂતો પીલુડીનાં વૃક્ષો પર લાગતાં ફૂલો પરથી આવનારું ચોમાસું કેવું જશે એનો વર્તારો બાંધે છે. જો વૃક્ષો ફૂલોથી લચી પડે તો ચોમાસું સારું જાય એવું સ્થાનિક ખેડૂતો માને છે. આ વૃક્ષ વગડામાં અનેક જીવો માટે આધાર બની રહે છે.
જ્યારે ઉનાળામાં પાણીના સ્ત્રોત ઘટી જાય છે ત્યારે પક્ષીઓ માટે ખોરાક ઉપરાંત પાણીની જરૂરિયાત સંતોષે છે. એના પર થતાં ફૂલોને કારણે કુદરતી રીતે મળતા મધનો જથ્થો પણ જળવાઈ રહે છે. પીલુનું વૃક્ષ જે ફળ આપે છે એનાં બીમાં એક જાતનું તેલ હોય છે જે જામી ગયેલી સ્થિતિમાં હોય છે. આ તેલને ખાખણ કહે છે. એ ખવાતું નથી, પણ ગોટલાના સોજા તેમ જ સંધીવામાં વપરાય છે.
પીલુડીમાં એક જાતનું રસાયણ છે જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે તેમજ સડો થતો અટકાવે છે. ભારતમાં ટૂથપેસ્ટ બનાવતી એક કંપની પોતાનાં ઉત્પાદનમાં પીલુડીનાં રસાયણો વાપર્યાંનો દાવો કરે છે.
યુનાની વૈદ્યો પણ આ વૃક્ષની ડાળીનો દાંતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે. કચ્છમાં આ વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એનો દાંતણ તરીકે ઉપયોગ થતો નથી. કદાચ એના તુરા-કડવા સ્વાદને કારણે એવું બન્યું હશે.
આ ફળમાં કૅલ્સિયમનું પ્રમાણ ઊંચું હોવાનો જાણકારોનો મત છે. પીલુડીનાં ફળ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે. મીઠી પીલુડીનાં ફળનો રસ સ્કર્વી નામના રોગ સામે રક્ષણ આપે છે. કેટલાક લોકો મીઠી પીલુડીનાં પાનના ઉકાળામાં ગોળ નાખી પીએ છે. તો કેટલાક તેનાં પાન ગરમ કરી છાતીએ બાંધે છે. આમ કરવાથી શરદી મટી જતી હોવાનું કહેવાય છે.
પીલુડી વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષો દુર કરે છે. એ રસાયન છે. સોજા પર પાનનો રસ ચોપડવો તથા પાનની ભાજી ખાવી. એ શોથઘ્ન છે, આથી સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે.
પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધી થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નીરોગી બને છે. લીવરના રોગોમાં તેનો રસ ઉપયોગી છે. પીલુડીને કાળી પોપટી પણ કહે છે. એનાં પાનનું શાક વાતરક્ત, હરસ, સોજા, આમવાત, ઉદરરોગો, ચામડીના રોગો અને કમર જકડાઈ જતી હોય તેમાં ખાવાથી લાભ થાય છે.
પીલુડી મૈથુનશક્તી વધારનારી અને રસાયન છે. એ ગરમ પણ નથી અને ઠંડી પણ નથી. એ રેચક અને કુષ્ઠનાશક છે. આ વૃક્ષ ભલે કમાવી ન આપતું હોય, પરંતુ પર્યાવરણની સમતુલા જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે. ખારી જમીનનું ધોવાણ તો અટકાવે જ છે, એ વન્ય જીવોને રક્ષણ આપે છે.
સામાન્ય રીતે ઊધઈને આધુનિક મનુષ્ય પોતાની દુશ્મન માને છે, પરંતુ જમીનના સેન્દ્રીય ઘટકોના વિઘટનની પ્રક્રિયામાં ઊધઈનો બહુ મોટો ફાળો છે. પીલુડીનું વૃક્ષ ઊધઈને રક્ષણ આપે છે. જ્યાં પીલુડી હોય છે ત્યાં આસપાસ ઊધઈના રાફડા જોવા મળે છે.