નગોડ ભારતમાં સર્વત્ર ઊગે છે. તેના છોડ ચાર ફૂટથી શરૃ કરી પંદર ફૂટ જેટલી ઊંચાઈના થતા હોય છે. મહાબલેશ્વરમાં પ્રતાપગઢ આસપાસ તથા મોટાભાગના જાહેર રોડની બન્ને બાજુએ અને નદી કિનારે નગોડના છોડ ઉગેલા હોય છે. મહારાષ્ટ્રમાં નગોડના છોડને ‘બણઇ’ નામથી ઓળખવામાં આવે છે.
નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, આમવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે એમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે.
નગોડનાં તાજાં મુળ અને લીલાં પાનનો રસ કાઢી તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવાર-સાંજ નીયમીત આ તેલથી માલીશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુખાવામાં રાહત થાય છે.
રાંઝણના દરદીને નિતંબથી શરૃ કરી છેક પગની આંગળીઓ સુધી (સાયેટિકા નર્વમાં) સળંગ અને એકધારો દુખાવો થતો હોય છે. ઘણા દરદી આખા પગમાં ઝણઝણાટીની પણ ફરિયાદ કરતા હોય છે. આવી સ્થિતિમાં નગોડના પાંદડા અને પાતળી દાંડલી લાવી તેને કુટી પાણી ભરેલી એક તપેલીમાં નાખી ધીમા તાપે ઉકળવા દેવું. એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી હૂંફાળું હોય ત્યારે જ એમાં એક ચમચી દેશી દિવેલ મેળવી હલાવીને પીવાથી સતત દુખાવો કરતી રાંઝણ પણ મટી શકે છે.
ગમે તેવું ભરનીંગળ ગૂમડું થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફુટી જાય છે.નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે. સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઉતરી જાય છે અને તાવ મટે છે.સંધીવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે.
સાંધા દુખતા હોય, ખટખટ અવાજ આવતો હોય અને ચાલવામાં તકલીફ થતી હોય તો નગોડના મૂળનો અથવા તો પાંદડાનો ઉકાળો કરી એકાદ બે ગ્રામ જેટલો શુદ્ધ ગૂગળ (અથવા તો રાસ્ના ગૂગળ) મેળવી પીવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે છે.
આર્થાઈટીસ એટલે કે સાંધાનો દુખાવો થતો હોય ત્યારે નિર્ગુંડી તેલની માલિશ કરી નગોડના પાનની પોટલી બનાવી તેનો વરાળિયો શેક કરવો. કમરના દુખાવામાં પણ આ રીતે માલિશ તથા શેક કરી ઉપચાર કરવો.
નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક, મુત્રજનન, આર્તવજનન કૃમીઘ્ન અને વેદનાહર છે.કોઈ પણ દુખાવામાં નગોડના તેલની હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. સાયટીકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે. નગોડના મૂળ, ફળ અનેપાનનો રસ કાઢી તેનાથી ઘી પકાવી લેવું. આ રીતે સિદ્ધ થયેલું ઘી પીવાથી ક્ષયથી પીડાતો દરદી વ્યાધિમુક્ત થઇને દેવ જેવી ક્રાન્તિવાળો બને છે.
સાંધાના દુખાવા પર તેલની માલિશ કરવાની મનાઈ છે પણ નગોડના ઉકાળામાં બે ચમચી દેશી દિવેલ મેળવી પીવામાં આવે તથા આમવાતારિરસ, સિંહનાદ ગૂગળ અને મહા યોગરાજ ગૂગળની બે બે ગોળી સવાર સાંજ ભૂકો કરીને લેવામાં આવે તો રુમેટિઝમ અથવા તો રુમેટોઇડ આર્થાઇટિસ નામનો સાંધાનો દુખાવો દૂર થઇ શકે છે. સાંધા પર સોજો હોય તો લેપગૂટી અને ગૂગળનો ગરમ લેપ લગાવી રેતીની પોટલીથી શેક કરી શકાય.
શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નીર્ગુંડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે. કાનમાં પાક થઈ દુખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં મુકવાથી દુખાવો તથા પાક મટે છે.
સખત માથું દુખતું હોય તેવી સ્થિતિમાં નગોડના તેલનું ‘નસ્ય’ આપવું અને નગોડના પાન ગરમ કરી માથા પર તેનું બંધાણ બાંધવું. નગોડનો રસ ગરમ કરી કપાળ તથા લમણા પર લગાવવો.
માથામાં જૂલીખ પડી હોય કે ખૂબ ખજવાળ આવતી હોય તો એના ઉકાળાથી માથું ધોઈ શકાય. નાના બાળકને કૃમિ હોય તો એને નગોડના રસમાં મધ મેળવીને એકાદ બે ચમચી પાઈ શકાય.
નગોડ વાયુ તથા કફનું શમન કરે છે. આયુર્વેદના આચાર્યોએ ઉપરોક્ત રોગો ઉપરાંત તેને સોજામાં, નાસૂર કે ગૂમડા થયા હોય તેમાં પ્લીહાવૃદ્ધિમાં, ભગંદરમાં, પ્રદર, શૂલ, ખાંસી, અપચો, આફરો, અપચી, વાઈ, કાકડા, ચામડીના રોગો અને કફવાત પ્રધાન તાવ (ફ્લ્યુ)માં તથા મલેરિયામાં પણ વાપરી છે.