મુલતાની માટીમાં કેટલાંક એવા પોષક તત્વો મળી આવ્યા છે, જેને કારણે આ ત્વચા માત્ર સાફ અને ખૂબ સૂરત જ નથી બનતી, પણ એનાથી એક પ્રકારની સુરક્ષા પણ મળી રહે છે. મુલતાની માટીમાં ઘણાંબધાં પોષક તત્વો જોવા મળ્યા છે.
જેમ કે ૧૩.૧ ટકા મોશ્ચરાઈઝર, ૪.૪૭ ટકા તેલ, ૬.૩ ટકા પ્રોટીન, ૯.૪ ટકા કાર્બોહાઈડ્રેટ, ૧૩.૩૩ ટકા ખનિજ લવણ, આ ઉપરાંત વિટામિન ‘એ’ તથા ‘ઈ’પણ મુલતાની માટીમાં જોવા મળ્યાં છે. મુલતાની માટી એક ફેસપેક જ નહીં, પણ એ ઉત્તમ ક્વોલિટીનું ક્લિન્ઝર ટોનર અને મોશ્ચરાઈઝર છે, જે ત્વચાને યોગ્ય પ્રમાણમાં પોષણ દઈને એને મુલાયમ બનાવે છે.
સ્કીન કેર પ્રત્યે થોડી ઘણી ચીવટ રાખનારાઓ પણ ‘મુલતાની માટી’ને બહુ સારી રીતે જાણે છે. તેનો પ્રયોગ કરતાં પહેલાં આખી રાત પલાળી રાખવી જોઈએ. માટીમાં સાદા પાણી સાથે ગુલાબજળ નાખીને થોડા સમય વાસણમાં ઘૂંટવી જોઈએ. પછી તેનો આંખો અને હોઠને બાદ કરતાં પૂરા શરીર ઉપર લેપ લગાવવો જોઈએ. તેમ કરવાથી ચામડી કોમળ અને તાજી તાજી લાગે છે.
અડધો કલાક પછી માટીને ધોઈ નાખવી જોઈએ અથવા તો સવારના તડકો ના લાગે એ રીતે બહાર ફરી આવીને માટી ધોવામાં આવે તો ચામડીને ઠંડક મળે છે. ચામડીમાં એક નવી તાઝગી આવી જાય છે.
સ્ટ્રેસ, હોર્મોનોલ સમસ્યાઓ અને ડિલિવરી બાદ વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. સાથે જો શરીરમાં ઝિંક, આયર્ન અને પ્રોટીનની ઉણપ હોય તો પણ વાળ ખરે છે. માટે દરરોજ મુલતાની માટીથી વાળ ધોવાથી વાળ ખરતા ઓછા થશે.
મુલતાની માટી, કાળી માટી, આંબળા, શિકાકાઈ, અરીઠા અને લીંબડાની છાલનો સપ્રમાણ પાઉડર લઈને પાણી સાથે મેળવી પેસ્ટ બનાવીને વાળમાં અઠવાડિયામાં બે વાર લગાવવામાં આવે તો વાળ મજબૂત, સ્વસ્થ, સુંદર કાળા અને ચમકદાર બની જાય છે. આવા અનેક વ્યક્તિઓ પર પ્રયોગ કરવામાં આવ્યા છે. આ પ્રયોગ નિયમિત ચાલુ રાખવાથી વાળ સફેદ થતા નથી
ચામડી પર પડેલાં કાળાં કૂંડાળાં કે કાળા ડાઘા માટે મુલતાની માટીમાં ટામેટાનો રસ અડધો અડધ નાખીને પ્રયોગ કરવામાં આવે તો અઠવાડિયામાં જ ડાઘ દૂર કરી શકાય છે. બ્યુટી પાર્લરમાં આ રીતે જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મુલતાની માટીની સાથે દહીં અને લીંબુનો રસ મેળવીને ચહેરા પર લગાવવાથી સૂકી ચામડીનો ઘણો ફાયદો કરી આપે છે. વાળ માટેની સુંદર પેસ્ટ બનાવીને વાપરી શકાય છે.
ચામડીના ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે મુલતાની માટી, ચણાનો લોટ, બદામનું તેલ, લીંબુનો રસ, થોડી હળદર મેળવીને લગાવવાના ઘણા પ્રયોગો કરવામાં આવતાં ઘણી સફળતા મળી છે. માત્ર મુલતાની માટી અને લીંબુનો રસ મેળવીને લગાવવાથી પણ સારાં પરિણામો મહિલાઓએ મેળવ્યા છે.
કાળી ચામડીને સુંદર બનાવવા માટે બે ચમચા મુલતાની માટી, એક ચમચો ચણાનો લોટ, એક ચમચો સરસિયુ તેલ, ચાર ચમચા દૂધીનો રસ, એક ચપટી હળદર મેળવીને પેસ્ટ બનાવી રાખ્યા બાદ શરીર પર લગાવવાથી શરીરની ચામડીના ઊંડાણ સુધી અસર કરે છે. અને કાળી ચામડીને ઊજળો વાન બનાવે છે.
ચહેરાના ખીલ મટાડવા માટે ઉત્તમ માર્ગ પણ પીળી માટીનો છે. તુલસી અને ફુદીનાનો પાઉડર એમાં મેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. માટી અને લીમડાના પાનનો પાઉડર મેળવીને અલગ પેસ્ટ બનાવી શકાય છે. તેલવાળી ચામડીને સરળ બનાવવા મુલતાની માટી અને માટીથી અડધો સંતરાનો રસ મેળવીને ચહેરા પર લગાવવો.
મુલતાની માટી અને ચંદનનો પાઉડર અને ગુલાબજળ ચહેરાના રોગો મટાડે છે. ચહેરાની ચમક માટે ફૂદીનો, કાકડી ઘણા મદદરૃપ થાય છે. માટીમાંથી ફેસપેક પણ બને છે. ચંદન પાઉડર અને લવિંગનો ભૂકો નાખીને બનાવેલી પેસ્ટ ખીલ મટાડે છે. કોમળ ચામડી માટે માટીમાં સંતરાની છાલને જ્યુસરમાં પીલીને નાખવી જોઈએ. માટીથી ખોડો દૂર કરી શકાય છે.
તડકામાં ત્વચાની સામે એક પ્રકારનું સંરક્ષણકવચ તૈયાર કરી આપે છેમુલતાની માટીમાંના વિટામીન ‘એ’ અને વિટામીન ‘ઈ’ ત્વચાને કરચલીઓથી બચાવે છે. એનો રોજ પ્રયોગ કરવામાં આવે તો રંગ-રૃપ ખીલવા માંડે છે.
નાહતાં પહેલાં શરીર પર લગાડો અને શરીરને સાફ કરો. આમ કરવાથી ત્વચા ચમકીલી બનશે. એ સાથે સાફ, સુંદર, ગોરી પણ થશે. શુષ્ક ત્વચાને ખૂબસૂરત બનાવવા માટે બે મોટી ચમચી મુલતાની માટીમાં એક નાની ચમચી બદામનું તેલ ભેળવો. એમાં જ એક મોટી ચમચી મધ ભેળવીને પેસ્ટ બનાવો. વીસ મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખો અને પછી પેસ્ટ સૂકાઈ જાય બાદ હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ પ્રયોગ કરો.
ડોક પર ચમક અને નિખાર લાવવા માટે બે મોટી ચમચી મુલતાની માટીમાં એક ચમચી કાચું દૂધ, એક મોટી ચમચી નાળિયેર પાણી ભેળવીને ૨૦ મિનિટ સુધી ડોક પર લગાડો. સુકી થઈ જવા બાદ ઠંડા પાણીથી ધૂઓ. અઠવાડિયામાં બે વાર લગાડવાથી ડોક પરની કાળશ દૂર થઈ જશે. આ રીતે મુલતાની માટી તમારા રૃપ-સૌંદર્યને નિખારે તો છે જ પણ એ સાથે તમારા વ્યક્તિત્વને પણ આકર્ષક બનાવે છે.