બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી, ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને એને કાચની બરણીમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે.
લીલી અને આંબા હળદર ડાયાબિટીસ અને ચામડીના રોગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આંબા હળદર દેખાવમાં સફેદ રંગની અને લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે.
કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે.
કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે
હળદરમાં રહેલું મુખ્ય તત્વ કરક્યુમિન છે, હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. કેટલીક હદે એ સૂર્યથી થતા ડેમેજથી સ્કિનને રક્ષણ પૂરું પાડે છે.’
હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.
હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે. તેનો પ્રયોગ કરવા માટે થોડી હળદરને વાટીને તેમાં લીંબુના કેટલાક ટીંપા મિક્સ કરો અને પછી ઇચ્છો તો તેમાં કાકડી મિક્સ કરી દો. આ રીતે કરવામાં આવતો હળદરનો પ્રયોગ તમને એક નહીં, અનેક સારા પરિણામો આપશે. જોકે, સારું રિઝલ્ટ મેળવવા માટે સતત તેનો પ્રયોગ કરતા રહેવું.
ચહેરા પર ખીલ થઇ ગયા હોય તો હળદરના પાવડરમાં ચંદન તથા પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. આનાથી ખીલ ધીમે-ધીમે દૂર થશે. બજારમાં ખીલ દૂર કરવા માટે મળતી વિવિધ ક્રીમોની સરખામણીએ હળદર વધુ લાભદાયક છે.
હળદર બોડી સ્ક્રબનું કામ પણ કરે છે. બસ નાહ્યા પહેલા હળદરનો પાવડર, પાણી અને લોટની પેસ્ટ બનાવી શરીર પર ઘસો. આવું નિયમિતપણે કરવાથી તમારું શરીર ચમકી ઉઠશે અને સ્વસ્થ પણ રહેશે. જો નજીકના ભવિષ્યમાં તમારા લગ્ન થવાના છે તો આ પેસ્ટનો પ્રયોગ અત્યારથી જ શરૂ કરી દો.
જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.
જેઓ પોતાના ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છે તેમણે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.
જો તમારા હાથ રસોડામાં ભોજન બનાવતી વખતે દાઝી ગયા છે તો તેના પર હળદર અને એલોવીરા જેલ લગાવી દો. આનાથી બળતરા ઓછી થશે અને હાથ પર ડાઘા નહીં રહે.
હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.
જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.
બાબા રામદેવ દિવસમાં ત્રણ વખત હળદરવાળું ગરમ પાણી પીએ છે તો મોરારીબાપુ પણ હળદરવાળા ગરમ પાણીનો ભરપૂર ઉપયોગ કરે છે. જેમને સતત બોલવાનું છે એ સૌ માટે હળદરવાળું ગરમ પાણી જબરદસ્ત અસરકારક છે. પ્રોફેસરે આ નુસખો અજમાવવો જોઈએ. અવાજ માટે જ અમિતાભ બચ્ચન પણ સવારે એક વાર અને રાતે એક વાર ગરમ પાણીમાં હળદર નાખીને પીએ છે.
મહાભારતના યુદ્ધના સમયે હળદરમાંથી બનાવવામાં આવેલા રસાયણના મોટા ઘડા ભરાઈને તૈયાર રાખવામાં આવતા હતા. યુદ્ધમાંથી ઘાયલ થઈને આવતાં સૈનિકના શરીર પર હળદરના રસાયણનો લેપ કરવામાં આવતો. હળદરનો જ ઉલ્લેખ શિવપુરાણમાં પણ છે અને હળદરનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. રામાયણમાં જે સંજીવની બુટીની વાત છે એ છોડ હકીકતમાં એક પ્રકારની હળદરનો જ છોડ છે, જેને શ્રીલંકામાં આજે પણ સંજીવની હલ્દી કહેવામાં આવે છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં હળદરનો ઉપયોગ હવે રોજિંદા વપરાશમાં વધારવાની સલાહ ડોક્ટર આપી રહ્યા છે અને આ જ કારણે હવે એ દેશોમાં હળદરની કેપ્સ્યૂલનું ચલણ વધવા માંડયું છે.
અમેરિકન સાયન્સ ઇન્સ્ટિટયૂટે રિસર્ચ પછી દાવો કર્યો છે કે જે ફૂડ શરીરની અંદરના સોફ્ટ ભાગમાંથી પસાર થઈને પેટમાં પહોંચે છે એ ફૂડથી અંદરના નાજૂક અવયવો અને ઓર્ગનને ઘસારો થવાની શક્યતા હોય છે. આવા આંતરિક ઘસારાને રુઝવવા અને ત્યાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે એ માટે હળદરનો વપરાશ થઈ રહ્યો હોય છે.
હળદરનું નિયમિત સેવન કરવાથી ચૌદ જાતની બીમારી થવાના ચાન્સીસ બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્ત્વ ઉમેરવામાં આવે છે, એ છ સત્ત્વ હળદરમાં સમાયેલાં છે.