આ એક ખૂબ જ સુગંધિત રોપ છે અને તેની સુગંધને લીધે મુંબઈમાં સર્વત્ર બાગમાં વાવવામાં આવે છે. વેણીમાં તેના ફૂલ વાપરવામાં આવે છે. આ એક મોટું ઘરગથ્થુ ઔષધ છે. સૂકવેલ દમણો બજારમાં વેચાતો મળે છે અને તે જ દવા તરીકે વપરાય છે. આ ખૂબ શક્તિવર્ધક છે.
તો ચાલો હવે અમે તમને જનવીએ દમણાથી થતાં અનેક લાભો. : શરીરમાં થોડી ગરમી હોય, હાથપગ બળતા હોય, આંખમાં બળતરા થતી હોય અને સારું લાગતું ન હોય તો ૧ ગ્રામ દમણો સવારે પાણીમાં પલાળીને સાંજે તે પાણી ગાળીને તેમાં સાકર નાખીને પીવું જોઈએ. આમ કરવાથી શરીરમાં સારું લાગે છે અને સ્કૂર્તિ આવે છે.
દમણો શરીરમાં કોઈ પણ કારણથી આવેલી ગરમી મટાડે છે. દમણો રાત્રે પાણીમાં પલાળી રાખવો. સવારે તે પાણી ગાળીને તેમાં દૂધ તથા સાકર નાખીને પીવાથી પેશાબ સાફ આવે છે અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે. સ્ત્રીઓના ગર્ભાશયને લગતા દરેક રોગોમાં દમણો સારો છે. આ માટે તેનું જીણુ ચૂર્ણ ૩ ગ્રામ તે પલળે તેટલા શુદ્ધ તલના તેલ સાથે સવાર સાંજ પીવું જોઈએ.આમ કરવાથી સ્ત્રીઓના ગર્ભાશયને લગતા બધા જ પ્રકારના રોગો દૂર થાય છે.
કમળા માટે ૨૦ ગ્રામ દમણો લઈને તેમાં ૧૦ ગ્રામ જીરું મેળવી ખોખરું કરીને કલઈવાળા વાસણમાં અડધો લિટર પાણી નાખી તેને ખૂબ ઉકાળીને ઉકાળો તૈયાર કરવો અને તેમાં સાકર નાખીને પીવો જોઈએ. આનાથી પેશાબ સાફ આવીને કમળો મટે છે.
પેટમાં પાણી ભરાયેલ હોય તેને ઓછું કરનાર દવાઓમાં આ પણ એક છે. ૨૦ ગ્રામ દમણો તથા ત્રણ ગ્રામ લાંપડીનાં બીજ સારી પેઠે ખાંડી અડધા લિટર પાણીમાં નાખી ઉકાળો બનાવવો. આનાથી પેશાબ વધારે આવીને પેટની અંદરનું પાણી ઓછું થાય છે.
સાંધા દુખતા હોય તો સૂકવેલા દમણાનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવું જોઈએ. આનાથી ઝાડો તથા પેશાબ સાફ આવીને દુખાવો મટે છે. સ્ત્રીઓને જો અટકાવ નિયમિત આવતો ન હોય કે સાફ આવતો ન હોય તો આનું ૫ ગ્રામ વસ્ત્રગાળ ચૂર્ણ અટકાવ આવવાના સમયે દિવસમાં ચાર વખત ગરમ પાણી સાથે પીવું જોઈએ.
હાલમાં ગર્ભાશયની અશુદ્ધિને લીધે હિસ્ટીરિયા નામનો રોગ શરૂ થયો છે. આનાં લક્ષણો આયુર્વેદના ઉન્માદ, મૂર્છા વગેરે રોગ સાથે સામ્ય ધરાવે છે; પણ મુખ્યત્વે વાત રોગમાં ગણાવેલ અપતંત્રક નામના રોગ સાથે વધારે સામ્ય છે. આમાં દમણો વધારે અસરકારક સાબિત થાય છે.
તલના તેલ સાથે ૧૦ ગ્રામ તાજા દમણાનો રસ, ૧૦ ગ્રામ સાકર સાથે પીવાથી તથા એના ઉકાળા ના કોગળા કરવાથી દાંતમાંથી લોહી નીકળતું હોય તો તે મટે છે. કાન દુખતો હોય તો દમણાનો તાજો રસ કાનમાં નાખવો. તેમજ કોઈ પણ પ્રકારનો જખમ હોય તો દમણાના પાણીથી ધોઈને પણી સાથે વાટીને ઘાવ પર બાંધવાથી રુઝ આવે છે અને જખમ સારો થાય છે.
કોઈને એમ થાય કે, ‘મને સારું નથી, રોગ થયો છે. માથું દુઃખે છે, અંગેઅંગ દુખે છે, ભૂખ લાગતી નથી, ઝાડા સાફ આવતા નથી, ઊંધ આવે નહિ.” આવા મનના રોગીને દમણાનું ચૂર્ણ આપવાથી ફાયદો થાય છે. 3 ગ્રામ દમણાનું વસ્ત્રગાળ ચૂર્ણ ૨૦ ગ્રામ ગુલકંદ સાથે દિવસમાં બે વખત પીવું જોઈએ.