પ્રાચીન કાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે, તેના ઉપયોગથી દાળ-શાકનો રંગ પીળો થાય છે અને સ્વાદ પણ વધે છે. હળદર એક મહત્ત્વની ઔષિધ છે, પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી.
હળદર બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ, વગેરે બધી પ્રકૃતિ વાળાંને નિર્ભય રીતે આપી શકાય છે. તેના સેવનથી કંઈ નુકસાન થવાનો ભય રહેતો નથી, વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષોની વિકૃતિ પર હળદર વપરાય છે. હળદરમાં લોહીને શુદ્ધ કરવાનો ગુણ છે. એ શરીરના લોહીને શુદ્ધ કરી શરીરનો વર્ણ પણ સુધારે છે.
ઉધરસના રોગીને ગરમ દૂધમાં હળદર નાખીને પિવડાવવાનો રિવાજ છે. શરીરમાં પેદા થતી વિકૃતિઓનું મારણ પણ હળદરથી થાય છે. આમ, હળદર અનેક રોગોની સસ્તી ઘરગથ્થુ રામબાણ ઔષધિ છે. ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સ્વરભેદ થયો હોય, સાદ બેસી ગયો હોય તો તે ઊઘડે છે. હળદર અને દૂધ ગરમ કરી તેમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પિવડાવવાથી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે.
ગાયના મૂત્રમાં ચપટી હળદર નાખીને પિવડાવવાથી બાળકોની સસણી મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે. હળદરનો કકડો શેકી રાત્રે સૂતી વખતે મેાંમાં રાખવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે. ત્રાસ આપતી ખાંસી પણ તેનાથી ઓછી થાય છે. હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે.
ઠંડા પાણીમાં હળદરનો ગાંઠિયો ઘસી, માખણ મેળવી, તે મિશ્રાણ દિવસમાં બે વાર ત્રણ દિવસ સુધી બાળકના બંને ખભા પર, ગળા નીચે, પીઠના હાડકા પર અને બંને કાન આગળનાં ગલફોરાં પર ચોળવાથી બાળકોને ગળું પડવાનો રોગ મટે છે. હળદર, જૂની માટી તથા મીઠું એકત્ર કરી, પાણી મેળવી, અગ્નિ પર મૂકી, ખદ ખદાવી, સહેવાય તેવો ગરમાગરમ લેપ કરવાથી મૂઢ મારનો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે.
હળદરની ધુમાડીનો નાસ લેવાથી શરદી અને સળેખમ તરત જ મટે છે. હળદરની ભૂકી દેવતામાં નાખી, તેનો ધુમાડો વીંછીના ડંખને આપવાથી વીંછી ઊતરે છે. હળદરની ભૂકી ચલમમાં નાખી તમાકુની માફક પીવાથી પણ વીંછી ઊતરે છે. હળદરને ધસીને, સહેજ ગરમ કરી જંતુના ડંખ પર લેપ કરવાથી આરામ થાય છે. વજન ઓછું ના થતું હોય તો હૂંફાળા પાણીમાં હળદર મિક્સ કરીને રોજે સવારે પીંજાઓ પેટ અને કમરના ભાગની બઘી જ ચરબી ઓગાળી વજન ને કંટ્રોલ કરશે. હળદર લોહીને સાફ રાખે છે. નિયમિત પણે હળદરનું પાણી પીવાથી લોહીમાં રહેલ બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને લોહી શુદ્ધ થવાના કારણે ચામડીના રોગો પણ દૂર રહે છે